Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ઇશ્વરીયા પાર્કમાં કેકટસ ગાર્ડન-બટર ફલાય પાર્ક-સોલાર સિસ્ટમ- ગ્રામ હાટ-હોર્ટીકલ્ચર ઉભા કરાશે : ઉદ્યોગપતિઓનો સહકાર લેવાશે

કલેકટર દ્વારા સાઇટ વિઝીટઃ બોટીંગ વિસ્તાર-લોકોના આનંદ-પ્રમોદના સાધનોમાં વધારો કરાશે

રાજકોટ, તા. ૧૫:  જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ રાજકોટના અગત્યના પર્યટન સ્થળ એવા ઈશ્વરીયા હિલ ગાર્ડનની મુલાકાત લીધી હતી.

પ્રાંત અધિકારી શ્રી સિદ્ધાર્થ ગઢવી અને ઈશ્વરીયા પાર્કના મેનેજરશ્રી પ્રદ્યુમનસિંહ વાળાએ કલેકટરશ્રીને ઈશ્વરીયા ગાર્ડનના વિવિધ સ્થળોની મુલાકાત કરાવી હતી. કલેકટરશ્રીએ વોચટાવર, ગોલ્ફ કલબ, જુરાસિક પાર્ક, માઉન્ટેન એરીયા, ફૂડ કોર્ટ વગેરે વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. અને આ સ્થળને વધુ સુવિધાયુકત બનાવવા તથા તેનો વિકાસ કરવા માટે અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી.

૭૭ એકરમાં ફેલાયેલા ઈશ્વરીયા પાર્કમાં કેકટસ ગાર્ડન, બટરફ્લાય પાર્ક, સોલર સિસ્ટમ, ગ્રામ હાટ, હોર્ટીકલ્ચર વગેરે સુવિધાઓ ઉભી કરવા માટેની તકો વિશે તેમણે વિશદ વિચારણા કરી હતી અને આવનારા સમયના પરિપ્રેક્ષ્યમાં આ પ્રવાસનધામને વધુ લોકાભિમુખ બનાવવા યોગ્ય પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.

ઈશ્વરીયા ગાર્ડનના વિકાસ માટે રાજ્ય સરકારના ટુરિઝમ, ફોરેસ્ટ, કલાઈમેટ ચેન્જ વગેરે વિભાગોનો સહયોગ લેવા માટે તેમણે પ્રાંત અધિકારી સાથે પણ ચર્ચા કરી હતી. રાજકોટના ઉદ્યોગપતિઓનો સહકાર મેળવી ઈશ્વરીયા હિલ ગાર્ડનને કઈ રીતે વધુ સગવડયુકત બનાવી શકાય તે મુદ્દા પર પણ કલેકટરશ્રીએ વિચારણા કરી હતી. ઈશ્વરીયા ગાર્ડનમાં બોટિંગ વિસ્તાર અને લોકોના આનંદપ્રમોદના સાધનોમાં વધારો, વૃક્ષોનું સંવર્ધન અને જતન, બિન પરંપરાગત ઉર્જા પ્રણાલીના સાધનોનુ સ્થાપન, પી.પી.પી. ધોરણે સુવિધાઓની વૃદ્ધિ, કચરા એકત્રીકરણ, સિક્યોરિટી એજન્સી વગેરે જેવી તમામ બાબતો વિશે કલેકટરશ્રીએ ઝીણવટભરી માહિતી મેળવી હતી અને સમગ્ર કુદરતી પરિવેશને કોઇ પણ પ્રકારની હાનિ ન પહોંચે તે બાબતનું ધ્યાન રાખવા ખાસ તાકીદ કરી હતી.

સમગ્ર ઈશ્વરીયા વેલી ઓફ ફ્લાવર વિશેનુ કમ્પ્યુટરાઈઝડ પ્રેઝન્ટેશન રજૂ કરવા તેમણે સંબંધિતોને સૂચના આપી હતી.

(4:01 pm IST)