Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભામેશ્વર વાડીના દિપક વ્યાસે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી કેરોસીન છાંટ્યુઃ અટકાયત

સહીયારૂ મકાન વેંચવા માટે ભાઇઓ રાજી થતાં ન હોઇ પગલુ ભર્યુ : કન્ટ્રોલ રૂમ મારફત જાણ થતાં પ્ર.નગર પોલીસે પહોંચી કાર્યવાહી કરીઃ અગાઉ યુવાને કોઇપણ જાતની અરજી કે રજૂઆતો પણ કરી નથીઃ સીધો કેરોસીનનું ડબલુ લઇને પહોંચી ગયો

રાજકોટ તા. ૧૫: ભોમેશ્વર વાડીમાં રહેતાં બ્રાહ્મણ યુવાને પોલીસ કમિશનર કચેરી ખાતે કેરોસીનના ડબલા સાથે પહોંચી પોતાના શરીરે છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં તેને ગેઇટ પર હાજર પોલીસ કર્મચારીઓએ પકડી લીધો હતો અને પ્ર.નગર પોલીસના હવાલે કર્યો હતો. ભાયુભાગનું સહીયારૂ મકાન વેંચવા માટે ભાઇઓ રાજી થતાં ન હોઇ તે કારણે તેણે આવું કર્યાનું કહ્યું હતું.

જાણવા મળ્યા મુજબ એક યુવાને પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી પોતાના શરીરે કેરોસીન છાંટી લેતાં ત્યાં ગેઇટ પાસે હાજર પોલીસ કર્મચારીઓએ પકડી લીધો હતો. કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ મારફત જાણ કરવામાં આવતાં પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ સાકરીયા, ગોૈતમભાઇ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને યુવાનને પોલીસ સ્ટેશને લઇ જઇ અટકાયતી પગલાની કાર્યવાહી કરી હતી.

પુછપરછમાં આ યુવાને પોતાનું નામ દિપકભાઇ કેશવભાઇ વ્યાસ (ઉ.વ.૪૦)  હોવાનું અને પોતે ભોમેશ્વર વાડી-૩માં રહેતો હોવાનું કહ્યું હતું. શા માટે આવુ પગલુ ભર્યુ? તે અંગેની પુછતાછમાં કહ્યું હતું કે પોતે પાંચ ભાઇઓ છે અને એક સહિયારૂ મકાન છે. આ મકાન હાલમાં વેંચવા કાઢવું છે. પરંતુ અમુક ભાઇઓ મકાન વેંચવા માટે રાજી થતાં ન હોઇ જેથી કંટાળીને પોતે કેરોસીન લઇને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યાનું કહ્યું હતું. જો કે અગાઉ તેણે આ પ્રશ્ન મામલે કોઇપણ અરજી કે રજૂઆત કરી નહોતી.

(3:54 pm IST)