Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

'અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ : શહેરમાં કોરોનાના ભલે એકાદ બે કેસ જ હોય આમ છતાં લોકોએ હજુ કાળજી રાખવી ખુબ જરૂરીઃ મનોજ અગ્રવાલ

WHO-ભારત સરકાર-ગુજરાત સરકાર કહે છે કે ત્રીજી વેવ આવશે, ત્યારે આપણે બેદરકાર રહેવું ઠીક નહિ ગણાયઃ વેકસીન અચુક લઇ લેવી

અકિલાના અતિથિ બન્યા મનોજ અગ્રવાલ : પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ 'અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને જન્મદિવસની શુભકામના પાઠવવા પધાર્યા હતાં. તેમણે શ્રી કિરીટભાઇ ગણાત્રાને પુષ્પગુચ્છ, પોલીસની કોરોનાની બીજા વેવની કામગીરીની બૂક તથા મોમેન્ટો અર્પણ કર્યા હતાં. તેમજ કાયદો વ્યવસ્થા, કોરોનાકાળની પોલીસની કામગીરી સહિતની ગહન ચર્ચાઓ કરી હતી. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. સાથે 'અકિલા'ના ક્રાઇમ રિપોર્ટર ભાવેશ કુકડીયા પણ નજરે પડે છે. સોૈથી નીચેની તસ્વીરમાં શ્રી મનોજ અગ્રવાલ સાથે શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા અને સોૈથી છેલ્લે શહેરીજનોને સંદેશો આપતાંશ્રી મનોજ અગ્રવાલ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૫: 'અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને તેમના ૭૨મા જન્મદિવસની ગઇકાલે ૧૪મી જુલાઇથી માંડી આજ સુધી અવિરત શુભેચ્છાઓ રૂબરૂ, ફોનથી, સોશિયલ મિડીયાથી મળી રહી છે. ...'શ્રીકિરીટભાઇ ગણાત્રાને આપણે તેમના જન્મદિવસની સોૈ શુભેચ્છા પાઠવીએ,  શહેરમાં તેઓ જે માન મોભો ધરાવે છે એ અમાપ છે, એમનાથી કંઇપણ અજાણ્યું હોતું નથી'...આ વાત શહેરના પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે 'અકિલા' ખાતે પધારી મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને શુભેચ્છા પાઠવતા જણાવી હતી. આ ઉપરાંત તેમણે સમગ્ર રાજકોટવાસીઓ જોગ એક સંદેશો પાઠવ્યો હતો કે-કોરોનાના કેસ આજે શહેરમાં ભલે એકાદ બે જ હોય, પરંતુ હજુ લોકોએ જરાપણ બેદરકારી દાખવવી યોગ્ય નહિ ગણાય.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાથે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા પણ 'અકિલા' કાર્યાલય ખાતે શ્રી કિરીટભાઇ ગણાત્રાને જન્મદિવસની શુભકામના પાઠવવા પધાર્યા હતાં. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે શ્રી કિરીટભાઇ ગણાત્રાને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ મોમેન્ટો આપી મીઠુ મોઢુ કરાવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત શહેર પોલીસે કોરોના કાળની બીજી લહેરમાં કોરોનાને લગતી સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે કેવી કેવી અને કેટલી કામગીરી કરી? આ કામગીરી સિવાય કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની પણ કેવી અને કેટલી કામગીરી કરી? તેની સવિસ્તાર માહિતી આપતી બૂક બહાર પાડી હોઇ આ 'સેકન્ડ વેવ' નામની બૂક પણ શ્રી કિરીટભાઇને અર્પણ કરી હતી. આ ઉપરાંત શહેરની કાયદો વ્યવસ્થા તથા કોરોનાકાળ વિશેની ગહન ચર્ચાઓ પણ કરી હતી.

શુભેચ્છા મુલાકાતને અંતેશ્રી મનોજ અગ્રવાલે શહેરીજનો જોગ એક સંદેશો પાઠવી જણાવ્યું હતું કે-રાજકોટ શહેરમાં હાલમાં કોરોનાના કેસ લગભગ ખતમ થઇ ગયા છે. એકાદ બે કેસ જ હવે રહ્યા છે. આનાથી એ સમજી લેવું જોઇએ નહિ કે કોરોના હવે ખતમ થઇ ગયો છે. ખુદ ડબલ્યુએચઓ-વ્હૂ, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે એવી પુરેપુરી શકયતા વ્યકત કરી છે કે કોરોનાની ત્રીજી લહેર હજુ આવી શકે તેમ છે. આથી તમામ શહેરીજનોએ હજુ પણ સતત સાવધાન રહેવાનું છે, બેકાળજીભર્યુ વર્તન દાખવવું યોગ્ય નહિ ગણાય. ખુબ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું અને બહાર નીકળો તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્ટસ એ સહિતના નિયમોનું પાલન કરવું પડશે. શહેરીજનોએ સતત પોલીસને સહકાર આપ્યો છે અને હજુ પણ સહકાર મળતો રહેશે તેવી આશા છે. શ્રી અગ્રવાલે જે લોકોને કોરોનાની વેકસીન લેવાની બાકી હોય તેમણે વેકસીન લઇ લેવા પણ ખાસ અનુરોધ કર્યો છે.

  • શ્રી કિરીટભાઇ ગણાત્રા સારી રીતે શહેરનું ધ્યાન રાખે છે, શહેરમાં તેમનું જે માન સન્માન છે તે અમાપ છે, તેમનાથી કંઇ અજાણ હોતું નથી, તે સરાહનીય બાબત છેઃ શ્રી મનોજ અગ્રવાલ
  • તમામ લોકો વેકસીન લઇ લે તો ભવિષ્યમાં રાજકોટ કોરોનાથી દૂર રહી શકશે

કોવિડ કેસ ઓછા થઇ ગયા છે ત્યારે રાજકોટ શહેરના લોકોએ શું કાળજી લેવી જોઇએ? તેવા શ્રી કિરીટભાઇ ગણાત્રાના સવાલમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે-સોૈ પ્રથમ તો હું નગરજનો વતી અને સમગ્ર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ વતી હું શ્રી કિરીટકાકાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું. શ્રી કિરીટકાકા વિશે ગમે તે કહો ઓછુ જ જણાય, તેઓ સારી રીતે સમગ્ર શહેરનું ધ્યાન રાખે છે, એ ખુબ સરાહનીય છે, તેમને બધી જ ખબર હોય છે. તે સરાહનીય છે. શહેરમાં તેમનું જે પ્રમાણે માન સન્માન છે તે લગભગ કોઇને ન મળી શકે. હું રાજકોટ શહેરીજનોનો આભાર માનુ છું કે તમે સરકારની સુચનાઓનું સંયમ સાથે પાલન કર્યુ છે.  કોરોનામાં લોકોએ હજુ પણ કાળજી રાખવી જરૂરી છે. સરકારે વેકસીનની સુવિધા ઉભી કરી દીધી છે તો બધાએ કે જે બાકી હોય તેમણે વેકસીન લઇ લેવી જરૂરી છે. જેથી ભવિષ્યમાં રાજકોટવાસીઓ કોરોનાથી દૂર રહી શકે.

(2:47 pm IST)