Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સિવિલ કોવિડ-૧૯ના દર્દીઓના સગાને મળે એ પહેલા એનસીપી નેતા રેશ્મા પટેલની અટકાયત

રાજકોટ તા. ૧૪: પાટીદાર આંદોલનમાં સક્રીય ભૂમિકા ભજવનાર અને એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલ રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના ખબર પુછવા અને તેમના સ્વજનો સાથે મુલાકાત કરવા મંજુરી વગર આવી રહ્યાની માહિતી પરથી હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  દરમિયાન રેશ્મા પહેલા હોસ્પિટલ ચોકમાં પહોંચતા તેની અટકાયત કરી લેવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં કોરોનાના દરરોજ નવા નવા કેસો આવી રહ્યા છે અને ઘણીવાર તો ૧૦૦ કરતાં વધુ કેસ જાહેર થાય છે. આ ઉપરાંત રોજબરોજ ટપોટપ મૃત્યુ પણ થઇ રહ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન દરરોજ ૨૦થી ૨૫ લોકો મોતને ભેટી રહ્યા છે. આવા સમયે એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ ૧૯ના દર્દીઓના સ્વજનોને મળવા માટે રેશ્મા પટેલ આવી પહોંચતા તે  હોસ્પિટલમાં પ્રવેશે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી. ઉલ્લેખનિ છે કે પાટીદાર આંદોલન દરમિયાન રેશ્મા પટેલ ભાજપમાં જોડાયેલ અને એ પછી તેણેભાજપ સાથે છેડા ફાડી નાંખ્યો હતો. ત્યારબાદથી એનસીપી સાથે જોડાયેલ છે.

 રેશ્મા પટેલે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે તે એનસીપીના કાર્યકરો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ જઇ રહેલ ત્યારે પોલીસ દ્વારા પીછો કરાતો હતો. આ માહિતી તેણે સોશિયલ મીડિયા ફેસબૂક લાઈવ દ્વારા આપી હતી. જોકે તે સિવિલ હોસ્પિટલની અંદર પહોંચે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી. અટકાયત વખતે ભારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. એ-ડિવીઝન પીઆઇ સી. જે. જોષી, પીએસઆઇ ભટ્ટ, ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા સહિતની ડી. સ્ટાફની ટીમે રેશ્માબેન વિઠ્ઠલભાઇ પટેલ (રહે. અમદાવાદ વસ્ત્રાપુર-એનસીપી ઉપાધ્યક્ષ) અને સાથેના કાર્યકર ભોૈમિકભાઇ યોગેશભાઇ પારેખને ડિટેઇન કર્યા હતાં. સિવિલ હોસ્પિટલની અંદર પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે.ડી. પટેલ અને ટીમે બંદોબસ્ત ગોઠવ્યો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:51 pm IST)