Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજકોટ જીલ્લામાં ગેરકાયદે બાયોડિઝલના ૧૧ ગુન્હાઓ નોંધાયાઃ ૭૨.૯૭ લાખનો જથ્થો કબ્જે

પોલીસના સતત દરોડા પણ પોલીસની સાથે દરોડાની જેને જવાબદારી સોંપાઈ છે તે પુરવઠા, જીએસટી અને જીપીસીબી સહિતના તંત્રવાહકો ઘોરનિંદ્રામાં

રાજકોટ, તા. ૧૪ :. ધોરાજીના સુપેડી પંથકમા ગઈકાલે રૂરલ એસઓજીની ટીમે ગેરકાયદે બાયોડિઝલની સૌરાષ્ટ્ર સૌ પ્રથમ મોટી રેઈડ કરી બાયોડિઝલના જંગી જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ સાથે રાજકોટ જીલ્લામાં બાયોડિઝલના કુલ ૧૧ ગુન્હાઓ નોંધાયા છે અને ૭૨.૯૭ લાખનો બાયોડિઝલનો જથ્થો કબ્જે કરાયો છે.

રાજ્ય સરકારની સૂચના અન્વયે રાજકોટ રેન્જમાં ગેરકાયદે બાયોડિઝલની સંગ્રહખોરી સામે રેન્જ આઈ.જી.પી. સંદીપસિંહ તથા એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા પોલીસે છેલ્લા ૨૫ દિ'માં ગેરકાયદે બાયોડિઝલના ૧૧ ગુન્હાઓ શોધી કાઢી કુલ ૧.૨૧ લાખ ગેરકાયદે બાયોડિઝલ કિં. ૭૨.૯૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

રાજકોટ જીલ્લામાં ગોંડલ સીટી પોલીસ મથકમાં ૫, ગોંડલ તાલુકામાં ૨, જામકંડોરણામાં ૧, પાટણવાવ ૧ તથા ધોરાજી પોલીસ મથકમાં ગેરકાયદે બાયોડિઝલના ૧૧ ગુન્હાઓ નોંધાયા છે. જેમાં ૭૨.૯૭ લાખનો ગેરકાયદે બાયોડિઝલ લીટર ૧,૨૧,૬૨૫ તેમજ ટ્રક, બાયોડિઝલના પંપ અને મોટર સહિત ૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

અત્રે એ નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અને સંગ્રહખોરી સામે દરોડા પાડવા પોલીસની સાથે પુરવઠા ખાતુ, જીએસટી વિભાગ તથા જીપીસીબી ખાતાને પણ સત્તા અપાઈ છે, પરંતુ પોલીસ તંત્ર સિવાયના અન્ય તંત્રવાહકો ગેરકાયદે બાયોડિઝલના વેચાણ અને સંગ્રહખોરી સામે ઘોરનિંદ્રામાં હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.

(12:53 pm IST)