Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પાનપાર્લરો-નાસ્‍તા ગૃહો પર ફુડ શાખા ત્રાટકીઃ ૩૪ વેપારીઓને નોટીસો ફટકારાઇ

ચૂંટણી પુરી થતા જ ધોંસ શરૂ

રાજકોટ તા.૧પ : મ્‍યુ.કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગે છેલ્લા એક મહિનાથી લગભગ નિષ્‍ક્રીય જેવો થઇ ગયેલ. દરમિયાન હવે ચૂંટણી પુર્ણ થતા જ આરોગ્‍ય વિભાગે આળસ ખંખેરી આજે પાનપાર્લરો-નાસ્‍તા ગૃહ, ચાની લારીઓ સહિતના સ્‍થળોએ ચેકીંગ કરી ફુડ લાયસન્‍સ અંગે ૩૪ વેપારીઓને નોટીસો ફટકારી છે.

આ અંગે નાયબ આરોગ્‍ય અધિકારી ડો. રાઠોડનાં જણાવ્‍યા મુજબ  આજે ફુડ ઇન્‍સ્‍પેકટરોની ટીમે રૈયા રોડ, રૈયા ચોકડી વિસ્‍તારમાં રેસ્‍ટોરન્‍ટો પાનની દુકાનો, ધાબા, ચાની લારીઓ, પ્રોવીઝન સ્‍ટોર, કોલ્‍ડ્રીંકસ પાર્લર સુપર માર્કેટ સહીતનાં સ્‍થળોએ ફુડ લાયસન્‍સનું ચેકીંગ કર્યુ હતું.

જેમા રિયલ મોમ્‍સ રેસ્‍ટોરન્‍ટ, રાજુ પાંઉભાજી એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ, ડીલકસ પાનની ૭ થી દુકાનો, સ્‍વીટ બજાર, સુપર માર્કેટ (સાધુ વાસવાણી રોડ), એપોલો ફાર્મસી, શિવા મદ્રાસ કાફે, બાલાજી ચાઈનીઝ, પંજાબી, પાર્થ પ્રોવિઝન સહિતના કુલ ૩૪ વેપારીઓને ફુડ લાયસન્‍સ લેવા નોટીસો અપાઈ હતી.

આ અંગે વિશેષ માહિતી આપતા ડો. પંકજ રાઠોડે જણાવ્‍યુ હતું કે ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એકટ-૨૦૦૬ના નીતિ નિયમોનું પાલન ન કરનાર ગુનેગાર સામે કલમ ૩૧ મુજબ દરેક ફુડ બિઝનેશ ઓપરેટરોએ પરવાનો મેળવવો ફરજીયાત છે. જેના વગર ધંધો કરનારને કલમ ૬૩ મુજબ ૬ માસ સુધીની કેદ અને ૫ લાખ સુધીના દંડની જોગવાઈ છે.

(3:11 pm IST)