Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજકોટ કોર્ટ કમ્પાઉન્ડમાં લઘુશંકાને બહાને આરોપી ભાગ્યો, તેનો જામીન પણ છનનન

હત્યાની કોશિષના ગુનામાં જામીન પર છુટ્યા પછી મુદ્દતે હાજર ન થતાં સાયલા નાગડકાના શખ્સ દિલીપને જામીન પ્રદિપે હાજર કર્યો હતોઃ દિલીપ ભાગ્યા પછી પ્રદિપ પણ ફરારઃ બંને સામે ગુનો

રાજકોટ તા. ૧૮: બે વર્ષ પહેલા વિછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાની કોશિષના ગુનામાં અન્ય શખ્સો સાથે પકડાયેલો સાયલાના નાગડકા ગામનો દિલીપ જીલુભાઇ જેબલીયા અને તેનો જામીન પ્રદિપ બહાદુરભાઇ ખાચર રાજકોટની સેસન્સ કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ભાગી જતાં દોડધામ મચી ગઇ હતી. બંને સામે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

એએસઆઇ દિપકભાઇ એ. બામટાએ ફરિયાદી બની દિલીપ જેબલીયા અને પ્રદિપ ખાચર વિરૂધ્ધ ફરિયાદ કરતાં આઇપીસી ૨૨૪, ૨૨૫ મુજબ ગુનો નોંધાયો છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ દિલીપ હત્યાની કોશિષના ગુનામાં પકડાયા બાદ જામીન પર છુટી ગયો હતો. પરંતુ કોર્ટ મુદ્દતમાં ઘણા સમયથી હાજર થતો નહોતો. જેથી કોર્ટએ તેના જામીન પ્રદિપ સામે નોટીસ કાઢી હતી.

આથી પ્રદિપ ગઇકાલે દિલીપને લઇને રાજકોટ સેશન્સ કોર્ટમાં હાજર રહ્યો હતો.  સેસન્સ જજશ્રીએ બંનેને કોર્ટ કસ્ટડીમાં લેવા હુકમ કરતાં ફરજ પર રહેલા એએસઆઇ દિપકભાઇ બામટાએ બંનેને કોર્ટમાં પોલીસ કસ્ટડીમાં બેસાડી દીધા હતાં. આ વખતે દિલીપને એમ થયું હતું કે પોતાને ફરીથી જેલમાં જવું પડશે. આથી તેણે વકિલને ફોન કરવાનું શરૂ કર્યુ હતું. પરંતુ ફોન રિસીવ ન થઇ શકતાં દિલીપ વધુ ગભરાયો હતો. તેણે પોતાને લઘુશંકાએ જવું છે તેમ કહેતાં એએસઆઇ તેને કસ્ટડીમાંથી કોર્ટ કમ્પાઉન્ડની પાછળના ભાગે લઘુશંકા માટે લઇ ગયા હતાં. તે વખતે તે એએસઆઇ દિપકભાઇને ધક્કો દઇ પછાડીને ભાગી ગયો હતો.

દિપકભાઇ ફરીથી કોર્ટમાં આવતાં ત્યાંથી દિલીપનો જામીન પ્રદિપ પણ ભાગી ગયાનું જણાયું હતું. બપોરે સાડા બારેક વાગ્યે આ ઘટના બની હતી. બંનેની શોધખોળ કરવા છતાં ન મળતાં ફરિયાદ દાખલ કરાવાઇ હતી. પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગરે તપાસ શરૂ કરી છે.

(11:46 am IST)