Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મોટામવાના લેન્ડ ગ્રેબીંગના ગુનામાં પકડાયેલ આરોપીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન પર છોડવા આદેશ

રાજકોટ,તા. ૧૪ : મોટામવાના લેન્ડગ્રેબીંગના ગુન્હામાં આરોપીઓનો જામીન ઉપર છુટકારો ગુજરાત હાઇકોર્ટ ફરમાવેલ છે.

રાજકોટમાં રહેતા અશ્વિન ધીરૂભાઈ પરસાણાને આરોપી કેતન પરસોતમભાઈ વોરા સાથે મીત્રતા હોય અને આ અશ્વિનભાઈની ખેતીની જમીન મોટામવાના રે.સ.નં. ૧૩૫ પૈકી ૧ માં આવેલ હોય અને તેની બાજુમાં લાગુ સરકારી ખરાબો રે.સ.નં. ૧૮૦ પૈકીની જમીન આવેલ હોય જે જમીન પોતાના નામે કરવા માટે કેતનભાઈ વોરાનો સંપર્ક કરેલ આ કેતનભાઈએ અશ્વિનભાઈને બહાદુરસિંહ માનસિંહ ચૌહાણનો સંપર્ક કરાવેલ અને તેઓએ આ સરકારી જમીન અશ્વિનભાઈના નામે ખાતે કરી દેવા માટે ખાત્રી આપેલ હતી.

ઉપરોકત ખરાબો પોતાના નામે કરાવી દેવા માટે આરોપીઓએ અશ્વિનભાઈ પાસેથી કટકે ફુલ રૂ.૭૩,૦૦,૦૦૦/- લઈ લીધેલ હતા અને ઉપરોકત સરકારી ખરાબાના બોગસ ડોકયુમેન્ટ બનાવી અશ્વિનભાઈને આપેલ હતા. જેઓએ આ ડોકયુમેન્ટ બાબતે તપાસ કરાવતા હકીકતે આવા કોઈ ઓર્ડર મામલતદારમાંથી બનેલ ન હતા અને ઉપરોકત આરોપીઓ સાહેદ અશ્વિનભાઈના પૈસા લઈ અને ખોટા બોગસ ડોકયુમેન્ટ બનાવી સરકારી ખરાબો પચાવી પાડવા અંગેની અરજી અશ્વિનભાઈએ રાજકોટના કલેકટર સાહેબ સમક્ષ કરતા જેમાં મામલતદારશ્રીએ તપાસ કર્યા બાદ આરોપી કેતન પરસોતમભાઈ વોરા, બહાદુરસિંહ માનસીંગ ચૌહાણ વિરૂધ્ધ લેન્ડગ્રેબીગ અંગેની ફરીયાદ કરવાનો હુકમ કરેલ હતો. જે બાબતે મામલતદારશ્રી રાજકોટ દ્વારા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં આરોપીઓની ધરપકડ થયેલ હતી. તેમજ તેમાં અન્ય આરોપીઓ અમીત બહાદુરસિંહ ચૌહાણ, જયેશ નાગજીભાઈ ચૌહાણની સંડોવણી ખુલતા તેઓની પણ ધરપકડ કરવામાં આવેલ હતી, અને ત્યારબાદ તેમાં તપાસ કરનાર અધિકારીએ તપાસના અંતે ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલ હતું.

ઉપરોકત ગુન્હામાં ચાર્જશીટ થતા આરોપી બહાદુરસિંહ માનસીંગ ચૌહાણ તથા અમીત બહાદુરસિંહ ચૌહાણએ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી સેશન્સ અદાલતે નામંજુર કરતા આરોપી તરફથી નામદાર હાઈકોર્ટમાં જામીન કરવામાં આવેલ હતી. જે જામીન અરજીમાં આરોપી તરફે એ મતલબની રજુઆત કરેલ હતી કે આરોપીઓએ કોઈપણ જાતની રકમ લીધેલ નથી કે કોઈપણ જાતના બોગસ ડોકયુમેન્ટ બનાવેલ નથી અને ખોટી રીતે ફરીયાદ આપીને આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ છે તેમજ આરોપીનો કોઈ ગુન્હાહીત ભુતકાળ નથી તથા આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઈ પુરાવો મળી આવતો નથી તેવી  રજુઆતો આરોપીપક્ષના વકીલશ્રી દ્વારા કરવામાં આવેલ હતી.

ઉપરોકત સંજોગોમાં હાઈકોર્ટ દ્વારા બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતી ધ્યાને લઈ અરજદાર આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં રાજકોટના ધારાશાસ્ત્રી વિરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી. નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, પ્રધ્યુમનસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(11:15 am IST)