Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મતગણતરીના સ્થળ કણકોટ ખાતે સભા, ઢોલ-નગારા, સરઘસ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

એન્જીનીયરીંગ કોલેજના ૧૦૦ મીટરના એરીયામાં પ્રતિબંધ અમલી

રાજકોટ તા.૧પ : વિધાનસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત મતગણતરીના સ્થળ કણકોટ પાસે સભા, ઢોલ-નગારા, સરઘસ અને ફટાકડા ફોડવા પર પોલીસ કમિશનરે પ્રતિબંધ મુકતુ જાહેરનામું બહાર પાડેલ છે.

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે બહાર પાડેલ જાહેરનામામાં જણાવ્યું છે કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા.૧૮/૧ર ના રોજ સવારે ૭ વાગ્યાથી મતદાનની મતગણતરીનુ સ્થળ કણકોટ રોડ, ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, ખાતે મતગણતરી શરૂ થનાર છે.

કોલેજ ખાતે વિધાનસભા સામાન્ય ચુંટણી ર૦૧૭ ના મતદાર વિભાગ ૬૮,૬૯, ૭૦, ૭૧, ૭ર, ૭૩, ૭૪, ૭પ, એમ કુલ ૮ બેઠકોની મતગણતરી થવાની હોય, આ મતગણતરીની કાર્યવાહી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મતગણતરીની જગ્યા ગર્વમેન્ટ એન્જીનિયરીંગ કોલેજ, તેમજ તેમની ચારેબાજુ ૧૦૦ મીટરના એરીયામાં કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઇ સભા બોલાવવા, સરઘસ કાઢવા ઉપર તેમજ ઢોલ-નગારા વગાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ પ્રતિબંધ તા.૧૮/૧રના રાત્રે ૧ર વાગ્યા સુધી રહેશે.

(3:48 pm IST)