Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના સામે જંગ: જી.આઈ.ડી.સી. અને લેબર સાથે રાજકોટ મનપાની ખાસ બેઠક: આજી અને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ઉદ્યોગોમાં એન્ટીજન ટેસ્ટ થશે

રાજકોટ : કોરોના વાયરસના ચેપને પ્રસરતો શકય તેટલો અટકાવવાના પ્રયાસોરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા ક્ષેત્રો સાથે સંકલન કરી કોરોનાની ચેઈન તોડવા માટેના પ્રયાસો ઝુંબેશના રૂપમાં હાથ ધરવામાં આવી રહયા છે, જેના એક ભાગરૂપે આજે મહાનગરપાલિકા દ્વારા લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડીપાર્ટમેન્ટ અને જી.આઈ.ડી.સી. સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર શહેરમાં સ્થિત આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ઉદ્યોગોમાં કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી શોધીને તેઓની સુશ્રુષા કરવામાં આવશે. ઉદ્યોગોમાં જ્યાં ક્યાંય પણ શરદી, ઉધરસ કે તાવના દર્દીઓ જોવા મળે તેઓના કોરોનાના નિદાન માટેના ટેસ્ટ કરવાની કામગીરી ઝુંબેશના રૂપમાં હાથ ધરવામાં આવેલ છે.

રાજકોટમાં મુકાયેલા સિનિયર આઈ.એ.એસ. અધિકારી શ્રી મિલિન્દ તોરવણે, મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, ખાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખટાલે, નાયબ મ્યુનિ. કમિશનર શ્રી ચેતન નંદાણી, લેબર વિભાગના આસીસ્ટન્ટ કમિશનર શ્રી સિહોરા અને જી.આઈ.ડી.સી.ના રિજિયોનલ મેનેજર શ્રી દર્શન ઠાકરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરતુ અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે મુસાફરોના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવા અંગેના પગલાંઓ ગંભીરતાથી અમલમાં મુકવામાં આવી રહયા છે તેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌને એ બાબતથી પણ વાકેફ કરવામાં આવ્યા હતાં કે, આવતીકાલથી રાજકોટ રેલ્વે જંકશન સ્ટેશને ઓરિસ્સાના પૂરી થી સૌરાષ્ટ્રના ઓખા વચ્ચે દોડતી ટ્રેઈન સપ્તાહમાં એક વાર રાજકોટ આવનાર છે ત્યારે પરપ્રાંતિય કામદારો પણ રાજકોટમાં આવવાનું શરૂ થઇ શકે છે. આ સંજોગોમાં અન્ય રાજ્યોના મુસાફરોના સ્વાસ્થ્યની ચકાસણી, સારવાર અને જરૂરિયાત મુજબ હોમ ક્વોરોનટાઇન સહિતના પગલાં લેવા અત્યંત જરૂરી બની રહે છે.

રાજકોટમાં જી.આઈ.ડી.સી. હેઠળ આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ઉદ્યોગો કાર્યરત્ત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઉદ્યોગોમાં કામ કરતા સ્થાનિક અને પરપ્રાંતિય શ્રમિકોના સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યકતા અનુસાર સારવાર પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. જેના પગલે લેબર ડીપાર્ટમેન્ટ અને જી.આઈ.ડી.સી. દ્વારા ઉદ્યોગકારો સાથે સંકલન શરૂ કરી દેવામાં આવેલ છે.

રાજકોટમાં આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કુલ ૭૦૦થી ૭૨૫ જેટલા ઉદ્યોગો કાર્યરત્ત છે.એન્જીનીયરીંગ અને ફૂડ પ્રોસેસિંગ સહિતના ઉદ્યોગોમાં આશરે કુલ ૧૨૦૦૦ જેટલા સ્થાનિક શ્રમિકો અને અન્ય કર્મચારીઓ કામ કરે છે. જ્યારે એટલી જ સંખ્યા સંભવત: પરપ્રાંતિય શ્રમિકોની પણ થાય છે. આ ઉપરાંત શહેરમાં અન્ય વિસ્તારોમાં કાર્યરત્ત નાના મોટા અન્ય ઉદ્યોગોમાં પણ કામ કરી રહેલા શ્રમિકોના સ્વાસ્થ્યની ચકાસણી માટે આયોજન કરવામાં આવી રહયું છે.

આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જી.આઈ.ડી.સી. અને લેબર ડીપાર્ટમેન્ટ સાથે સંકલન કરવામાં આવેલ છે અને કોરોના પોઝિટિવ દર્દી કે શરદી, ઉધરસ કે તાવના દર્દીઓને શોધી કાઢી તેઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે એન્ટીજન ટેસ્ટ કરવા કરવા અનુરોધ કરાયો હતો, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વિશેષમાં કોરોનાનો સામનો કરવા માટે લેવામાં આવી રહેલા જુદાજુદા પગલાંઓ ત્વરિત અમલી બનાવવામાં આવી રહયા છે તે વિશે પણ બંને તંત્ર વચ્ચે ઘનિષ્ઠ ચર્ચા થઇ હતી. વધુમાં આ બેઠકમાં નક્કી થયા અનુસાર રેલ્વે તંત્ર દ્વારા ટ્રેઈનમાં મુસાફરી કરનાર પેસેન્જરોના નામની યાદી અગાઉથી જ રાજકોટ મહાનગરપાલિકાને સુપરત કરવામાં આવશે. આ યાદીના આધારે મહાનગરપાલિકા પણ પરપ્રાંતિય શ્રમિકોની યાદી મેળવી શકશે અને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીમાં તેઓને પણ આવરી લઇ તેઓના સ્વાસ્થ્યની કાળજી લેશે અને આવશ્યકતા અનુસાર તબીબી માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ કરાવશે.

(7:24 pm IST)