Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ધો.૧રમાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા ઉત્સાહભેર શાળાએ પહોંચ્યાઃ શાળામાં ૭૦ ટકા હાજરી તો કોલેજમાં માંડ ૧૦ ટકા છાત્રો આવ્યા

ટુંક સમયમાં ધો.૯ થી ૧૧ના વર્ગો પણ શરૂ થશેઃ કોરોનાના પ્રોટોકોલને અનુસરવા તાકીદ

રાજકોટઃ ગુજરાત રાજયમાં કોરોના મહામારીમાં છેલ્લા દોઢેક વર્ષથી બંધ રહેલ શાળા-કોલેજો હવે ધીરે-ધીરે તકક્કાવાર અનલોક થઇ રહયા છે. કોરોનાનુંં સંક્રમણ ઘટતા  આજથી ધો.૧ર માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે. શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શિક્ષણ કાર્યમાં માસ્ક સાથે શિક્ષણકાર્ય ઉત્સાહભેર કરતા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧પઃ કોરોના મહામારીને કારણે શાળા-કોલેજનું શૈક્ષણીક સમયપત્રક અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ ચાલે છે. છેલ્લા દોઢ વર્ષથી શાળા-કોલેજો બંધ છે. કોરોનાની પ્રથમ લહેર બાદ બીજી તીવ્ર લહેરમાં સમગ્ર ગુજરાત હચમચી ઉઠયું હતું. હવે કોરોનાના કેસો બે આંકડામાં આવી જતા રાહત અનુભવે છે. ત્યારે ફરી શૈક્ષણીક કાર્ય પ્રત્યક્ષ રીતે કરાવવા રાજય સરકાર કોરોના પ્રોટોકોલ અંતર્ગત શરૂ કરી રહી છે.

આજથી ધો.૧ર અને કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે. જેમાં ધો.૧રના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પ્રથમ દિવસે જ શિક્ષણકાર્ય કરવા ઉત્સાહભેર પહોંચી ગયા છે. જયારે કોલેજોમાં સાવ નહિવત સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજે આવ્યા હતા. શાળામાં ૭૦ ટકા હાજરી અને કોલેજોમાં માત્ર ૧૦ ટકા વિદ્યાર્થીઓ આવ્યા હતા.

ગુજરાતની ધો.૧રની શાળા-કોલેજોમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા સરકાર દ્વારા ખાસ ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાઓના વિદ્યાર્થીઓને વાલીઓની લેખીત સંમતી લીધા બાદ જ શાળાએ બોલાવવાની સ્પષ્ટ તાકીદ કરી હતી. મોટા ભાગના વિદ્યાર્થીઓ આજે સંમતી પત્ર સાથે શાળાએ પહોંચી ગયા છે. જયારે ૩૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ હાલ થોભો અને રાહ જુઓની નીતી અપનાવી રહયા છે. શાળામાં આવનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે.

શાળાઓમાં સમયાંતરે વર્ગખંડનું સેનીટાઇઝેશન કરવાનું રહેશે અને કેમ્પસ ઉપર હેન્ડ વોશીંગ અને સેનેટાઇઝ પોઇન્ટ સુવિધા રાખવા સુચના આપવામાં આવી છે.  દરમિયાન ધો.૧ર બાદ હવે ટુંક સમયમાં ધો.૯-૧૦ અને ૧૧ના વર્ગો પણ પ્રત્યક્ષ રીતે શરૂ થનાર હોવાની શકયતા વધી છે.

(11:41 am IST)