Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

૨૦૧૮માં રાજકોટની યુવતિને સુરતના ગોૈતમે ફેસબૂક ફ્રેન્ડ બનાવી કુંવારો હોવાનું કહી સર્વસ્વ લૂંટી લીધું

યુવતિને રાજકોટ, જુનાગઢ, દ્વારકા અને સુરતની હોટેલોમાં લઇ જઇ બળજબરી આચરીઃ પત્નિને છુટાછેડા આપી લગ્ન કરશે તેવી લાલચ આપી હતી પણ છેલ્લે રાજકોટના એસટી બસ સ્ટેશનમાં રેઢી મુકી ભાગી ગયો : યુવતિએ મરવાની તૈયારી કરી ત્યાં ગોૈતમના ભાઇએ ફોન કરી કહ્યું એવું ન કરતાં મારો ભાઇ તેની ઘરવાળીની સાથે તમને પણ રાખશે, સેટલમેન્ટ થઇ જશે, પછી કહ્યું- જે કરવું હોય એ કરજો, મારા ભાઇને તમારી સાથે કંઇ લેવા દેવા નહિ : પ્રેમ અને લગ્ના નામે દગાખોરી કર્યાની ગોૈતમ ગરણીયા સામે ફરિયાદઃ મહિલા પોલીસે સકંજામાં લેવા તજવીજ કરી

રાજકોટ તા. ૧૪: સુરતના પરિણીત ઢગાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબૂક મારફત રાજકોટની યુવતિને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ફ્રેન્ડ બનાવી પોતે કુંવારો છે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે તેવી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી રાજકોટ, દ્વારકા, જુનાગઢ, સુરતની હોટેલ ગેસ્ટહાઉસોમાં લઇ જઇ વારંવાર શરીર સંબંધ બાંધી લઇ બળજબરી કરતાં અને છેલ્લે આ યુવતિને 'હું હમણા આવુ છું' કહી તેણીને રાજકોટના બસ સ્ટેશનમાં મુકીને ભાગી જતાં તેમજ તેના ભાઇએ પણ ફોન કરી મારા ભાઇને તમારી સાથે કંઇ લેવા દેવા નહિ, જે કરવું હોય તે કરો તેમ કહી દેતાં અંતે યુવતિએ ફરિયાદ કરતાં બળાત્કાર સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી છે.

ભોગ બનનાર રાજકોટમાં રહેતી ૨૪ વર્ષની યુવતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૧૮માં હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્યારે મોબાઇલમાં ફેસબૂકનો ઉપયોગ કરતી હતી. તે વખતે માર્ચ મહિનામાં મારા ફેસબૂક આઇડી પર ગોૈતમ એમ. ગરણીયા ફેસબૂક યુઝર આઇડીવાળાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતાં મેં તે રિકવેસ્ટ સ્વીકારી હતી. એ પછી અમે ફેસબૂક ફ્રેન્ડ બન્યા હતાં અને વારંવાર ચેટીંગ કરવા મેસેજ કરતાં હતાં. એક બીજાના પેઇઝન લાઇક કરતાં હતાં. એ પછી ગોૈતમે મારો મોબાઇલ નંબર માંગતા મેં આપ્યો હતો. ત્યારબાદ તેણે પણ નંબર આપ્યા હતાં. એકાદ દિવસ પછી ગોૈતમે મને પહેલીવાર ફોન કરી વાત કરી હતી અને પોતે સુરતમાં મોટા વરાછામાં સહજાનંદ સોસાયટી પ્લોટ નં. ૮૧ શિવશકિત રામ મંદિર અને ખોડિયાર ડેરી સામે રહે છે તેમજ ટેકસટાઇલ માર્કેટમાં સાડીઓનું કામ કરે છે. પોતે આહિર જ્ઞાતિના હોવાની અને પુરૂ નામ ગોૈતમ મેરામભાઇ ગરણીયા તથા મુળ અમરેલીના ખારા ગામના હોવાનો પરિચય આપ્યો હતો.

