Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જંકશન રેલ્વે સ્ટેશનના હોર્ડિંગમાં લટકી જઇ યુપીના યુવાન ભાગી પાસવાનની આત્મહત્યા

મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડ અને ફોન નંબર પરથી ઓળખ મળીઃ રાત્રે બહારગામથી રાજકોટ આવ્યા બાદ કોઇપણ સમયે પગલુ ભર્યુઃ તેના ભાઇના કહેવા મુજબ રાજસ્થાન-સુરત રહીને છુટક મજૂરી કરતો હતોઃ આર્થિક ભીંસ કારણભુત હોવાની શકયતા

તસ્વીરમાં યુવાનની લટકતી લાશ, આપઘાત કરનાર યુપીના ભાગીનો મૃતદેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫: શહેરના જંકશન રેલ્વે સ્ટેશનના હોર્ડિંગ બોર્ડના એંગલમાં લટકી જઇ ઉત્તરપ્રદેશના યુવાને આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જંકશન રેલ્વે સ્ટેશનના ગેઇટ નંબર બેના હોર્ડિંગમાં એક યુવાનની લાશ લટકતી જોવા મળતાં રેલ્વે પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ નીચે ઉતારી તપાસ શરૂ કરતાં આ યુવાન યુપીનો વતની હોવાની વિગતો ખુલી હતી.

ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસ સ્ટેશનના સ્ટાફે પહોંચી મૃતદહે ઉતારવા કાર્યવાહી કરી હતી. મૃતક પાસેથી આધાર કાર્ડ અને ફોન નંબરો મળતાં તેના આધારે તપાસ થતાં તે ઉત્તરપ્રદેશના મહારાજગંજના અમૃતિયા ગામનો વતની ભાગી રામશરણ પાસવાન (ઉ.વ.૨૦) હોવાનું ખુલ્યું હતું. જે ફોન નંબર મળ્યા હતાં તેમાં પોલીસે સંપર્ક કરતાં આ નંબર મૃતકના ભાઇના હતાં. તેણે વ્હોટ્સએપ પર મોકલાવાયેલા ફોટોગ્રાફને આધારે મૃતક પોતાનો ભાઇ ભાગી પાસવાનો હોવાનું ઓળખી બતાવ્યું હતું. તે યુપી હોઇ પોલીસે તેને રાજકોટ આવવા જણાવ્યું હતું.

આપઘાત કરનાર ભાગી રાજસ્થાન અને સુરત તરફ અગાઉ છુટક મજૂરી કામ કરતો હતો. ગત રાતે કે આજે વહેલી સવારે તે ટ્રેન મારફત રાજકોટ આવ્યા બાદ ઝાડ પર ચડી ત્યાંથી હોર્ડિંગના એંગલમાં શાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની શકયતા છે. તેણે આ પગલુ હાલમાં મજૂરી ન મળતાં આર્થિક ભીંસને કારણે ભર્યુ હોવાની શકયતા છે. જો કે મૃતકના ભાઇ રાજકોટ આવ્યા બાદ પોલીસ તેમનું નિવેદન નોંધી તપાસ આગળ કરશે. રેલ્વેના એએસઆઇ એચ. પી. ગોહિલ અને સંતોષભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:23 pm IST)