Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

શહેરનાં ૨૭૦૦ પૈકી ૫૦૦ ફેરીયાની ૧૦ હજારની લોન મંજુર

મ્યુ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં કેમ્પ યોજાયો

રાજકોટ,તા.૧૫: પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને આજીવિકાનાં હેતુસર આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા કોવિડ-૧૯ થી અસરગ્રસ્ત શહેરી ફેરીયાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી શહેરી ફેરીયાઓને વર્કીંગ કેપિટલ લોન આપવા માટે ભારત સરકારશ્રી દ્વારા PM Street Vendors AtmaNirbharNidhi(PM SVAnidhi) a scheme for special micro-credit facility, ૧૦૦% કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના લાગુ કરવામાં આવેલ છે.  આ યોજના હેઠળ શહેરી ફેરીયાઓને બેંક દ્વારા રૂ, ૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે. જે અન્વયે શહેરના ૨૭૦૦ પૈકી ૫૦૦ થી વધુ ફેરીયાની લોન મંજુર કરવામાં આવી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશન સતાવાર યાદીમાં જણાવ્યું હતુ કે, આ યોજનાનો રાજકોટ શહેરના તમામ ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેકટ શાખા દ્વારા શહેરના તમામ હોકર્સ ઝોન શહેરના તમામ રાજમાર્ગો ઉપર છુટા છવાયા ફેરી કરતા તમામ ફેરિયાઓનો સંપર્ક કરવામાં આવે છે. આ ઉપરાંત આ યોજનાના અસરકારક અમલીકરણ અને ફેરિયાઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર નીચે દર્શાવેલ ફેરીયોના રહેઠાણ તેમજ હોકર્સ ઝોન તથા જાહેરમાર્ગો ઉપર જરૂરી પ્રચાર પ્રસાર કરી અત્યાર સુધીમાં સંસ્થાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ  હતું. સાથો સાથ આ લોન અંગેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવતી હોય દરેક ફેરિયાઓનાં આધારકાર્ડ સાથે લીંક કરેલ મોબાઈલ નંબર ચાલુ હોવો જરૂરી હોય કેમ્પના સ્થળે આધાર કાર્ડની કીટ પણ ઉપલબ્ધ કરાવી સ્થળ ઉપર જ આધાર સબંધિત પ્રક્રિયા પૂર્ણ થાય તેપ્રકારની કામગીરી કરવામાં આવે છે.

ઉપરાંત બેંકો તરફથી વધુને વધુ લોન અરજીઓ મંજુર થાય તે દિશામાં તમામ બેંકર્સની મીટીંગ પણ દર અઠવાડિયે  કમિશનર ઉદિત અગ્રવાલ સાહેબના માર્ગદર્શનથી નાયબ કમિશનર સી.કે. નંદાણીની અધ્યક્ષતામાં યોજવામાં આવે છે.

વિશેષમાં આ યોજના અંતર્ગત અંદાજીત ૨૭૦૦ થી વધુ ફેરિયાઓએ લોન ફોર્મ ભરેલ છે. અને ૫૦૦ થી વધુ લોન અરજીઓ મંજુર પણ કરવામાં આવેલ હોય, આ કેમ્પનો લાભ વધુને વધુ શહેરી ફેરિયાઓને લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

આ લોન અંગેની વધુ માહિતી માટે મ્યુ. કોર્પોરેેશન સેન્ટ્રોલ ઝોન કચેરી, ઢેબર રોડ ખાતે પ્રોજેકટ શાખા રૂમ નં. ૯ ખાતે સંપર્ક કરવા સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:07 pm IST)