Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજકોટનાં વિકાસનાં શિલ્પી અરવિંદભાઇ મણીઆર ખુદ એક સંસ્થા જ હતા : ડો. પ્રદિપભાઇ ડવ

શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વૈકુઠયાત્રા વાહિનીનું લોકાર્પણ : સમય પાલન અરવિંદભાઇનો મોટામાં મોટો ગુણ : ગોવિંદભાઇ પટેલ : અરવિંદભાઇ મણીઆર આપણી સાથે સદેહે નહિ પરંતુ આશીર્વાદ વરસાવતા અવશ્ય જોઇ શકાયઃ જ્યોતીન્દ્રભાઇ મહેતા

રાજકોટઃ શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતા વિવિધ સેવાકીય પ્રકલ્પમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. સંસ્થાને જીજ્ઞેશભાઇ જયંતિભાઇ પટેલ તથા પરિશેષભાઇ જયંતિભાઇ પટેલ તરફથી દાનમાં મળેલ વૈકુઠયાત્રા વાહિની (શબવાહિની) લોકાર્પણ કાર્યક્રમ નાનો પણ ગરિમાપૂર્ણ રીતે રાજકોટનાં રૈયા સ્મશાન ગૃહ ખાતે યોજાયેલ હતો. સાથોસાથ સ્મશાન પરિસરમાં પ્રસંગની યાદગીરીને જીવંત રાખવા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયેલ હતું.

 મેયર ડો. પ્રદિપભાઇ ડવે જણાવ્યું હતું કે, 'રાજકોટનાં વિકાસનાં સ્વપ્નદષ્ટા અરવિંદભાઇ મણીઆર ખૂદ એક સંસ્થા જ હતા. ખૂબ જ ટૂંકાગાળામાં શહેરના વિકાસ માટે તેમણે કરેલા કાર્યો દાયકાઓ બાદ પણ આપણે જોઇ રહ્યા છીએ.

  શ્રી ઉમીયા માતાજી ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ આભાર સહ જણાવ્યું હતું કે, 'શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના જ સેવાના ઉદ્દેશથી થઇ છે. સામાજિક સેવામાં સદૈવ અગ્રેસર સંસ્થા વધુ એક પ્રકલ્પ પૂર્ણ કરી સેવાને સાર્થક કરે છે. તેમણે દાતા જયંતિભાઇ પટેલના ભુતકાળના સંસ્મરણો તાજા ક્યા હતા.'

 ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે, 'શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સામાજિક, શૈક્ષણીક, તબીબી, જ્ઞાનવર્ધક ઉપરાંત અનેક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરી રહી છે. સંસ્થાની મોબાઇલ ડિપેન્સરીમાં ફકત રૂ. ૧૦માં નિદાન સાથે ત્રણ દિવસની દવા પણ આપવામાં આવે છે અને તેનો લાભ દરરોજ અસંખ્ય છેવાડાના લોકો લઇ રહ્યા છે.'

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના કમિશ્નર અમિતભાઇ અરોરાએ જણાવ્યું હતું કે,  હજુ હમણાં જ રાજકોટમાં આવ્યો છું અને ત્યાં જ સેવાકીય કાર્યમાં સામેલ થવાનો મોકો મળ્યો તે શુભ સંકેત દર્શાવે છે. અહીં લોકો સાથે થોડી વાતચીતમાં માહિતી મળી છે કે અરવિંદભાઇ મણીઆર રાજકોટનાં ચુંટાયેલા પ્રથમ મેયર હતા અને તેઓના કાર્યકાળમાં વિકાસનો એક નવો રોડમેપ બન્યો જે આજ સુધી સહુ માટે ઉપયોગી બની રહ્યો છે.

 ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે,  સમયપાલનએ અરવિંદભાઇ મણીઆરનો મોટામાં મોટો ગુણ હતો. તેમના કદમથી કદમ મિલાવવા એટલે કપરામાં કપરું કાર્ય. પરતુ જે તેમાં નિપુણ થયા તે શ્રેષ્ઠ થયા. તેમની પારખુ નજરથી કાર્યકરને હીરાની જેમ ચમકાવતા.

