Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કોઠારિયા વિસ્તારમાં ૩.૪૯ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ હાઇસ્કુલનું કામ પુરજોશમાં

આધુનીક કલાસરૂમ, હોલ કમ ઓડિટોરીયમ, સ્પોર્ટસરૂમ, એક કલેરીકલરૂમ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી સહિતની સુવિધા : મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ મુલાકાત દરમ્યાન શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું

રાજકોટ,તા. ૧૫ : શહેરનાં કોઠારિયા વિસ્તારમાં નવી બની રહેલી હાઈસ્કૂલની  મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપી હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ  મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજરોજ તા. ૧૫ જુલાઇના રોજ સવારે કોઠારિયા વિસ્તારમાં નવી બની રહેલી હાઈસ્કૂલની સાઈટની મુલાકાત લીધી હતી, અને હાઈસ્કૂલમાં સમાવિષ્ટ થનાર વિવિધ સુવિધાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. કમિશનરે આ પ્રોજેકટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. સાથોસાથ કમિશનરે આ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ ઉપરાંત કમિશનરશ્રીએ કોઠારિયા વિસ્તારમાં સને : ૨૦૧૯માં નવનિર્મિત કરવામાં આવેલી હાઈસ્કૂલની પણ મુલાકાત લીધી હતી.

રાજકોટ મહાનગરપાલિકાનાં આવાસ યોજના (ટેકનીકલ) વિભાગ દ્વારા હાલમાં જ રાજકોટ મહાનગરપાલિકાની હદ માં બે નવા વિસ્તારો - કોઠારિયા અને વાવડી નો સમાવેશ કરવામાં આવેલ છે. કોઠારિયા ગામમાં હાલ ૧૧ પ્રાથમિક શાળાઓ આવેલ છે. સ્થાનિકે લોકો અને વાલીઓ તરફથી આવેલ માંગણી અનુસાર વિસ્તારમાં હાઈસ્કુલ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને દુર સુધી અભ્યાસ માટે જવું પડે નહી. વિસ્તારમાં વોર્ડ નં ૧૮ માં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં કોઠારિયા સ્ટેશન પ્રાથમિક શાળા આવેલ છે. જેનું નિર્માણ આશરે સને ૧૯૭૫ માં કરવામાં આવેલ. હાલ આ શાળામાં ૩૮ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમને બાજુમાં જ આવેલ અન્ય શાળામાં સમાવેશ કરવાનો થશે. આ શાળાની જગ્યાએ રૂ. ૩.૪૯ કરોડના ખર્ચે હાઈસ્કુલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે દુર જવાની જરૂર રહેશે નહી. 

હાઇસ્કુલમાં કઇ કઇ સુવિધા

હાઇસ્કુલમાં ગ્રાઉન્ડ ફ્લોર ૅ ફર્સ્ટ ફ્લોર મળી અંદાજે ૨૦૩૫ ચો.મી. પ્લોટ એરિયામાં ૧૮૫૮ ચો.મી. નું બાંધકામ કરવામાં આવશે. જેમાં  ગ્રાઉન્ડ ફલોર ઉપર કલાસરૂમ, હોલ કમ ઓડીટોરીયમ, એક સ્પોર્ટ્સ રૂમ, એક કલેરીકલ રૂમ, પ્રિન્સીપાલ ઓફીસ, સ્ટાફ રૂમ, ગર્લ્સ અને બોયઝ ટોઇલેટ, સ્ટેજ તથા એક આકર્ષક એન્ટ્રી ગેઇટ તથા સિકયુરિટી કેબીન તથા પ્રથમ માળે કલાસરૂમ, એક કોમ્પ્યુટર લેબ, એક લાઈબ્રેરી, મલ્ટીમીડિયા રૂમ, ફીઝીકસ લેબોરેટરી, કેમેસ્ટ્રી લેબોરેટરી, ગેલેરી,  ગર્લ્સ અને બોયઝ ટોઇલેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

(3:58 pm IST)