Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ઉદય કાનગડ ‘કાળી ચૌદસીયા' શબ્‍દ પાછા ન ખેંચે ત્‍યાં સુધી જનરલ બોર્ડનો બહિષ્‍કારઃ વશરામ સાગઠીયા

ભાજપ કોર્પોરેટરોનાં એલ-ફેલ ઉચ્‍ચારણો અને ગુંડાગીરી સામે કોંગી કોર્પોરેટરોમાં જબ્‍બર રોષઃ પ્રેક્ષકોને પણ પ્રવેશબંધીઃ મેયરની જોહુકમી હવે નહી ચલાવાયઃ વિપક્ષી નેતા આકરા પાણીએ

રાજકોટ, તા.,૧પઃ  આવતીકાલે સવારે ૧૧ વાગ્‍યે મ્‍યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ મળી રહ્યું છે. ત્‍યારે વિપક્ષી નેતાં વશરામભાઇ સાગઠીયાએ આ જનરલ બોર્ડનો કોંગી કોર્પોરેટરો બહીષ્‍કાર કરશે તેવો નિર્ણય લીધાનું એક યાદીમાં જણાવ્‍યું છે.

તેઓએ ભાજપ સામે આક્ષેપો કરતાં જણાવ્‍યું છે કે ગત જનરલ બોર્ડમાં ભાજપનાં સીનીયર કોર્પોરેટર એ ‘કોંગી કોર્પોરેટરો કાળી ચૌદસીયા છે' તેવું ઉચ્‍ચારણ કરી એલફેલ વર્તન કરી ગુંડાગીરીનું પ્રદર્શન કર્યુ હતું. જેનો રોષ પ્રગટ કરવા આવતીકાલે જનરલ બોર્ડનો બહીષ્‍કાર કરવા કોંગી કોર્પોરેટરોએ નિર્ણય લીધો છે.

વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આવતીકાલે તા. ૧૬-૧ર ને શનીવારે મળનારૂ છે. જેમાં કોંગ્રેસનાં તમામ કોર્પોરેટરો દ્વારા બહીષ્‍કાર કરવા અંગે મેયરશ્રીને લેખીત જાણ કરી દેવામાં આવેલ છે.

કેમ કે ગત તા. ૧૭-૧૦-૧૭ ના રોજ મળેલ સામાન્‍ય સભાની કામગીરી દરમ્‍યાન પ્રજાનાં પ્રશ્નોની ચર્ચા કરતાં ઉશ્‍કેરાયેલા ભાજપના કોર્પોરેટર અને પૂર્વમેયર ઉદય કાનગડ દ્વારા કોંગ્રેસના તમામ કોર્પોરેટરને કાળી ચૌદસ્‍યા જેવા હીન શબ્‍દનો ચાલુ બોર્ડે ઉચ્‍ચારી ગુંડાગીરી કરતાં જનરલ બોર્ડોનો બહીષ્‍કારનું એલાન કરેલ અને આમેય બોર્ડમાં મેયર પોતાની મનમાની કરી રાજકોટની જનતાને પ્રવેશ બંધી લાદવામાં  આવી છે. અને બોર્ડમાં રાજકોટના પ્રાણ પ્રશ્નો અંગે કોર્પોરેટરોને ચર્ચા કરવા દેવાતી ન હોય, લોક પ્રશ્નોનો ઉલાળીયો કરી ગુંડાગીરી દાદાગીરી કરી બોર્ડને એક પ્રશ્ન પણ પુરો ન થાય અને ફરજીયાત વંદેમાતરમનું ગાન વગાડી વહેલું આટોપી લેવામાં આવે છે બોર્ડની ગરીમા જળવાતી નથી.

આથી ઉદય કાનગડ પોતાના બોલેલા શબ્‍દો પાછા ન ખેંચે ત્‍યાં સુધી બોર્ડનો બહીષ્‍કાર રહેશે. બોર્ડમાં મેયરશ્રી ન્‍યાયના સિધ્‍ધાંત વિરૂધ્‍ધ જઇ એક તરફી નિર્ણયો લઇ પ્રજા વિરોધી કાર્ય કરે અને ભાજપના કોર્પોરેટરોને છાવરે તે ચલાવી નહી લેવાય અને તેમ અંતમાં વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાની યાદીમાં જણાવાયું છે.

(3:50 pm IST)