Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાજકોટ માર્કેટયાર્ડમાં દિવાળી પૂર્વે મગફળી અને કપાસની જંગી આવકોઃ ખેડૂતો રોકડીના મૂડમાં

મગફળીની ૮૦ હજાર ગુણીની વિક્રમજનક તથા કપાસની ૪૦ હજાર મણની આવકો

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે દિવાળી પૂર્વે મગફળી અને કપાસની જંગી આવકો થઈ હતી. ખેડૂતો દિવાળી પૂર્વે રોકડી કરવાના મૂડમાં હોય તેમ મગફળી અને કપાસનો જંગી જથ્થો યાર્ડમાં ઠાલવી રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં આજે મગફળીની ૮૦ હજાર ગુણીની આવકો થઈ હતી. મગફળી ૧ મણના ભાવ ૯૦૦થી ૧૧૫૦ રૂા. બોલાયા હતા. ચાલુ વર્ષે રાજકોટ યાર્ડમાં પ્રથમવાર મગફળીની વિક્રમજનક આવક થઈ હોવાનું યાર્ડના ડીરેકટર અતુલભાઈ કમાણીએ જણાવ્યુ હતુ.

મગફળીની સાથે કપાસની પણ જંગી આવકો થઈ હતી. આજે રાજકોટ યાર્ડમાં કપાસની ૪૦,૦૦૦ મણની આવકોે થઈ છે. કપાસ ૧ મણના ભાવ ૧૨૫૦થી ૧૬૭૦ રૂા. બોલાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે, પરંતુ ખેડૂતો દિવાળી પૂર્વે જ રોકડી કરવાના મૂડમાં હોય તેમ મગફળી યાર્ડમાં વેચી રહ્યા છે. યાર્ડમાં મગફળીની જંગી આવકોને પગલે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવકો બંધ કરાઈ હોવાનું યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યુ છે.

(12:08 pm IST)