Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રૂ. એક કરોડ ૪૦ લાખના ચેક રિટર્નના કેસમાં શિવમ્ મશીન ટુલ્સના માલીકને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

ફરીયાદીને એક માસમાં આરોપી રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ તા. ૧૫ : સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક લોકોને ભોગ બનાવનાર અને અગાઉ પણ જેને પાંચ જુદા જુદા ચેકો રીટર્ન કેસોમાં સજા થઈ ચુકેલ છે તેમજ હજુ પણ જેની સામે અનેક ચેક રીટર્નના કેસો ચાલી રહેલ છે તે રાજકોટના નામાંકીત ફાઈનાન્સર કમ બીઝનેશમેન મહેશ શીવાભાઈ ટીલાળાને રકમ રૂ.૧,૪૦,૪૪,૦૦૦ ના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા તથા રકમ રૂ.૧,૪૦,૪૪,૦૦૦ ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચુકવી આપવા અને તે વળતર ન ચુકવ્યે વધુ છ માસની સજા ફરમાવતો સીમાચીન્હરૂપ ચુકાદો રાજકોટના એડી. ચીફ. જયુડી. મેજી. આર.બી. ગઢવી દ્વારા ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, અટીકા ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ઢેબર રોડ સાઉથમાં રાજકોટ મુકામે શીવમ મશીન ટુલ્સના નામે ધંધો કરતા અને મવડીમાં પટેલ બોલ્ડીંગ બાજુમાં સરદારનગર, શેરી નં.–૭ ની પાસે આવેલ 'પરમ' મકાનમાં રહેતા આરોપી મહેશ શીવાભાઈ ટીલાળાએ મવડી પ્લોટમાં માયાણીનગરમાં રહેતા ફરીયાદી જગદીશ ભગવાનજીભાઈ લીંબાસીયા પાસેથી રકમ રૂ.૧,૪૦,૪૪,૦૦૦ સને–ર૦૧૬ ના અરશામાં મેળવી તે સબંધે પહોંચ લખી આપી આરોપીએ ફરીયાદીને જણાવેલ કે આરોપીને શીવમ મશીન ટુલ્સ, સદગુરૂ મશીન ટુલ્સ, કુવાડવા મુકામે શીંગદાણાની ફેકટરી, ફાઈનાન્સ વિગેરે બહોળો ધંધો ફેલાયેલ હોય તેમા નાણાની જરૂરત હોય જેથી આરોપીને નાણા આપે તો નફામાંથી યોગ્ય વળતર આપવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી સૌરાષ્ટ્રમાંથી અનેક લોકો પાસેથી કરોડોની રકમ એકત્રીત કરી લઈ લોકોનું કાયદેસરનું લેણુ પરત અદા કરવા આપેલ ચેકો પણ કલીયર થાય તે પહેલા સ્ટોપ પેમેન્ટ કરાવી લઈ પ્રથમથી જ નાણા ઓળવી જવાનો ઈરાદો રાખી ફરીયાદીનું લેણુ અદા ન કરતા ફરીયાદીએ રાજકોટની આદલતમાં દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વીરૂઘ્ધ ફરીયાદ દાખલ કરેલ હતી.

ઉપરોકત કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુએ અદાલત સમક્ષ સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટોના ચુકાદાઓ સાથે એવી રજુઆતો કરેલ કે, ફરીયાદી દ્વારા આપવામાં આવેલ પુરાવો રજુ કરવામાં આવેલ હતો.

કોર્ટે રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ઘ્યાને લેતા ફરીયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, વીવાદી ચેકનુ સ્ટોપ પેમેન્ટ કરવા આરોપીએ ફરીયાદીને લખેલ પત્રમાં પણ નાણા લીધેલનું, ચેક આપેલનું, વ્યાજ સાથે નાણા પરત કરી દીધેલનું જણાવેલ હોય તેમજ નાણા લેતી વખતે અલગથી પહોંચ પણ કરી આપેલ હોય, સમગ્ર પુરાવામાં નાણા પરત કરી દીધેલનું રેકર્ડ પર લાવી શકેલ ન હોય, પહોંચમાં આરોપીની સહી ન હોવાનું કે ફરીયાદીએ ઉભી કરેલનો આરોપીનો બચાવ નથી ચેકો આપેલનું રેકર્ડ પર સ્પષ્ટ જણાતુ હોય, ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે. આરોપીનો ઈરાદો ડીસઓનેસ્ટ એટલે કે લેણુ ન ચુકવવાનો બદ ઈરાદો શરૂઆતથી જ હતો તેવુ પુરવાર થાય છે તે રીતે ફરીયાદપક્ષે પોતાનો કેસ કાયદાની જોગવાઈ મુજબ પુરવાર કરેલનું માની શીવમ મશીન ટુલ્સના માલીક આરોપી મહેશ શીવાભાઈ ટીલાળાને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમનંુ વળતર ફરીયાદીને એક માસમાં ચુકવી આપવા હુકમ કરી સમય મર્યાદામાં વળતર ન ચુકવ્યે વધુ છ માસની સજા ફરમાવતો સીમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી જગદીશ લીંબાસીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(11:43 am IST)