Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ગાંધીગ્રામ ધરમનગરના ધર્મેશ્વર મહાદેવ મંદિરમાં ત્રણ દાનપેટી તોડી ચોરીઃ શકમંદની શોધખોળ

શનિવારે મોડી રાતે માસ્ક બાંધીને આવેલો શખ્સ રોકડ ચોરી જતાં સીસીટીવીમાં કેદ થયો'તો

રાજકોટ તા. ૧૪: શહેરના ગાંધીગ્રામના ધરમનગરમાં આવેલા શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિરમાં શનિવારે મોડી રાતે માસ્ક બાંધીને આવેલો એક શખ્સ અંદરના ત્રણ નાના-નાના મંદિરોની દાનપેટીના તાળા તોડી આશરે ૧૫૦૦ની રોકડ ચોરી જતાં અને સીસીટીવી કેમેરામાં તે જોવા મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી શકમંદને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસે ધરમનગર-૪માં રહેતાં અને આઇટીઆઇ લાઠી ખાતે પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રસિંહ દાનસિંહ જાડેજાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધાયો છે. રાજેન્દ્રસિંહ ધર્મેશ્વર મહાદેવ મંદિરના શ્રીધર્મનગર માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્સ્ટમાં પ્રમુખ તરીકે પણ સેવા આપે છે.

તેમણે જણાવ્યું હતું કે રવિવારે પોતે ઘરે હોઇ પુજારી શૈલેષભાઇ જાનીએ ફોન કરી જાણ કરી હતી કે મંદિરમાં ચોરી થઇ છે. તે સાથે જ તેઓ તથા ખજાનચી સુરેશભાઇ પંડ્યા, મંત્રી મોહનભાઇ સહિતના પહોંચ્યા હતાં. પુજારી સવારે સાડા છ વાગ્યે મંદિરે આવ્યા ત્યારે ધર્મેશ્વર મંદિર અંદરના નાના મંદિરો પૈકી શિતળા માતાજીનું મંદિર, કાળ ભૈરવ દાદાનું મંદિર તથા કૃષ્ણ ભગવાનના મંદિરની દાનપેટીઓના તાળા તૂટેલા જોવા મળ્યા હતાં. આ પેટીઓમાં રહેલી અંદાજે ૧૫૦૦ની રકમ ગાયબ હતી. શનિવારે રાતે નવેક વાગ્યે પુજારી મંદિરેથી ઘરે ગયા હતાં. એ પછીથી રવિવાર સવાર સુધીમાં બનાવ બન્યો હોવાની શકયતા જણાઇ હતી.

સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં એક માસ્ક પહેરેલો શખ્સ મધરાતે આવતો દેખાયો હોઇ પોલીસે આ શકમંદની શોધખોળ થઇ રહી  છે. પીએસઆઇ બી. જી. ડાંગર અને ટીમે તપાસ હાથ ધરી છે.

(1:06 pm IST)