Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચકચારી માટી કામ કૌભાંડમાં NSUIએ રમકડાના ટ્રેકટર દ્વારા ઉગ્ર રજૂઆત કરી : ૧૪ની અટકાયત

કુલપતિ પેથાણીને અપાયેલ વિસ્તૃત આવેદન : રોહિતસિંહ રાજપૂતના નેતૃત્વમાં આશ્ચર્યજનક રજૂઆત

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચકચારી માટી કામ કૌભાંડમાં આજે એનએસયુઆઇએ કુલપતિ અને તપાસ સમિતિને ઉગ્ર રજૂઆત કરી રમકડાનું ટ્રેકટર આપી દેખાવો કર્યા હતા. પ્રસ્તૃત તસ્વીર રજૂઆત અને પોલીસે અટકાયત કરી તે સમયની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચકચારી માટી કૌભાંડમાં આજે બીજા દિવસે NSUIએ તપાસ સમિતિ અને કુલપતિને રમકડાનું ટ્રેકટર અર્પણ કરીને ઉગ્ર દેખાવ કર્યો છે. રજૂઆત દરમિયાન ૧૪ NSUI કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

NSUIએ યાદીમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના ફીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ માટી/ મોરમ ફેરવવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને થયેલું નુકસાન ભરપાઈ કરવા તપાસ સમિતિ નિમી નીચે મુજબના મુદ્દાઓ અંગે તપાસ કરો તટસ્થ અહેવાલ આપે તેવી માંગણી છે. જેમાં યુનિવર્સિટી દ્વારા જયાં માટી કામ સંદર્ભે નિર્ણય થયો તે માટી નાખવાનો આદેશ કોણે આપ્યા ? કઈ જગ્યાએથી માટી લેવી અને કઈ જગ્યાએ માટી નાખવી તેનો સર્વે કોના દ્વારા કરાયો ? કેટલા પ્રમાણમાં માટીની જરૂર પડશે તેની ગણતરી કયા વિભાગે કરો ? માટીકામ કોની પાસે કરાવવું તે અંગે કોન્ટ્રાકટર નક્કી કરવાની પ્રક્રિયા શું હતી ? અને કોન્ટ્રાકટરને કામગીરી સંદર્ભે આપેલ વર્કઓર્ડરની નકલ આપવી અને કામગીરી આપવાની પ્રક્રિયા નિયમોનુસાર થઈ છે કે નહીં કેમ તે સંદર્ભ બાંધકામ વિભાગ અને ઓડિટ વિભાગના રિમાર્કસ હોય તે રજુ કરવા. માટી કામ માટે એસ.ઓ.આર. પ્રમાણે કામ કરવાની જોગવાઈ છે કે કેમ? માટીકામ માટે કુલ કેટલા ફેરા નાખવામાં આવ્યા તેની ગણતરી કરવા માટે કયાં ફેરા નખાતા હતા ત્યાં વિભાગ દ્વારા કોઈ વ્યકિતની ચકાસણી માટે નિમણૂક કરવામાં આવી હતી કે કેમ ? માટીના ફેરા આવતા હતા ત્યારે સ્થળ પર કોઈએ વાઉચરમાં સહી કરો છે કે કેમ ? કોન્ટ્રાકટરે માટી બહારથી લાવવાની હતી કે કેમ ? બહારથી લાવ્યા હોય તો રોયલ્ટીની પહોંચ છે કે નહીં ?

NSUIએ કુલપતીને રમકડાના ટ્રેકટરો આપી અનોખો વિરોધ દર્શાવી ઉગ્ર રજુઆત કરી હતી. જો કે વિદ્યાર્થીનેતાઓને આક્ષેપ કર્યો હતો કે રજીસ્ટાર જતીન સોનીને છાવરવા કુલપતીના ઈશારે અમને તપાસ સમીતી સમક્ષ રજુઆત કરવા પોલીસે જવા ન દીધા હતા. લોકશાહીમા વિદ્યાર્થી સંગઠનને રજુઆત કરવાનો અધિકાર પણ ના મળતો હોય એ ખુબ જ શરમજનક બાબત છે.

NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતની આગેવાનીમા કુલપતીને ઉગ્ર પારદર્શક તપાસની રજુઆત કરી રજીસ્ટાર જતીન સોનીને તમામ પદ પરથી તાત્કાલિક દુર કરવામા આવે તેવી માંગ કરી હતી જો કે તમામ NSUIના ૧૪ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ કાર્યક્રમમા NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, પ્રદેશમંત્રી મીત પટેલ, ઉપપ્રમુખ મોહીલ ડવ, હર્ષ આશર, પાર્થ બગડા, રવીરાજ વાળા, જીત સોની, મીહીર જસાણી સહીત જોડાયા હતા.

(3:30 pm IST)