Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

આરોગ્ય શાખાનો સપાટો

રૈયા રોડના જલારામ પાર્લરમાં અમૂલની વાસી છાશ - અખાદ્ય આઇસ્ક્રીમ - મીઠાઇ સહિત ૭૦ કિલો ખોરાકનો નાશ

ખાદ્ય પદાર્થોમાં ધૂળ - માખીઓ બણબણતી જોવા મળીઃ પાર્લરમાં અસહ્ય ગંદકીઃ એકસ્પાયરીવાળા ઠંડા પીણા - બેકરી પ્રોડકટ - નમકીન વેચવાનું કારસ્તાન ખુલ્યુઃ નોટીસ ફટકારતા નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ

એકસ્પાયરી ડેટ છાશ - આઇસ્ક્રીમ - નાસ્તો વેચવાનું કારસ્તાન : રૈયા રોડ પર આવેલ જલારામ પાર્લરમાં એકસ્પાયરી ડેટવાળા અખાદ્ય પદાર્થો વેચવાનું જબરૂ કારસ્તાન ઝડપી લેવાયુ તે વખતની તસ્વીરમાં એકસ્પાયરી ડેટવાળી અમૂલ છાશ, કોલ્ડ્રીંકસ વગેરે જથ્થા સાથે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ, ડેઝિગ્નેડેટ ઓફિસર અમિત પંચાલ વગેરે દર્શાય છે.

રાજકોટ તા. ૧૬ : શહેરનાં રૈયા રોડ પર આવેલ જલારામ અમૂલનાં પાર્લસમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની ટીમે દરોડા પાડી અને છાશ, કોલ્ડ્રીંકસ, નમકીન, બેકરી પ્રોડકટ વગેરે એકસ્પાયરી ડેટ વિતી ગયા પછી પણ (વાસી થઇ ગયેલ) વેચી અને જાહેર આરોગ્યને નુકસાન કરવાનું જબરૂ કારસ્તાન ઝડપી લઇ અને સ્થળ ઉપરથી કુલ ૭૦ કિલો જેટલા અખાદ્ય ખોરાકનો નાશ કરી પાર્લરના માલિક નિતીનભાઇ રમેશચંદ્ર કોટેચાને નોટીસ ફટકારી હતી.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલ જલારામ અમુલ પાર્લરમાં ફૂડ ઇન્સ્પેકટરોની ટુકડી સાથે દરોડા પાડયા હતા. કેમકે આ 'અમૂલ પાર્લર'માં અસહ્ય ગંદકી અને વાસી ખાદ્ય પદાર્થો વેચાતા હોવાની અઢળક ફરિયાદો મળી હતી એટલું જ નહી. આ બાબતે પાર્લરનાં માલિકને અવાર-નવાર તાકિદ કરાયેલ  છતાં આરોગ્યમાં નિયમોનો ઉલાળિયો કરીને અખાદ્ય ખોરાક વેચાણ ચાલુ હોવાની ફરિયાદ મળતા આજે ઓચિંતુ ચેકીંગ હાથ ધરાયેલ.

આ ચેકીંગ દરમિયાન સ્થળ પર ધૂળ ચોંટેલી અને માખીઓથી બણબણતી મીઠાઇઓ જોવા મળેલ. પાણીનો ટાંકો ગંદકીગ્રસ્ત હતો. વાસણો ગંદા હતા. ઉંદરડાઓ ફરતા જોવા મળેલ. એંઠવાડ સહિતની ગંદકી સીધી જ ગટરમાં ફેંકાતી હતી.

એટલું જ નહી સ્થળ ઉપરથી એકસ્પાયરી ડેટવાળી અમૂલની છાશની ૧ લી.ની ૧૧ બોટલો ઉપરાંત, આઇસ્ક્રીમ, કુલ્ફી, બેકરી પ્રોડકટ, નમકીન વગેરેનો જથ્થો વેચાણમાં મૂકાયો હોવાનું ઝડપાઇ જતાં આ સ્થળેથી ૧૧ બોટલ અમૂલ છાશ, ૩ કિલો ખાખરા, ૨ કિલો બિસ્કીટ, ૫ લીટર વાસી જ્યુસ, ૫ કિલો કાજુ કતરી મીઠાઇ, ૮ કિલો કુલ્ફી - આઇસ્ક્રીમ, ૧૦ લીટર કોલ્ડ્રીંકસ બોટલો, ૩ કિલો બેકરી પ્રોડકટ, ૫ કિલો નમકીન, ૪ કિલો સોસ સહિત ૭૦ કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો.

આમ, આ 'અમૂલ પાર્લર'માં અખાદ્ય, ગંદકી ગ્રસ્ત, વાસી ખોરાક મળી આવતા આ પાર્લરના માલીક નિતીનભાઇ રમેશચંદ્ર કોટેચાએ તેનો સ્વીકાર કરતુ રોજકામ કરી અને આ બાબતે નોટીસ ફટકારી આરોગ્યનાં નિયમોનું પાલન નહી થાય તો પાર્લર સીલ કરવા તાકીદ કરી હતી.

(2:52 pm IST)