Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સિવિલ હોસ્પિટલમાંથી એક મહિના પહેલા ગૂમ થયેલા ગિરીશભાઇ તન્નાનો કોઇ પત્તો નથી

કેવડાવાડીના વૃધ્ધ ઘરેથી આટો મારવા નીકળતાં પડી જતાં ઇજા થઇ હોઇ કોઇએ સિવિલમાં ખસેડ્યા હતાં: બહારગામથી આવી સગા ત્યાં પહોંચ્યા એ પહેલા તેઓ નીકળી ગયા'તા

રાજકોટ તા. ૧૪: કેવડાવાડી-૪ (ગુંદાવાડી)માં વિનુભાઇ આહિરના મકાનમાં ભાડેથી રહેતાં ગિરીશભાઇ પરષોત્તમભાઇ તન્ના (ઉ.વ.૬૫) નામના લોહાણા વૃધ્ધ તા. ૧૩/૬/૨૧ના વહેલી સવારે સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગના ચોથા માળે સર્જીકલ વિભાગમાંથી નીકળી ગયા બાદ ગૂમ થયા હતાં. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં ૨૫/૬ના રોજ ગિરીશભાઇના પત્નિ અનસોયાબેન  (ઉ.વ.૫૦)એ પ્ર.નગર પોલીસમાં ગૂમ થયાની જાણ કરી છે.

પરિવારજનોના કહેવા મુજબ બધા બહારગામ હતાં ત્યારે ગિરીશભાઇ ઘરેથી બહાર આટો મારવા નીકળતાં પડી ગયા હતાં અને પગમાં ઇજા થઇ હતી. જેથી કોઇએ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. બીજા દિવસે બધા રાજકોટ આવ્યા ત્યારે તેઓ સિવિલમાં દાખલ હોવાની જાણ થતાં ત્યાં ગયા હતાં. પરંતુ તેઓ ૧૩મીએ વહેલી સવારે જ હોસ્પિટલના વોર્ડમાંથી નીકળી ગયાની ખબર પડી હતી.

ગિરીશભાઇના જમણા હાથના કાંડા ઉપર ખોડિયાર માતાની મુર્તિ ત્રોફાવેલી છે. તેમજ હાથથી નીચેના ભાગે ઓમ ત્રોફાવેલુ છે. તે ગૂમ થયા ત્યારે પીળો શર્ટ અને કોફી પેન્ટ પહેરેલા હતાં. તસ્વીરમાં દેખાતા ગિરીશભાઇ કોઇને જોવા મળે તો પ્ર.નગર પોલીસને ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ અથવા સગાને મો. ૯૯૦૯૯ ૨૭૯૯૯ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(12:41 pm IST)