Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ગાંધીગ્રામમાં શેરી ગરબા રમી રહેલા પરિવારના મા-દિકરી પર હુમલોઃ ૧૨ વર્ષની બાળાને લાફા માર્યા

માઇક ધીમું રાખવાનું કહી સગીર, તેના બહેન અને બહેને ધમાલ મચાવ્યાનો આરોપ : માધાપર ચોકડીએથી ગાંધીગ્રામ લાભદિપમાં માતાને ત્યાં આવેલી જીજ્ઞાબેન પાણખાણીયા, તેની પુત્રી નેન્સી અને માતા હંસાબેન ગોહેલને ઇજાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યોઃ ત્રણ સકંજામાં : ધક્કો મારી પછાડી દેવાતા જીજ્ઞાબેનનો હાથ ભાંગી ગયો

રાજકોટ તા. ૧૫: ગાંધીગ્રામ લાભદિપ સોસાયટીમાં શેરી ગરબા રમવા માધાપર મહનહરપુરથી માતાના ઘરે આવેલી પરિણિતા પર માતાના પડોશમાં રહેં સગીરે પોતાના બહેન-બનેવી સાથે મળી હુમલો કરતાં પરિણિતા પડી જતાં હાથ ભાંગી ગયો હતો. રાસ રમતી વખતે માઇક ધીમુ રાખવાનું કહી ડખ્ખો કરાયો હતો. પરિણિતાના માતા વચ્ચે પડતાં તેને પણ માર મરાયો હતો અને બાર વર્ષની દિકરીને પણ લાફા મારવામાં આવ્યાનો આક્ષેપ કરાયો હતો.

જામનગર રોડ મનહરપુર-૧માં રહેતી જીજ્ઞાબેન મહેશભાઇ પાણખાણીયા (પ્રજાપતિ) (ઉ.વ.૩૨) ગઇકાલે છેલ્લુ નોરતું હોઇ પોતાની દિકરી નેન્સી (ઉ.૧૨)ને લઇને લાભદિપ સોસાયટીમાં માતાના ઘરે ગરબા રમવા આવી હતી. અહિ શેરીમાં બધ ગરબે રમતા હતાં ત્યારે પડોશમાં રહેતાં ડાંગર પરિવારના સગીર છોકરાએ તેના બનેવી જયેશ મકવાણા અને બહેન કિંજલ મકવાણા સાથે મળી માઇક ધીમુ રાખવાનું કહી ઝઘડો કરી મારામારી કરતાં જીજ્ઞાબેનને ધક્કો લાગતાં પડી જતાં હાથ ભાંગી ગયો હતો. તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પીએસઆઇ એચ. વી. સોમૈયા અને શિવભદ્રસિંહે તેણીની ફરિયાદ પરથી ત્રણેય સામે ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ કરી હતી.

જીજ્ઞાબેનના બહેનના કહેવા મુજબ અમે ગરબે રમતા હતાં ત્યારે તે વારંવાર વચ્ચેથી બાઇક હંકારી નીકળ્યો હતો અને માથાકુટ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અમે જતું કર્યુ હતું. આમ છતાં તેણે માઇક ધીમુ રાખવાનું કહીને ડખ્ખો કર્યો હતો. એ પછી રાતે તેણે માઇક ધીમુ રાખવાનું કહી ડખ્ખો કર્યો હતો અને ઓચીંતા મારા બહેનને ધક્કો મારી પછાડી દેતાં તેનો હાથ ભાંગી ગયો હતો. એ પછી તે સ્પીકરમાં જોડેલા મોબાઇલ ફોન લઇને ભાગી ગયો હતો. મારા મમ્મી હંસાબેન કાંતિભાઇ ગોહેલ મોબઇલ લેવા જતાં તેની સાથે પણ મારામારી કરી હતી. તેમજ મારી ભાણેજ નેન્સીને પણ ત્રણેક લાફા મારી દીધા હતાં. પોલીસે ત્રણેયને સકંજામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીજ્ઞાબેનન માતા હંસાબેન ગાયક કલાકાર છે.

(3:10 pm IST)