 સહકારી અગ્રણી અને સંસ્થાના ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, સંસ્થાના વિવિધ સેવાકીય કાર્યો સહુના સાથથી સારી રીતે થઇ રહ્યા છે. આ તકે અરવિંદભાઇ મણીઆર આપણી સાથે સદેહે નહિ પરંતુ આશીર્વાદ વરસાવતા અવશ્ય જોઇ શકાય છે. દાતા પરિવારનાં વડિલ માતુશ્રી અંબામાના આશીર્વાદથી જયંતિભાઇ અને તેમના પરિવારજનો દ્વારા સહુને ઉપયોગી સમાજ સેવાનું કાર્ય સાકાર થયું છે.

  આ લોકાર્પણમાં ડો. પ્રદિપભાઇ ડવ (મેયર), જેરામભાઇ વાંસજાળીયા (પ્રમુખ- ઉમીયા માતાજી ટ્રસ્ટ), જ્યોતીન્દ્રભાઇ મહેતા (અધ્યક્ષ-નાયબ, ન્યુ દિલ્હી), કલ્પકભાઇ મણીઆર ( સી.એ.- સહકાર અગ્રણી), બાબુભાઇ ઘોડાસરા (પૂર્વ કલેકટર), ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય), ધનસુખભાઇ ભંડેરી (ચેરમેન- મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડ), ડો. દર્શિતાબેન શાહ (ડે. મેયર-રાજકોટ મહાનગરપાલિકા), પુષ્કરભાઇ પટેલ (સ્ટે. કમીટી ચેરમેન-રાજકોટ મહાનગરપાલિકા), અમિતભાઇ અરોરા (કમીશ્નર-રાજકોટ મહાનગરપાલિકા ),; કમલેશભાઇ મીરાણી (શહેર ભાજપ અધ્યક્ષ), લાખાભાઇ સખીયા (સામાજિક અગ્રણી); ડી. કે. સખીયા (સામાજિક અગ્રણી), ડો. વલ્લભભાઇ કથીરીયા (મેનેજીંગ ટ્રસ્ટી), હંસરાજભાઇ ગજેરા (ડિરૅકટર-રાજકોટ નાગરિક સહકારી બેક લિ. ), બાવનજીભાઇ મેતલિયા (ડિરૅકટર-રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), ડો. માધવભાઇ દવે (ડિરેકટર-રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), શ્રી સાંઇ રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ (રૈયા સ્મશાન)ના વિજયભાઇ અને સંજયભાઇ, દાતા પરિવારમાંથી જયંતિભાઇ પટેલ તથા જીજ્ઞેશભાઇ પટેલ અને પરિશેષભાઇ પટેલ, અપૂર્વભાઇ મણીઆર (અધ્યક્ષ-સરસ્વતી શિશુ મંદિર), બળવંતભાઇ જાની, મિહીરભાઇ મણીઆર, જયેશભાઇ સંઘાણી, ચમનભાઇ સિંધવ, વિજયભાઇ કારીયા, મુકેશભાઇ દોશી, જયંતભાઇ ધોળકીયા, નિલેશભાઇ શાહ, લક્ષ્મણભાઇ મકવાણા, ભુપેન્દ્રભાઇ શાહ, સંજયભાઇ મોદી, ઇન્દ્રવદનભાઇ રાજ્યગુરૂ, જગદીશભાઇ જોષી, મનીશભાઇ શેઠ, ગુણવંતભાઇ ભટ્ટ, રમેશભાઇ પરમાર, ભરતભાઇ અનડકટ વગેરે ઉપસ્થીત રહ્યા હતા. આભારદર્શન ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ અને  સંચાલન નિલેશભાઇ શાહે કર્યું હતું.

(3:31 pm IST)