Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

શ્રીમંતોના સંતાનોને આર.ટી.ઇ. હેઠળ મફત ભણતા રોકવા નિયમોમાં તોળાતા ફેરફારો

વિદ્યાર્થીઓને ઘરથી ર કિ.મી. ત્રિજયા બહારની શાળા પસંદ કરવાની પણ છુટ અપાશેઃ આ વર્ષે નવી ખૂલનારી શાળાઓને પણ વિદ્યાર્થીઓ ફાળવવાનો નિર્ણય

રાજકોટ, તા. ૧૪ :. સરકાર દ્વારા સ્વનિર્ભર ખાનગી શાળાઓમાં ધો. ૧ માં કુલ સંખ્યાબળના ૨૫ ટકા સંખ્યા જેટલા વિદ્યાર્થીઓને ધોરણ ૧ માં પ્રવેશ આપવા માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ જોગવાઈ કરવામાં આવેલ છે. આવા ગરીબ વિદ્યાર્થીઓની ફી સરકાર જે તે શાળાને ચૂકવે છે. ભૂતકાળમાં કેટલાય ધનવાન પરિવારના બાળકોને વાલીઓએ આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ અપાવી દીધાનું બહાર આવતા જે તે વખતે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. હવે રાજય સરકાર પ્રવેશ અંગેના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવા માગે છે. તે ફેરફારનો ઠરાવ થયા બાદ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. વાલીઓને સરળતાથી સમજાઈ જાય અને કાયદાનો દુરૂપયોગ ન થાય તેવા ફેરફારો આવી રહ્યા છે.

અત્યાર સુધી વિદ્યાર્થીને તેના રહેઠાણની નજીકની ૨ કિ.મી.ની ત્રિજ્યામાં આવેલી ખાનગી શાળામાં જ પ્રવેશ મેળવવાનો અધિકાર હતો. સરકાર હવે તેમા છૂટછાટ મુકવા માગે છે. દૂરની શાળાને પણ પસંદગીની શાળા તરીકે ફોર્મમા દર્શાવી શકશે. નવા શૈક્ષણિક સત્રથી જે નવી ખાનગી પ્રાથમિક શાળાઓ શરૂ થનાર છે તેને પણ આર.ટી.ઈ. હેઠળ પ્રથમ વર્ષથી જ વિદ્યાર્થી ફાળવવાની શરૂઆત કરી દેવામા આવશે. પ્રવેશ નક્કી થઈ ગયા બાદ વાલીના મોબાઈલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે.

(3:48 pm IST)