Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

આવાસના હપ્તા ન ભરનાર સામે મ.ન.પા. તંત્રએ ધોકો પછાડ્યો : ૨૧ દિ'માં ૧૧.૬૬ કરોડ આવ્યા

આવાસના હપ્તાની વસુલાત માટે મ્યુ.કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ : એલોટમેન્ટ લેટર મેળવી લેવા તથા બાકી હપ્તા તાકિદે ચુકવવા લાભાર્થીઓને મ.ન.પા. તંત્રની તાકિદ

રાજકોટ,તા.૧૫: મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આવાસના હપ્તાની વસૂલાત માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં તા.૨૪ જૂનથી તા.૧૫ જુલાઇ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા આવાસોના હપ્તા પેટે રૂ. ૧૧,૬૬,૪૮,૭૪૨ની વસુલાત કરવામાં આવેલ છે.

આજ દિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત ૩૧,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – ૧,૨,૩, રાજીવ આવાસ યોજના, ગુરૂજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

આવાસની વસૂલાત વિશે વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, તા.૯ જુલાઇના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૧,૩૭,૯૭,૨૧૫/- (એક કરોડ સાડત્રીસ લાખ સતાણું હજાર બસો પદર પુરા)ની આવક થયેલી છે, જે અત્યાર સુધીની એક જ દિવસની મહત્ત્।મ વસૂલાત છે. આ અગાઉ તા.૦૬જુલાઇ ના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૧,૨૮,૧૦,૯૯૦/- (એક કરોડ અઠયાવીસ લાખ દસ હજાર નવસો નેવુ પુરા)ની આવક થયેલી છે. તેમજ તા.૦૬જુલાઇ થી તા. ૯ જુલાઇ કુલ ૪ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૪,૮૮,૩૦,૩૩૧/- (ચાર કરોડ અઠયાસી લાખ ત્રીસ હજાર ત્રણસો એકત્રીસ પુરા)ની આવક થયેલી છે.

અત્રે એ ખાસ નોંધવું રહયું કે, તા.૦૧એપ્રિલ થી તા.૧૪જુલાઇ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૪૨,૩૧,૬૪,૦૦૦/- (બેતાલીસ કરોડ એકત્રીસ લાખ ચૌસઠ હજાર પુરા) ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જયારે પાછલા આખા વર્ષમાં તા.૦૧/૦૪/૨૦૨૦ થી  તા. ૩૧ જાન્યુઆરી દરમ્યાન કુલ રૂ. ૮૧.૮૧ કરોડ ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ હતી.

હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS – 1 પ્રકારના ૧૬૪૮ તેમજ MIG પ્રકારના ૮૪૭ આવાસો માટે ફોર્મ વિતરણ કરવામાં આવી રહયા છે. જેમાં તા.૨૩ જુલાઇ સુધી ફોર્મ મેળવી શકશે તેમજ પરત જમા કરાવી શકશે.

પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બની રહેલ EWS – II, LIG તેમજ MIG આવાસ યોજનામાં જે લાભાર્થીઓને આવાસ ફાળવાયેલ છે પરંતુ જેઓ હજુ સુધી એલોટમેન્ટ લેટર લેવા આવેલ નથી તેમજ  જે લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર મળી ચુકયો છે પરંતુ હપ્તા ચુકવવાના બાકી છે તેઓને તંત્ર દ્વારા તાત્કાલિક આવાસ યોજના વિભાગનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.

(3:58 pm IST)