Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

GSTR 3Bથી નિયમ ૩૬(૪)ની અમલવારીથી વેપારીઓને મુશ્કેલી પડશે : જડ નિયમો દૂર કરો

દર મહિને કરવાની નવી કવાયત ખુબ જ અઘરી છે

રાજકોટ, તા., ૧૪: રાજકોટનાં પ્રકાશ એન્જીનીયર્સના પ્રકાશ શાહે રાજકોટ ગ્રેટર ચેમ્બરને પત્ર લખી નિયમ ૩૬ (૪)ની અમલવારીને કારણે વેપારીઓને પડનારી મુશ્કેલી બાબતે સરકારને રજુઆત કરવા માંગણી કરી છે.

તેમણે જણાવ્યું છે કે આ સપ્ટેમ્બર મહિનાના જીએસટીઆર ૩ બી થી નિયમ ૩૬ (૪)ની અમલવારી ફરીથી શરૂ થઇ ગઇ છે. આ નિયમને હિસાબે બધા વેપારીઓના તેના વેચાણનો ૪ મહિનાનો પુરેપુરો જીએસટી સરકારમાં જમા થઇ જશે અને તેમણે ખરીદી કરેલ માલના જીએસટીની રકમ બાદ મળશે નહી. જે વેપારીઓનું ટર્નઓવર ૧.પ કરોડથી ઓછુ હોય અને તેઓ કવાર્ટરલી રીટર્ન ફાઇલ કરતા હોય તેમને પણ આ મુશ્કેલી તો પડશે જ કારણ કે તેઓની પણ ઓછામાંઓછી ૩૦ ટકા ખરીદી તો કવાર્ટરલી રીટર્ન ફાઇલ કરતા વેપારીઓ પાસેથી હશે જ. દરેક નાના વેપારી (કવાર્ટરલી રીટર્ન ફાઇલ) કે મોટા વેપારી (મંથલી રીટર્ન ફાઇલ) ઓએ જીએસટીઆર ૩બી તો મંથલી જ ફાઇલ કરવાનું છે.

વેપારી દર મહીને ૧૦ લાખના માલની ખરીદી કરે છે જેમાંથી ૩૦ ટકા નાના વેપારી (કવાર્ટરલી રીટર્ન ફાઇલ) પાસેથી ખરીદી કરે છે. હવે નાના વેપારી (કવાર્ટરલી રીટર્ન ફાઇલ) ને સરકારે કવાર્ટર પુરો થઇ જાય પછી જીએસટીઆર-૧ ફાઇલ કરવા માટે ૩૦ દિવસનો સમય આપેલ છે. એટલે કે ઓકટો-ડીસેમ્બર સુધીમાં વેચાણ કરેલ માલનું રટર્ન તેમણે ૩૦ જાન્યુઆરી સુધીમાં ફાઇલ કરવાનું રહેશે. એટલે તે કવાર્ટરમાં જેમણે ખરીદી કરેલ હોય તેમને તેમના જીએસટીઆર-ર બીમાં ૧ર ફેબ્રુઆરીએ બતાવશે. એટલે તે  રકમ તેઓ ડીસેમ્બરના ૩ બીમાં જમા લઇ શકશે નહી પરંતુ જાન્યુઆરીના ૩ બીમાં જમા લઇ શકશે.

તદુપરાંત નવા નિયમ મુજબ વેપારીએ દર મહિને તેમનું જીએસટીઆર ર બી ચેક કરવાનું છે અને તેમાં જમા મળેલ આઇટીસી જ જીએસટીઆર ૩બીમાં જમા લેવાની છે. આ દર મહીને કરવાની નવી કવાયત પણ ખુબ જ અઘરી છે અને વેપારીઓનો મોટાભાગનો સમય આવા Reconciliation માં જ બરબાદ થઇ જશે. એક બાજુ સરકાર સરળી કરણની વાત કરે છે અને બીજી બાજુ આવા નિયમો લાગુ કરીને વેપાર કરવો અઘરો બનતો જાય છે. માલ વેચનાર વેપારીને કવાર્ટરલી રીટર્ન ફાઇલ કરવાની સગવડ આપે છે પણ જીએસટી તો તેની પાસે દર મહિને લઇ લે છે અને તે જ માલ ખરીદનારને તેની સજા રૂપે તેની પાસેથી પણ પુરેપુરો જીએસટી વસુલાત કરી લેવા માંગે છે.

આવા નિયમોનો બધા વેપારી સંગઠનો એ સાથે મળીને વિરોધ કરવો જોઇએ. હું આપણા પ્રમુખશ્રી ને વિનંતી કર છું કે આ બાબતે સરકારને ગંભીર રજુઆત કરે.

(3:45 pm IST)