Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વિંછીયા પંથકમાં કુહાડી-ધારીયા વડે હુમલો કરવાના ગુનામાં આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા. ૧૪: વિંછીયા પોલીસ સ્ટેશનમાં ધારીયા કુહાડી અને છરી સાથે હુમલો કરવાના ગુનામાં ભારતીય દંડ સંહીતાની કલમ ૩ર૬ વિગેરે તથા જી.પી. એકટ ૧૩પ(૧) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપીની ધરપકડ થતા રાજકોટ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી કેશાભાઇ તળશીભાઇ બેરાણી બપોરના બાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા તે સમયે આ કામના આરોપી મંગળુભાઇ સોનારા તથા તેમનો દીકરો ભગીરથ ફરીયાદીના ઘરે ગયેલ હતા અને ફરીયાદીના દીકરા પાસે પૈસા માંગતા હોય ફરીયાદીના દીકરા હરસુખનું મોટર સાયકલ લઇ જવા માંગતા હોય જે બાબતે બોલાચાલી થયેલ હતી અને આ બંને આરોપીઓ ત્યાંથી જતા રહેલ હતા અને થોડીવાર બાદ ફરીયાદી પોતાના મકાનની ડેલી બંધ કરવા જતા હતા તે સમયે આ કામના આરોપી મંગળુભાઇ તેમના હાથમાં લોખંડનું ધારીયું તથા તેમનો દીકરો ભગીરથ તેમના હાથમાં લોખંડનો પાઇપ અને એક અજાણ્યો ઇસમ પોતાના હાથમાં કુહાડી-ધારીયા લઇને આવેલા અને ફરીયાદીને ગાળો આપી હુમલો કરેલ હતો.

આ કામે આરોપી મંગળુભાઇ જગુભાઇ સોનારા તેમજ દીનેશભાઇ પીઠુભાઇ કરપડા દ્વારા પોતાના એડગવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા રાજકોટ કોર્ટમાં અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી રણજીત એમ. પટગીર, સાહિસ્તા એસ. ખોખર, મીતેશ એચ. ચાનપુરા તેમજ પ્રહલાદસિંહ બી. ઝાલા રોકાયેલ હતા. 

(3:25 pm IST)