Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ખોડીયારનગરમાં અસરગ્રસ્તોને આવાસ ફાળવો : ભાનુબેન સોરાણીની રજુઆત

અગાઉના સમયમાં ટી.પી. રોડ ખુલ્લા કરવામાં આવેલ હતા ત્યારે મ.ન.પા. તંત્ર દ્વારા કવાર્ટર આપ્યા હતા : વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવ્યો

રાજકોટ,તા. ૧૪ : ખોડિયારનગરમાં ડીમોલેશનના અસરગ્રસ્ત પરીવારજનોને વૈકલ્પિક આવાસ ફાળવવા અંગે યોગ્ય કરવા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત કરી હતી.

મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ રાજકોટ મ્યુ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ગઇકાલે તા.૧૩/૦૭/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૩ના ખોડિયારનગર વિસ્તારમાં ટી.પી. રોડ ખુલ્લા કરવાની કામગીરીમાં માનવતા ને નેવે મુકીને મહાનગરપાલિકાએ ભર ચોમાસે ડીમોલેશન કરેલ છે.

વધુમાં ભાનુબેને જણાવ્યું હતુ કે, ટી.પી. રોડ ખુલ્લો કરવો એ મહાનગરપાલિકાની રૂટીન કામગીરી છે. પરંતુ, નાના માણસોના મકાનોનું ભર ચોમાસે ડીમોલેશન કરવામાં મહાનગરપાલિકાના તંત્ર એ સંવેદનશીલતા દાખવવી જોઈએ તેમજ સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ બને ત્યાં સુધી ચોમાસા દરમ્યાન ડીમોલેશન ન કરવું જોઈએ અને ડીમોલેશન કરતા પૂર્વે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ સ્થળે વર્ષોથી રહેતા પરિવારજનોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવી એ અત્યંત આવશ્યક છે ત્યારે આ ડીમોલેશનમાં અસરગ્રસ્ત પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલા આવાસયોજનાના કવાટરની સોંપણી કરી વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

અગાઉ ટી.પી. -૭ ના રોડ ખુલ્લા કરવામાં આવેલ હતા ત્યારે પૂર્વ મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા આ અસરગ્રસ્ત પરિવારોને મોટા પ્રમાણમાં આવાસો ફાળવવામાં આવ્યા હતા એ જ પ્રમાણે આ તમામ અસરગ્રસ્ત પરિવારોને આવાસ યોજનાના કવાટર ફાળવશો તેવી વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ માંગણી કરી છે.

(3:29 pm IST)