Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સીવીલ હોસ્પિટલને સ્પર્શતા પ્રશ્નો સંદર્ભે આરોગ્ય કમિશન સાથે બેઠક

ડોકટરો અને નર્સીંગ સ્ટાફની ખાલી જગ્યા ભરવા, દવાબારી પરની સુવિધા વધારવા સહિત ૧૪ મુદ્ે રોગી કલ્યાણ સમિતિ દ્વારા રજૂઆત

રાજકોટ : પી.ડી.યુ. સરકારી સીવીલ હોસ્પીટલની મેડીકલ કોલેજનાં મીટીંગ રૂમમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક ગુજરાત રાજયનાં આરોગ્ય કમિશ્નર ડો. જયંતિ રવિના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.

જેમાં રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહિત રોગી કલ્યાણ સમિતિનાં તમામ સભ્યોએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. સીવીલ હોસ્પીટલને સ્પર્શતા કુલ ૧૪ અણઉકેલ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

ખાસ કરીને વહીવટી તંત્ર અને કાયદો વ્યવસ્થા મજબુત બનાવવા ભાર મુકવામાં આવેલ. હોસ્પીટલમાં ડોકટરો અને નર્સીંગ સ્ટાફની અછત અંગે પણ ધ્યાન દોરાયું હતું.  નવી બ્લડ બેંક ઇમરજન્સી બિલ્ડીંગમાં ત્રીજા માળે શરૂ કરવા સુચન કરાયેલ. સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટર વધારે કુલ ૧ર પોસ્ટ તાત્કાલીક ભરવા તેમજ નર્સીંગ સ્ટાફ કુલ ૪૧૮ મંજૂર થયેલ છે. તેની સામે માત્ર ૩૪૯ ની સંખ્યામાં જગ્યાઓ ભરાયેલ હોય યોગ્ય કરવા રજૂઆત કરાઇ હતી. એ જ રીતે સર્વન્ટ સ્વીપરની કુલ ૧૦૦ ની જરૂરીયાત હોવાનું જણાવાયુ હતું.

દવાબારીમાં વ્યાપક પણે ધસારો રહેતો હોય વધુ પ ફાર્માસીસ્ટની નિમણુંક કરવા તેમજ ડ્રાઇવરની જગ્યાઓ ભરવા ધ્યાન દોરાયુ હતું.

મેડીકલ કોલેજનાં ડીન તેમજ પી. ડી. યુ. સરકારી સીવીલ હોસ્પીટલનાં અધિક્ષક બન્ને પોસ્ટ ટેમ્પરરી હોય આ બન્ને પોસ્ટને તાકીદે કાયમી કરવા અને જનાના હોસ્પીટલને સીવીલ હોસ્પીટલનાં બિલ્ડીંગમાં સ્થળાંતર કરવા ભાર પૂર્વક આગ્રહ કરાયો હતો.

આરોગ્ય કમિશ્નર ડો. જયંતિ રવિએ રોગી કલ્યાણ સમિતિનાં તમામ સભ્યોનાં સલાહ સુચન દર્શાવતા અણઉકેલ પ્રશ્નો શાંતિ સાંભળી તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા ખાત્રી આપી હતી. રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ મેડીકલ કોલેજનાં ડીન ડો. યોગેશ ગોસ્વામી, સીવીલ અધિક્ષક ડો. મનીષ મહેતા (મો. ૯૮રપ૯ ૩પ૪૬પ) ગુંદાવાડી હોસ્પીટલનાં સુપ્રિ. ડો. રૂપાલીબેન મહેતા, અન્ય સભ્યો જયંતભાઇ ઠાકર, રાજીવભાઇ ઘેલાણી, નરોતમભાઇ ડોબરીયા, ભરતભાઇ ડાભી, ન્યુરો સર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી ચિલ્ડ્રન હોસ્પીટલ ઇન્ચાર્જ ડો. યોગેશ પરીખ સહિત સીવીલ હોસ્પીટલનાં  તમામ ઇન્ચાર્જ ડોકટરો ઉપસ્થિત રહ્યા હતાં.

(4:52 pm IST)