Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ખાનગી હોસ્પિટલની હોસ્ટેલમાં નર્સ ચાવંડ ગામની રીનલનો ગળાફાંસો ખાઇ આપઘાત

એક વર્ષથી નર્સ તરીકે નોકરી કરી હોસ્ટેલમાં રહેતી હતીઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૫: અમરેલીના લાઠી તાબેના ચાવંડ ગામની વતની અને હાલ રાજકોટ વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અને અમીન માર્ગ પર ગુલાબ વાટીકા-૫માં આવેલી હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતી રીનલ દિનેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૨)એ હોસ્ટેલના રૂમમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

રાત્રીના દસેક વાગ્યે રીનલે રૂમમાં આ પગલુ ભરી લીધું હતું. રીનલ સાથે રૂમ પાર્ટનર તરીકે રહેતી અન્ય નર્સ રસોઇ બનાવવા રસોડામાં ગઇ હતી. એ વખતે રીનેલે રૂમમાં આ પગલુ ભરી લીધું હતું. દરવાજો બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં વોર્ડનને જાણ કરવામાં આવી હતી. તપાસ કરતાં રીનલ લટકતી જોવા મળી હતી. સિકયુરીટીએ પાછળની બારીમાંથી અંદર પ્રવેશી દરવાજો ખોલાવ્યો હતો અને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ તેણીને મૃત જાહેર કરાઇ હતી.

વોકહાર્ટ હોસ્પિટલ મારફત જાણ થતાં માલવીયાનગર પોલીસને જાણ થતાં એએસઆઇ ગીતાબેન વાય. પંડ્યા અને ઘનશ્યામસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ રીનલ એક વર્ષથી નર્સ તરીકે નોકરી કરતી હતી અને હોસ્પિટલની હોસ્ટેલમાં જ રહેતી હતી. તે એક ભાઇથી મોટી હતી. તેના પિતા વેપાર કરે છે. યુવાન દિકરીના આ પગલાથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(12:47 pm IST)