Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

બાપ રે બાપ!...આઠ વર્ષનો સૌરભ તોફાન કરતો'તો, જમવા નહોતો બેસતો એટલે પિતાએ લાકડીથી ફટકારી પતાવી દીધો : રાજકોટમાં પિતાના હાથે પુત્રની હત્યા

કાલાવડ રોડ નંદનવન સોસાયટીમાં બનાવઃ ચોકીદારી કરતાં અને ત્યાં જ રહેતાં હત્યારા પિતા સિધ્ધરાજ નેપાળીને તાલુકા પોલીસે સકંજામાં લીધો : સાંજે સાડા આઠેક વાગ્યે પિતાએ લાકડીથી ફટકાર્યા પછી જમવા બેઠોઃ એ પછી ફરીથી તોફાને ચડતાં પિતા ફરી મારવા દોડતાં તે ભાગ્યો અને પડી જતાં ઇજા થઇઃ એ પછી તે ઉંઘી ગયો, રાતે ત્રણેક વાગ્યે ચીસો પાડવા માંડ્યો, તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં લાવ્યા, પણ બચ્યો નહિઃ મારથી મોત થયાનો રિપોર્ટ આવતાં હત્યાનો ગુનો : મુળ નેપાળનો પરિવાર સાતેક મહિનાથી જ રાજકોટ આવ્યો છેઃ લાડકા દિકરાના મોતથી માતા શોકમાં ગરક : પુત્રને ફટકારનારા પિતા સિધ્ધરાજને નશો કરવાની પણ આદતઃ માર માર્યાનું તેણે કબુલ્યું, મોત મારથી થયાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો

૮ વર્ષના સૌરભનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, તેને ફટકારનાર પિતા સિધ્ધરાજ તથા નીચેની તસ્વીરમાં મારથી સૌરભના શરીર પર થયેલા ઇજાના નિશાનો અને તેની માતા બીનીતા નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫: શહેરના કાલાવડ રોડ પર રાણી ટાવર નજીક રાણી ચોકમાં આવેલી નંદનવન સોસાયટીમાં મારવેલ હોસ્પિટલ પાસે રહેતાં અને ત્યાં જ ચોકીદારી કરતાં મુળ નેપાળના યુવાને ગત સાંજે પોતાના ૮ વર્ષના પુત્રને તે જમવા ન બેસતો હોઇ તેમજ પોતાનું કહ્યું માનતો ન હોઇ અને તોફાન કરતો હોઇ જેથી તેને લાકડીથી ફટકારી પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રારંભે તો નેપાળી શખ્સે દિકરો રમતાં-રમતાં પડી ગયાની સ્ટોરી ઉભી કરી હતી. પરંતુ શરીર પર ઇજાના નિશાનો હોઇ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં મોત મારથી થયાનું સામે આવતાં સાચી વિગતો બહાર આવી હતી.  તાલુકા પોલીસે હત્યારા પિતા સામે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ કાલાવડ રોડ નંદનવન સોસાયટીમાં રહેતાં સૌરભ સિધ્ધરાજ ભૂલ (નેપાળી) (ઉ.વ.૮)ને વહેલી સવારે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક પુછતાછમાં સૌરભ સાંજે રમતાં રમતાં પડી જતાં માથા-શરીરે ઇજાઓ થતાં તે બેભાન થઇ ગયાનું જણાવાતાં તે મુજબની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રણછોડભાઇ સાંબડે તાલુકા પોલીસમાં નોંધાવી હતી.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી. એન. મોરવાડીયા તથા હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે પંચનામા માટે બાળક સૌરભના મૃતદેહનું નિરિક્ષણ કરતાં તેના શરીર પર પડખામાં, જમણા સાથળ પાસે, ગોઠણથી નીચેના ભાગે, ડાબા પગના સાથળ પાસે, ડાબા સાથળ પાસે તેમજ બીજા ભાગોમાં માર મારવામાં આવ્યો હોઇ તેવા ચાંભા-નિશાનો જોવા મળતાં પોલીસને શંકા ઉપજી હતી.

પોલીસે સૌરભના પિતા સિધ્ધરાજ બીરખાભાઇ ભૂલની પુછતાછ કરતાં પહેલા તો તેણે દિકરો રમતાં રમતાં પડી ગયાની વાત પકડી રાખી હતી. પરંતુ એ પછી પોલીસે શાંતિપુર્વક તેને જે બન્યું હોય તે જણાવી દેવા કહેતાં તેણે સાંજે દિકરાને પોતે લાકડીથી ફટકાર્યો હોવાની કબુલાત આપી હતી.

સિધ્ધરાજે પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું કે પોતે સાતેક મહિના પહેલા જ નેપાળથી પત્નિ બીનીતા અને પુત્ર સૌરભને અહિ લાવ્યો છે અને હાલ જ્યાં રહે છે ત્યાં  ચોકીદારીનું, ગાડીઓ ધોવાનું કામ કરે છે. અગાઉ પોતે એકલો અહિ થોડો સમય રહી ગયો હતો. બાદમાં રહેવાની વ્યવસ્થા થઇ જતાં પત્નિ-પુત્રને અહિ લાવ્યો હતો.

સિધ્ધરાજે વધુમાં કહ્યું હતું કે મારો દિકરો સૌરભ તોફાની હતો. તે મારી વાત માનતો જ નહોતો અને હું કંઇપણ કહું તો તે એમ કરતો નહોતો. સાંજે સાડાઆઠેક વાગ્યે મેં તેને જમવા માટે બોલાવતાં તે જમવા આવતો નહોતો અને તોફાન કરતો હતો. આથી મેં તેને લાકડીના પાંચ છ ફટકા માર્યા હતાં. ત્યારબાદ તે જમવા બેસી ગયો હતો.

જમી લીધા પછી ફરીથી તે તોફાને ચડતાં હું તેની પાછળ લાકડી લઇને મારવા દોડતાં તે પડી ગયો હતો અને માથું ભટકાતાં મુંઢ ઇજા થઇ હતી. જો કે ત્યારબાદ એ રાતે સુઇ ગયો હતો. પછી રાત્રીના ત્રણેક વાગ્યે તે ચીસો પાડવા માંડતાં અને તેને આંચકી ઉપડી હોય તેવું લાગતાં અમે તેને નજીકની ખાનગી હોસ્પિટલે લઇ ગયા હતાં. ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલે લઇ જવાનું કહેવાતાં સિવિલમાં લાવ્યા હતાં. પરંતુ અહિ મોત થયું હતું.

સૌરભનું મોત તેના પિતાના મારને કારણે થયું કે પછી પડી જવાથી ઇજા થવાથી થયું? તે જાણવા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. તેના રિપોર્ટમાં મારથી મોત થયાનું ખુલતાં હત્યાનો ગુનો નોંધવા તજવીજ કરવામાં આવી હતી. એકના એક દિકરાના મોતથી માતા બિનીતા શોકમાં ગરક થઇ ગઇ હતી. તેણે પણ પુછતાછમાં પતિ સિધ્ધરાજે જે વાત જણાવી તે ખરી હોવાનું કહ્યું હતું. સિધ્ધરાજને નશો કરવાની પણ આદત છે. આ બનાવને પગલે નેપાળી સમાજના બીજા લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતાં.

તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ મોરવાડીયા, ભરતભાઇ વનાણી, હરદેવસિંહ જાડેજા સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)