એ પછી અમે ફોનમાં વાતો કરતા હતાં. ચાર-પાંચ મહિના બાદ જુલાઇ-ઓગષ્ટમાં ગોૈતમ મને મળવા રાજકોટ આવ્યો હતો અને ભૂતખાના ચોકની મોરીસ હોટેલમાં રોકાયો હતો. મને ફોન આવતાં હું સવારે નવેક વાગ્યે તેને મળવા ગઇ હતી. ત્યારે બે ત્રણ કલાક અમે સાથે બેસી વાતો કરી છુટા પડ્યા હતાં. એ પછી ગોૈતમે એક દિવસ ફોનમાં કહેલું કે હું તને ખુબ જ પ્રેમ કરુ છું, તારી સાથે લગ્ન કરવા છે અને હું કુંવારો છું. જો તારી હા હોય તો આપણે લગ્ન કરીએ. મને વિશ્વાસ બેસતાં અને તે સારી સારી વાતો ફોનમાં કરતો હોઇ હું પણ તેને પ્રેમ કરવા માંડી હતી.

એ પછી ૨૦૧૯માં ફેબ્રુઆરી માસમાં સવારે દસેક વાગ્યે ગોૈતમે મને ફોન કરી પોતે રાજકોટ મોરીસમાં રોકાયો હોવાનું કહેતાં અને મળવા બોલાવતાં હું તેને મળવા ગઇ હતી અને હોટેલના રૂમમાં બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો અને પ્રેમની વાતો કરી હતી. એક દિવસ રોકાઇને તે સુરત જતો રહ્યો હતો. પછી ફોનમાં જ વાતો કરતાં હતાં. ૨૦૨૦ના ઓગષ્ટ મહિનામાં ગોૈતમ મને ફરી મળવા રાજકોટ આવ્યો હતો. તે ત્રિકોણબાગ પાસે બેકરી નજીક હોટેલમાં હોઇ હું ત્યાં ગઇ હતી. ત્યારે ફરીથી બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. એક દિવસ રોકાઇને સુરત જતો રહ્યો હતો. ત્યાર પછી ગોૈતમે ફોનમાં કહેલુ કે તું તારા ડોકયુમેન્ટ લઇને સુરત આવી જા આપણે લગ્ન કરી લઇશું. જેથી હું ૧૦/૨/૨૧ના રોજ મારા ડોકયુમેન્ટ લઇ ઘરે કોઇને જાણ કર્યા વગર સુરત ગઇ હતી. જ્યાં સરથાણા જકાતનાકે તે લેવા આવ્યો હતો. ચાની હોટેલે ચા પીવા બેઠા ત્યારે તેણે કહેલું કે-મારી ઘરવાળી તથા છોકરાને પીયર મોકલી છુટાછેડા લઇને તારી સાથે લગ્ન કરીશ.

આથી મેં તેને મારા પપ્પા સાથે વાત કરવાનું કહેતાં ગોૈતમે મને કહેલું કે તું અત્યારે જતી રહે હું તને મારા ઘરે લઇ જઇ શકુ તેમ નથી. તારા પપ્પાને કહેજે ફરિયાદ ન કરે. હું પછી રાજકોટ આવીશ. તેમ કહી મારા ડોકયુમેન્ટ તેણે લઇ લીધા હતાં અને સાંજની બસ હોઇ ત્યાં સુધી સુરતમાં ફર્યા હતાં. પછી હું અને ગોૈતમ દ્વારકા ગયા હતાં. ત્યાં દર્શન કરી ૧૧/૫/૨૧ના હોટેલમાં રોકાયા હતાં. પછી ટેકસી કરી રાજકોટ આવેલા. અહિ હોસ્પિટલ ચોકમાં મને ઉતારી ગોૈતમે પોતે થોડા દિવસમાં આવશે કોઇ ફરિયાદ કરતી નહિ તેમ કહ્યું હતું. એ પછી મેં ઘરે વાત કરતાં મારા વાલીએ ફરિયાદનું કહેલું પણ મેં ના પાડી હતી.

