Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મકાન અને દૂકાન પડાવી લેવાની ધમકીથી ત્રાસી ગામ છોડી રાજકોટ આવેલા પડધરીના યુવાને ફિનાઇલ પીધી

ચશ્‍માના ધંધાર્થીએ કટકે કટકે લીધેલા પાંચ લાખ પાછા આપી દીધા છતાં વધુ માંગણી થતી'તી : જ્‍યુબીલી બાગ પાસે પગલુ ભર્યુઃ સદામની ફરિયાદ પરથી રઘુભા વિરૂધ્‍ધ ગુનો નોંધતી એ-ડિવીઝન પોલીસ

રાજકોટ તા. ૧૬: પડધરીમાં રહેતાં અને ચશ્‍માની દૂકાન ચલાવતાં યુવાને ગામના જ વ્‍યક્‍તિ પાસેથી કટકે કટકે લીધેલા પાંચ લાખ પાછા આપી દીધા હોવા છતાં આ શખ્‍સ વધુ પૈસા માંગી મકાન અને દૂકાન પોતાના નામે કરી દેવાનું કહી સતત ધમકી આપતો હોઇ યુવાન અને તેના પરિવારજનો ગામ મુકી રાજકોટ રહેવા આવી ગયા બાદ યુવાને કંટાળીને જ્‍યુબીલી બાગ પાસે ફિનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસે ધમકી આપનાર પડધરીના શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો છે.

આ બારામાં એ-ડિવીઝન પોલીસે મુળ પડધરી બાલાજી પાર્કના અને હાલ રાજકોટના માધાપર ગામમાં ભાડાના મકાનમાં રહેતાં સદામ રજાકભાઇ મેમણ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી પડધરી ગજાનન સોસાયટીમાંરહેતાં રઘુભા સુખુભા જાડેજા સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્‍યો છે.

સદામે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પડધરીમાં રાજક ચશ્‍મા ઘર નામે મારા પિતા અને ભાઇઓ સાથે બેસી ધંધો કરુ છું. ત્રણ વર્ષ પહેલા મેં ઓળખીતા રઘુભા પાસેથી રૂા. પાંચ લાખ કટકે કટકે લીધા હતાં. આ રકમ મેં તેને પરત કટકે કટકે ચુકવી દીધી હતી. આમ છતાં રઘુમા છેલ્લા દોઢેક મહિનાથી વારંવાર દૂકાને આવી મારા પિતાને ધમકી આપતા હતાં. તેમજ તેણે કહેલુ કે જો તારો દિકરો મારા રૂપિયા નહિ ચુકવે તો હું તને અને ત્રણ ત્રણેય દિકરાને મારી નાંખીશ. જે તે વખતે હું દૂકાને નહોતો, મારા પિતાજીએ વાત કરી હતી.

ત્‍યારબાદ મારા પિતાજી રઘુભાના ઘરે ગયા હતાં. ત્‍યારે પણ તેણે ગાળો દીધી હતી. એ પછી પણ તેણે અવાર-નવાર દૂકાને આવી હેરાનગતી ચાલુ રાખી હતી.  અમારું મકાન પણ પોતાના નામે કરી દેવા અને દૂકાનને તાળુ મારી ચાવી આપી દેવા કહેતાં હોઇ હું દોઢેક મહિનાથી કંટાળીને દૂકાને પણ ગયો નથી. સતત ત્રાસ-ધમકીને કારણે હું અને મારા પિતાજી ગામ મુકી ૧૪મીએ રાજકોટ ભાડે મકાન રાખી રહેવા આવી ગયા છીએ. રઘુભાના ત્રાસથી કંટાળી જઇ મેં જ્‍યુબીલી ચોકમાં આવેલી દૂકાનેથી ફિનાઇલની બોટલ ખરીદી હતી અને પી ગયો હતો.

એ-ડિવીઝનના હેડકોન્‍સ. આર. એલ. વાઘેલાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)