Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

વન મહોત્સવ થકી જાહેર જનતાને વૃક્ષારોપણનું મહત્વ સમજાયું છે : જયેશભાઇ રાદડીયા

રાજકોટના ઈશ્વરીયા પાર્ક ખાતે યોજાયો ૭૨ મો વન મહોત્સવ-મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ : કોફી ટેબલ બુકનું અનાવરણ, વૃક્ષપ્રેમી નાગરિકોનું સન્માન, વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા. ૧૪ : ૭૨ માં રાજયવ્યાપી વન મહોત્સવનો મંત્રી જયેશભાઇ રાદડિયાએ રાજકોટ શહેર સ્થિત ઈશ્વરીયા પાર્ક ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે વન મહોત્સવો થકી રાજયની જનતાને વૃક્ષારોપણનું મહત્વ સમજાયું છે. વર્ષ ૧૯૫૦ માં કનૈયાલાલ મુનશીએ દેશભરમાં વન મહોત્સવની શરૂઆત કરી ત્યારથી આજ દિન સુધીમાં રાજયમાં વૃક્ષારોપણ એક ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે રાજયના નાગરિકોએ વૃક્ષોના જતન પર ખૂબ ધ્યાન આપવું જોઇએ, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. રાજય સરકાર અને વન વિભાગ દ્વારા સંયુકત રીતે કરવામાં આવેલા વૃક્ષારોપણના કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા મંત્રી રાદડિયાએ રજૂ કરી હતી. અને ગ્લોબલ વોર્મિંગ તથા કલાઈમેટ ચેન્જ અટકાવવા માટે વૃક્ષોના વાવેતર પર ભાર મૂકયો હતો. રાજયભરમાં આજરોજ યોજાઈ રહેલા આઠ મહાનગરપાલિકા અને ૩૩ જીલ્લાઓના સહિયારા વન મહોત્સવ પ્રસંગે મંત્રીએ રાજયના નાગરિકોને ૭૨માં વન મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.

વલસાડ તાલુકાના કલગામ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજયકક્ષાના વન મહોત્સવના કાર્યક્રમનું ઈશ્વરીયા પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જીવંત પ્રસારણ કરાયું હતું.

મંત્રી રાદડિયા સહિતના મહાનુભાવોએ  સામાજીક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા પ્રકાશિત કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. વનવિભાગની પ્રવૃત્ત્િ।ઓ દર્શાવતી ટૂંકી ડોકયુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. વિવિધ પદ્ઘતિઓથી વૃક્ષારોપણ ક્ષેત્રે અનેરૂ પ્રદાન કરનારા વન્ય પ્રેમી નાગરિકોનું આમંત્રિતોએ સન્માન કર્યું હતું.

નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદે સ્વાગત પ્રવચનમાં સામાજિક વનીકરણ અને વન મહોત્સવનુ મહત્વ સમજાવ્યું હતું. તથા વધુ વૃક્ષારોપણ કરવા પર ભાર મૂકયો હતો. મંત્રી રાદડિયા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું છોડના રોપાઓથી સ્વાગત કરાયું હતું.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષોના વાવેતર માટે તૈયાર કરવામાં આવેલ રોપાઓથી ભરેલા 'વૃક્ષરથ'ને મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા અને મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ તકે મંત્રી રાદડિયાના હસ્તે પુસ્તક સ્ટોલનું ઉદઘાટન કર્યું હતું.

કલેકટર અરૂણ મહેશબાબુએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ઈશ્વરીયા પાર્ક ખાતે યોજાયેલ વન મહોત્સવની ઉજવણી થકી રાજકોટના નાગરિકોમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ આવશે. ઈશ્વરીયા પાર્ક ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલ શહેરી જંગલની વિભાવના સાકાર થશે. વન સંરક્ષક એ. એમ. પરમાર તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને  ગોવિંદભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા તેમજ વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી સિદ્ઘાર્થ ગઢવી, એન.સી.સી.ના કેડેટ્સ, વનવિભાગના અધિકારીઓ, જિલ્લાના કોરોના વોરિયર્સ, વૃક્ષ પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

(3:30 pm IST)