Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નાના ભાઇએ પાંચ રૂપિયા વાપરી નાખતાં દુઃખી થઇ ફાંસો ખાઇ લેનારા દર્શનનું મોત

મમ્મીએ બંને ભાઇને પાંચ-પાંચ વાપરાવ આપ્યા હતાં પણ નાનો નાનકો પુરા દસ વાપરી આવ્યો'તોઃ રણુજા મંદિર પાસે પટેલ પાર્કમાં બનાવ

રાજકોટ તા. ૧૦: કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ પટેલ પાર્ક-૧માં રહેતાં દર્શનગીરી વલ્લભગીરી ગોસ્વામી (ઉ.વ.૧૪)એ ૯/૧૦ના રોજ પતરાની આડીમાં દોરી બાંધી ગાળફાંસો ખાઇ લેતાં નાનો ભાઇ મિત જોઇ જતાં દેકારો મચાવતાં પરિવારજનોએ ભેગા થઇ તેને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર દરમિયાન ગત સાંજે તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. એમ. બી. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.  મૃત્યુ પામનાર દર્શનગીરી બે ભાઇમાં મોટો હતો અને ધોરણ-૮માં ભણતો હતો. તેના પિતા હયાત ન હોઇ માતા, નાના ભાઇ  સાથે નાનાને ત્યાં રહેતો હતો. પરિવારજનોના કહેવા મુજબ નાના ભાઇ મિતને  મમ્મી ચંદ્રિકાબેને રૂ. ૧૦ની નોટ આપી હતી અને બંને ભાઇઓને પાંચ-પાંચ વાપરવા કહ્યું હતું.

પરંતુ મિત મોટા ભાઇ દર્શનના પાંચ રૂપિયા પણ વાપરી આવતાં દર્શનને દુઃખ થયું હતું અને ગુસ્સો ચડતાં આ પગલુ ભરી લીધું હતું. સારવાર દરમિયાન દમ તોડી દેતાં બાવાજી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(12:08 pm IST)