Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

CA ફાઈનલ પરીક્ષાનું રાજકોટ સેન્ટરનું ૧૫.૨૯ ટકા પરિણામ

બન્ને ગ્રુપનું ૭.૯૪ ટકા, પ્રથમ ગ્રુપનું ૧૧.૫૬ ટકા, બીજા ગ્રુપનું ૧૪.૬૨ ટકા પરિણામઃ રાજકોટનો રૂષભ શાહ રાજકોટ ફર્સ્ટ

રાજકોટ, તા. ૧૪ :. ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયા દ્વારા લેવાયેલ સીએની ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં રાજકોટનું સરેરાશ ૧૫.૨૯ ટકા પરિણામ આવ્યુ છે. જેમા રાજકોટ સેન્ટરનો રૂષભ શાહ ૫૬૪ ગુણ મેળવી રાજકોટ સેન્ટરમાં પ્રથમ અને દેશભરમાં ૨૨માં ક્રમે ઉતિર્ણ થયેલ છે.

રાજકોટ બ્રાન્ચના સીએ હાર્દિકભાઈ વ્યાસે એક યાદીમાં જણાવ્યુ છે કે, સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ રાજકોટ સેન્ટરમાં જૂના કોર્ષ ગ્રુપ-૧માં ૯૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૦ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. જ્યારે જૂના કોર્ષ ગ્રુપ-૨માં ૧૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં ૨૧ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા હતા. નવા કોર્ષ બન્ને ગ્રુપમાં ૧૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં ૧૫ વિદ્યાર્થીઓ સફળ થયા છે. નવા કોર્ષ ગ્રુપ-૧માં ૨૯૪ વિદ્યાર્થીઓમાંથી ૩૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. નવા કોર્ષ ગ્રુપ-૨માં ૧૭૧માંથી ૨૫ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.

ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફાઈનલનું જુલાઈ ૨૦૨૧ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ. તેમાં નવા કોર્ષમાં ટોપ ૩ રેન્કર્સ નંદીની અગ્રવાલ ૬૧૪ ગુણ, ૭૬.૭૫ ટકા સાથે પહેલા ક્રમાંકે, ઈન્દોરથી સાક્ષી આઈરન ૬૧૩ ગુણ, ૭૬.૬૩ સાથે બીજા ક્રમાંકે અને બેંગ્લોરથી સાક્ષી બાગરેચા ૬૦૫ ગુણ, ૭૫.૬૩ ટકા સાથે ત્રીજા ક્રમાંકે છે.

બન્ને ગ્રુપમાં નવા કોર્ષમાં ૧૮૯ વિદ્યાર્થીઓમાંથી ૧૫ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા. જેમાં રૂષભ શાહ ૫૬૪ ગુણ, ૭૦.૫ ટકા સાથે સમગ્ર રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે અને સમગ્ર ભારતમાં ૨૨માં ક્રમાંકે છે. હર્ષ વાઢેર ૪૯૨ ગુણ, ૬૧.૫ ટકા સાથે બીજા ક્રમાંક પર તથા મયંદ દવે ૪૬૭ ગુણ, ૫૮.૩૮ ટકા સાથે ત્રીજા ક્રમાંકે છે. રાજકોટ બ્રાન્ચના ચેરમેન સીએ હાર્દિક વ્યાસએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

(4:19 pm IST)