ત્યારબાદ પછી ૧૨/૭/૨૧ના ગોૈતમ ફરી રાજકોટ આવ્યો હતો. હું લીંબડા ચોકમાં તેને મળવા ગઇ હતી. ત્યાંથી તે મને જુનાગઢ લઇ ગયેલો અને કાળવા ચોકના ગેસ્ટહાઉસમાં રોકાઇ એકવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં સુરત ગયેલા ત્યાં હોટેલમાં બે દિવસ રોકાયા હતાં અને બેવાર સંબંધ બાંધ્યો હતો. એ પછી અન્ય હોટેલમાં બે દિવસ રોકાયા પછી ગોૈતમે કહેલું કે મારી ઘરવાળી ઘરેથી નીકળે તેમ નથી. હું મારા બાકી પેમેન્ટ લઇ લઉ પછી ઘર મુકી દઇશ અને ભાગી જઇશું.

ત્યાર પછી અમે બંને ફોન બંધ કરી દ્વારકા ગયેલા અને હોટેલમાં રોકાયા હતાં. ગોૈતમે શરીર સંબંધનું કહેતાં મેં તેને કાં લગ્ન કર કાં મૈત્રીકરાર કર તો જ સંબંધ બાંધશું તેમ કહેતાં તેણે બળજબરી કરી ત્રણવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં. પછી ગોૈતમ મારા પપ્પાને મળવા રાજકોટ આવવા તૈયાર થયો હતો. તેમજ જો તારા પપ્પા નહિ રાખે તો હું રાખી લઇશ તેમ કહી મને રાજકોટ બસ સ્ટેશને લાવ્યો હતો. અહિ મને બેસાડી પાણીની બોટલ લઇને આવે છે તેમ કહીને મારા ડોકયુમેન્ટની બેગ સાથે મને એકલી મુકી ભાગી ગયો હતો. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. ગોૈતમ ભાગી જતાં હું માધાપર ચોકડીએ આત્મહત્યા કરવા જવા રિક્ષામાં બેસી નીકળી હતી. એ વખતે ગોૈતમના ભાઇ સાગરે મને ફોન કરી કયાં છો? પુછતાં મેં તેને હું સ્યુસાઇડ કરવા જાવ છું તેમ કહેતાં તેણે મને એવું નહિ કરવા અને બેસીને સેટલમેન્ટ કરી લઇશું તેમ કહેતાં તે માધાપર ચોકડીએ આવ્યો હતો અને કહેલુ કે મારો ભાઇ તમને તથા તેની ઘરવાળી એમ બંનેને રાખશે. થોડીવારમાં મારા બે માણસો આવશે તેમ સાગરે કહ્યું હતું.

હું માધાપર ચોકડીએ હતી ત્યારે બે જણા બાઇક પર આવેલા અને મને કહેલું કે અમે ગોૈતમને શોધીને આવીએ છીએ. હું બે કલાક ઉભી રહી છતાં કોઇ ન આવતાં સાગરને ફોન કરતાં તેણે મારા ભાઇને કંઇ લેવા દેવા નથી તમારે જે કરવું હોય તે કરો તેમ કહેતાં હું રાતે મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી. ત્યાંથી મારા વાલીને બોલાવી સખી વન સ્ટોપ સેન્ટરમાં મને લઇ જવાઇ હતી. ત્યાંથી ૨૪/૭ના નારી સુરક્ષામાં મોકલાઇ હતી. ત્યારથી હું ત્યાં જ રહેતી હતી. મારા તમામ ડોકયુમેન્ટ ગોૈતમ પાસે જ છે. તે પરણેલો હોવા છતાં કુંવારો છે કહી લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ બાંધી રાજકોટ, દ્વારકા, સુરતની હોટેલોમાં વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધા હોઇ અંતે મેં ફરિયાદ કરી છે.

(11:48 am IST)