Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

તમારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યો છે...હેલ્મેટ વિનાની સવારી 'યમ સવારી' બની શકેઃ પોલીસ કમિશ્નર ગહલૌતનું અનોખુ જાગૃતિ અભિયાન

દેશભરમાં હેલ્મેટનો ઓછામાં ઓછો ઉપયોગ રાજકોટમાં: અકસ્માતમાં વધુમાં વધુ મોત હેલ્મેટના અભાવેઃ સુપ્રીમે કહ્યુ પરિણામ આપો

રાજકોટ, તા. ૧૫ :. આજે રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતનો વોટ્સએપ મેસેજ રાજકોટભરના વોટસએપ યુઝર્સમાં વધુમાં વધુ 'લાઈકસ' મેળવી જાય તો નવાઈ નહીં ! હેલ્મેટ વિના બાઈક સવારીના કારણે થતા અકસ્માત મોતના મુદ્દાને તેમણે જાગૃતિ અભિયાનનો એક ભાગ બનાવી 'તમારી સલામતી, તમારા પરિવાર કાજે'નો અત્યંત અસરકારક મેસેજ આપ્યો છે. આ ઓડિયો વિઝયુઅલ મેસેજમાં તેમણે માનવના મગજ-મસ્તકને અખરોટના રૂપમાં દર્શાવ્યું છે. અખરોટના ગર્ભને મગજ અને તેની ઉપરના કઠોર આવરણને હેલ્મેટ સાથે સરખાવી હાથથી નહિ ભાંગતી અખરોટ દસ્તાના જોરદાર પ્રહારથી જ તૂટતી હોય છે. તેવી જ રીતે જો બાઈક પર સવારી કરનાર લોકો હેલ્મેટ પહેરી સવારી કરે તો અકસ્માત સમયે તેમનો જાન બચી જવાની ટકાવારી ખૂબ ઉંચી છે તેવુ જણાવ્યુ છે. પોતાના સંદેશમાં તેમણે 'તમારો પરિવાર, તમારી રાહ જુએ છે' તેવુ જણાવી પરિવારના મોભી કે યુવાનને હેલ્મેટ પહેરી પોતાની અને પોતાના પરિવારની સલામતીને મહત્વ આપવા જાગૃત કર્યો છે.

આ બારામાં શ્રી ગહલૌતનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે હેલ્મેટના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સમિતિનું ગઠન કરવામાં આવ્યુ છે. આ સમિતિના તારણમાં ગુજરાતમાં હેલ્મેટનો ઉપયોગ ઓછામાં ઓછો થતો હોવાનું અને એમા પણ રાજકોટ દેશભરના હેલ્મેટ વિહોણા સીટીમાંનુ એક હોવાનું ઉભરી આવ્યુ છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે અસરકારક પગલા ભરી અકસ્માતે થતા મોત અટકાવવા કરેલી ટકોર અંતર્ગત આ અભિયાન આદર્યુ છે. ધ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેકટના સહયોગથી આ ઓડિયો વિઝયુઅલ મેસેજ બનાવવામાં આવ્યો છે.

(3:48 pm IST)