Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

IPLમાં રાજકોટને ડીંગો : એકપણ મેચ ન ફાળવાયો

ગત બે સિઝનમાં ખંઢેરીના મેદાનમાં લાયન્સના તમામ મેચો રમાયા'તા : એક કે બે મેચો મળશે તેવી ક્રિકેટપ્રેમીઓને આશા હતી પણ ઠગારી નિવડી : એસસીએનું ગ્રાઉન્ડ તમામ સુવિધાઓથી સજ્જ છે

રાજકોટ, તા. ૧૫ : આગામી એપ્રિલમાં આઈપીએલ સિઝન-૧૧નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મેચોના સ્થળ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે આ વખતે રાજકોટના ફાળે એક પણ મેચ આપવામાં આવ્યો નથી. ગત બે સિઝનમાં ગુજરાત લાયન્સના તમામ મેચો રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને ફાળવવામાં આવ્યા હતા ત્યારે ચેન્નાઈ અને રાજસ્થાનની ટીમ ફરી આઈપીએલમાં સ્થાન મેળવતા ગુજરાતની ટીમ બહાર ફેંકાઈ જતાં આ વખતે રાજકોટને મેચ ન ફાળવાયુ હોવાનું ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચાઈ રહ્યુ છે.

  થોડા સમય પહેલા એવી ચર્ચાએ જોર પડયું હતુ કે રાજકોટમાં રાજસ્થાન રોયલ્સના મેચો રમાનાર છે, પરંતુ ક્રિકેટ પ્રેમીઓની આશા ઠગારી નિવડી હતી. કયા મેચો કે દિવે રમાનાર છે તેની તારીખો પણ જાહેર થઇ ગઇ છે જેથી હવે સ્થળમાં ફેરફાર થવાની શકયતા ખુબ ઓછી  છે.

 દરમિયાન રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇની ટીમ ઉપર બે વર્ષનો બીસીસીઆઇ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવતા ગુજરાત લાયન્સની ટીમ બે સિઝન માટે રમી હતી. જેમા અમદાવાદમાં હાલ સ્ટેડીયમનું રીનોવેશન ચાલુ હોય તમામ મેચો રાજકોટના ખંઢેરીના મેદાનમાં યોજાયા હતા. મર્હદઅંશે ખંઢેરીનું ગ્રાઉન્ડ હાઉસફુલ જોવા મળ્યું હતું 

 જયારે ચેન્નાઇ અને રાજસ્થાન ઉપરનો પ્રતિબંધનો સમય પુરો થઇ જતાં ગુજરાતની ટીમ બહાર ફેંકાઇ ગઇ છે. રાજકોટના ખંઢેરીના મેદાનમાં આ વર્ષે આઇપીએલનો એકપણ મેચ રમાનાર નથી. જેથી ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા સાંપડી છે.

(4:36 pm IST)