Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પરિણામ જે કંઇ આવે, ૧૮મીએ કોંગ્રેસની આભાર સભા

ઇવીએમમાં કરામત નહિ હોય તો રાજકોટમાં અમારી જીત નક્કી : મહેશ રાજપૂત : પરિણામના દિને ત્રણ વાગ્‍યે ઢેબર ચોકમાં સભા : એકિ્‌ઝટ પોલ સાથે સહમત નથી, જીતનો વિશ્વાસ છે છતાં કોઇપણ પરિણામ સ્‍વીકાર્ય : રાજપૂત

મહેશભાઇ રાજપૂત સાથે વિજયભાઇ વાંક, ઇન્‍દુભા રાઓલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧પ : અમને રાજકોટમાં ચારેય બેઠકો પર જંગી જીતનો વિશ્વાસ છે, છતાં ૧૮મીએ કંઇ પણ પરિણામ આવે, લોકોનો આભાર માનવા અમે જાહેર સભાનું આયોજન કર્યું છે... આ શબ્‍દો રાજકોટ કોંગ્રેસના પ્રમુખ મહેશભાઇ રાજપૂતના છે. રાજકોટ કોંગ્રેસે નવો ચીલો પાડયો છે. સામાન્‍ય રીતે જીતનાર ઉમેદવારો-પક્ષો સભા યોજતા હોય છે. રાજકોટ કોંગ્રેસ કહે છે કે, પરિણામ કંઇ પણ આવે, અમે લોકોનો આભાર માનવાના છીએ. ચૂંટણી લડવી એ ફરજ છે, લોકસેવા અમારો ધ્‍યેય છે.

મહેશભાઇએ જણાવ્‍યું હતું કે, એકિ્‌ઝટ પોલના તારણો સાથે સહમત થઇ શકાય તેમ નથી. ચૂંટણીના દિવસે જ અમે ઇવીએમ અંગે ફરીયાદો કરી જ છે અમને શ્રદ્ધા છે કે પરિણામો કોંગ્રેસની તરફેણમાં રહેશે.

શ્રી રાજપૂત કહે છે કે, લોકશાહી ટકાવવાનું કામ કરી પોતાની પવિત્ર ફરજ બજાવી છે તેના અંતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દરેક રાજકોટવાસીઓને આભાર માને છે, ચૂંટણીની લડાઇ સેવાના ભાવ સાથે લડવીએ અમારી ફરજ હતી અને એમાં લોકોનો જે  જનાદેશ હશે એ શીરોમાન્‍ય રહેશે. જો કોંગ્રેસના ઉમેદવારો પર લોક લાગણીનો વરસાદ થશે અને સરકાર બનશે તો સરકારમાં જઇને લોક ઉપયોગી કામ કરીશું અને વિપરીત પરિણામ હશે તો પણ પ્રેમથી સ્‍વીકારી લોકસેવા અવિરત રાખીશું હાર કે જીત ગૌણ બની જાય છે અમારે તો લોકોની વાત નહિ સાંભળનારી સરકારના કાન સુધી લોકોના અવાજ પહોંચે એ જરૂરી હતું.  અત્‍યાર સુધી રાજકોટની દરકાર સુધા ના કરનાર ભાજપ સરકારને આપ સહુ રાજકોટ વાસીઓના સહકારથી અમે સહુ કોંગ્રેસજનોએ સફાળી દોડતી કરી દીધી છે અને સતાના મદમાં રાચતી ભાજપ સરકારના હોશકોશ ઉડી ગયા અને સાબિત થઇ ગયું કે માત્ર વાતો કરવાથી જ નહિ ચાલે લોકોના કામ કરવા પડશે.

રાજપૂત કહે છે કે સરકારની આ જાગૃતિ જ અમારો વિજય છે અને પ્રજા જ રાજા છે આવું સાબિત થયું, આવતા સમયમાં રાજકોટની પ્રજા પોતાના હકક માટે નિડર અને નિર્ભય બનીને રજૂઆત કરે સરકાર કોઇપણ પક્ષની હોય પણ એ લોકાભિમુખ હોવી જોઇએ મતદાર હોય કે સામાન્‍ય અન્‍ય નાગરિક પોતાના હકકથી વંચિત ના રહેવો જોઇએ એ લાગણી છે, જો ઇવીએમમાં કરામત નહિ હોય અને સતાનો દુરઉપયોગ કરી ખોટુ મતદાન ભાજપ દ્વારા નહિ કરવામાં આવેલ હોય તો ૧૮ તારીખે અમારી જીત નિતિ છે અને જો વિપરીત પરિણામ આવશે તો પણ અમારા માટે રાજકોટ પ્રથમ છે અમે આ હદે લડાઇ આપી શકયા એ પણ અમારી જીત છે આવતા સમયમાં ઇવીએમ જવાના છે ત્‍યારે પણ લોકોની સેવા અવિરત રહેશે મત ગણતરીનું કાર્ય પૂર્ણ થયા બાદ ઢેબર ચોક ખાતે રાજકોટની જનતા માટે આભાર સભા'નું આયોજન કરેલ છે. રાજકોટની જનતા અને દરેક મતદારો તથા વિધાનસભાની ચૂંટણી માટે કામ કરનાર દરેક કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોનો આભાર માનવો એ ફરજ છે માટે સોમવારે તા. ૧૮ સાંજે ૩:૦૦ વાગ્‍યે ઢેબર ચોક રાજકોટ ખાતે સભાનું આયોજન કરવામાં આવેલ છે.

(3:12 pm IST)