Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સ્માર્ટ સીટીના જમાનામાં હજુ ગીતાનગરમાં ખુલ્લી ગટરોઃ ડ્રેનેજની સુવિધા કયારે ?: કોંગ્રેસ

વોર્ડ નં.૧૩ના આ વિસ્તારમાં તાત્કાલિક ડ્રેનેજ મંજુર નહી થાય તો લત્તાવાસીઓ તંત્ર સામે વધુ આક્રમક બનશેઃ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ કમિશ્નરને પત્ર પાઠવ્યો

રાજકોટ તા.૧૪ : મ્યુ.કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટીના બણગા ફુંકવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના હજુ અનેક વિસ્તારોમાં ડ્રેનેજ (ભુગર્ભ ગટર)ની સુવિધાઓ નથી અને સ્માર્ટ સીટીના જમાનામાં અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરોની ગંદકી ખદબદી રહી હોવાના આક્ષેપો સાથે છેલ્લા બે દાયકાથી ચાલતી ભુગર્ભ ગટરની કામગીરી ઝડપથી પુર્ણ કરાવવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ મ્યુ.કમિશ્નર બંછાનીધિ પાનીને પત્ર પાઠવી અને વિસ્તૃત રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવાયા મુજબ શહેરના ૧ થી ૧૮ વોર્ડ અને ખાસ કરીને નવા ભળેલા કોઠારીયા, વાવવડીના વિસ્તારોમાં આજે પણ ઓપન ગટરો છે અને શહેરમાં પણ અનેક વિસ્તારોમાં ભુગર્ભ ગટરનું કામ ર૦ વર્ષ પછી પણ હજુ પુર્ણ થયુુ નથી અને શાસકોને કરોડોના પ્રોજેકટોમાં રસ છે પરંતુ લોકોની પાયાની જરૂરીયાત એવી પાણી, રસ્તા, ગટર, ગંદકી, સફાઇ સહિતની આવતી ફરિયાદોનું નિરાકરણ કરવાની પરવા નથી અને તેના કારણે ગઈકાલની વોર્ડ ૧૩ના ગીતાનગર વિસ્તારમાં ચક્કાજામની ઘટના બને છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં આ સમસ્યાનું પુનરાવર્તન ન થાય તે માટે જે વિસ્તારોમાં હાલ ખુલ્લી ગટર છે તેનો તાત્કાલીક સર્વે કરાવી એ ઓપન ગટરોને ભૂગર્ભ ગટરોના કામ માટેના ટેન્ડરો કે જે કાર્યવાહી કરવાની થાય તે તાત્કાલીક કરી યોગ્ય કરવુ જરૂરી છે અને આ અંગે આજે મ્યુ. કમિશ્નરને તાકીદના પત્રથી ચોમાસા પહેલા શહેરનો એક પણ વિસ્તારમાં ઓપન ગટર ન રહે તે માટે તાકીદ કરાઈ છે.

શ્રી સાગઠિયાએ પત્રમાં જણાવ્યું છે કે, ડ્રેનેજો ઉભરાવાની લોકોના ઘરમાં પાણી ઘુસવાની વ્યાપક ફરીયાદો છે જેમાં વોર્ડ નં. ૩, વોર્ડ નં. ૧૫, વોર્ડ નં. ૧૩, વોર્ડ નં. ૧૪ (મેયરનો વોર્ડ) સહિતના વોર્ડનો સમાવેશ થાય છે અને ડ્રેનેજ નિકાલના કોન્ટ્રાકટરોએ શાસકપક્ષના મળતીયાઓ હોવાથી ટેન્ડરની શરતો મુજબ કામ કરવામાં ઠાગાઠૈયા કરે છે તેવો આક્ષેપ વિપક્ષી નેતાએ કર્યો છે.

 જેથી ગટરો ભરાવાની થોકબંધ ફરીયાદો 'સ્માર્ટ સીટી'માં આવે છે. અધિકારીઓના આંખ મિચામણાથી ડ્રેનેજની સમસ્યા વિકરાળરૂપ બની છે પરિણામે છાસવારે તંત્ર અને લોકો વચ્ચે ઘર્ષણ થાય છે તેમ અંતમાં સાગઠીયાએ આક્ષેપ કરતા જણાવ્યુ છે.

(4:12 pm IST)