Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

આસોપાલવ પાર્કમાં કોમન પ્લોટના ઉપયોગ મામલે શાળાના કર્મચારી અને શિક્ષકોને ધમકી

સોસાયટીના રહીશો સામે લોર્ડસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્યની પોલીસમાં લેખિત ફરીયાદ

રાજકોટ તા. ૧પ :.. સાધુ વાસવાણી રોડ પર આસોપાલવ પાર્કમાં આવેલ કોમન પ્લોટના ઉપયોગ બાબતે લોર્ડસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના કર્મચારીઓ તથા શિક્ષકો અને બાળકોને સોસાયટીના રહેવાસીઓએ ગેરવર્તન કરી ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસમાં લેખીત રજૂઆત કરી છે.

આસોપાલવ પાર્કમાં આવેલી લોર્ડસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્યએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કરેલી લેખીત રજૂઆતમાં જણાવ્યું છે કે, આજે અમો શાળાના કર્મચારીઓ, શિક્ષકો, બાળકો સાથે રમત, ગમતની પ્રેકટીશ માટે આસોપાલવ કોમન પ્લોટમાં ગયા હતાં. જયાં અમોને આસોપાલવ સોસાયટીના રહેવાસીઓએ આવી અને પ્લોટમાંથી જતા રહેવાનું કહી ધમકી ભર્યા અવાજથી આ પ્લોટ કોઇના બાપનો નથી તેમ કહી કોર્પોરેટર વિશે પણ અપશબ્દો બોલી અશોભનીય વર્તન કરી અમોને બીક બતાવેલ છે. શાળાના મહિલા શિક્ષકો સાથે ગેરવર્તન કરી અપમાન જનક શબ્દો કહી દાદાગીરી કરી છે. શાળાના બાળકોને પ્લોટમાંથી હાથ ખેંચી બહાર કાઢી મુકયા હતાં. અને બાળકો સાથે મારા મારી કરી છે. અને મારી નાખવાની ધમકી આપેલ છે. સ્કુલના બાળકોને આ પ્લોટનો લાભ મળવો જોઇએ. આ વિસ્તારના કોર્પોરેટરને પણ એલફેલ બોલી ગાળો આપી આ પ્લોટમાંથી બહાર નીકળી જવા ધમકી આપી હતી.

આથી આ ઘટના મામલે સોસાયટીમાં માથાભારે શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવાયું છે.

(5:01 pm IST)