Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

તમારા દીકરાને ૩૦ લાખ આપ્‍યા છે તે લઇને જ જશુ કહી વૃધ્‍ધાને ગાળો આપી ઘરમાં ઘુસી બે મહિલાએ તોડફોડ કરી

શકિત સોસાયટીમાં બનાવઃ વૃધ્‍ધાનો સોનાનો ચેઇન તોડી નાખ્‍યોઃ પાર્કિંગમાં લસણના સુંડલા, લોટ ભરેલા ડબ્‍બાઓ ઢોળી નાખ્‍યાઃ વૃધ્‍ધ વિજયાબેન ભલસોડની ફરીયાદઃ ભારમલની પત્‍ની અને એક અજાણી મહિલા સામે ગુન્‍હો

રાજકોટ તા. ૧૪ : થોરાળામાં સરદાર સ્‍કુલ પાછળ શકિત સોસાયટીમાં ‘તમારા દીકરાને ૩૦ લાખ આપ્‍યા છે. તે પાછા આપો લઇનેજ જશુ' કહી વૃધ્‍ધા અને તેની પુત્રવધુને બે મહિલાઓ ગાળો આપી ઘરમાં ઘુસી તોડફોડ કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ થોરાળામાં શકિત સોસાયટી શેરી નં.૧૪માં રહેતા વિજયાબેન ભીખાભાઇ ભલસોડ (ઉ.૬૦) એ થોરાળા પોલીસ મથકમાં ભારમલની પત્‍ની અને એક અજાણી મહિલા સામે ફરીયાદ નોંધાવી છે વિજયાબેન ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતાને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાં સૌથી મોટો મનિષ (ઉ.૩૮) જે પાંચ વર્ષથી ચાલ્‍યો ગયો છે તેની પત્‍ની અને બે બાળકો સાથે રહે છે. પતિ ઇંટોનો ભઠ્ઠો ચલાવે છે ગઇકાલે પોતે પોતાના ઘરે પાર્કિંગમાં કપડા ધોતા હતા. તે દરમ્‍યાન બે મહિલાઓ તેણે બુરખા પહેરેલા હતા બંને ઘરની ડેલી ખોલી કાંઇ કહ્યા વગર ઉપરના માળે જઇ પોતાના દીકરા મહેશના પત્‍ની રિધ્‍ધિબેનને મહિલાએ તેના મોબાઇલમાં ફોટો બતાવેલ અને કહેલ કે ‘આ ફોટાવાળી વ્‍યકિત તમારે શું થાય છે.'તેમ પુછતા પુત્રવધુએ પોતાને ઉપરના માળે બોલાવેલ જેથી પોતે બંનેને નિચે મોકલવાનું કહેતા બંને મહિલાઓ નીચે આવી હતી. આ બે મહિલાઓ જેમાં એક મહિલા પોતાના દીકરા મનિષના મિત્ર મુર્તુઝા ભારમલની પત્‍ની હતી અને બીજા અજાણી મહિલા હતી. બંનેએ પોતાને તેના મોબાલઇમાં ફોટો બતાવી પુછેલ કે, ‘આ મોબાઇલમાં ફોટો છે તે વ્‍યકિત તમારે શું થાય છ.ે' જેથી પોતે બંને મહિલાઓને ‘તમારે શું કામ છે' તેમ પુછતા બંને મહિલાઓએ પોતાને અને પુત્રવધુને ગાળો આપવા લાગેલ અને ઝપાઝપી કરી ઢીકા પાટુનો મારમારી પોતે ગળામાં પહેરેલો સોનાનો ચેઇન તોડી નાખ્‍યો હતો. આ દરમ્‍યા પોતાનો ભત્રીજો વિજય ભલસોડ બાજુમાં રહેતો હોઇ તેની ઓફીસમાં જતા તેણે અવાજ સાંભળી ઘરે આવી ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસ બોલાવેલ તે દરમ્‍યાન પોતાના દેરાણી જયશ્રીબેન તથા બાજુમાં રહેતા જેઠના દીકરાના વહુ દક્ષાબેન અરવિંદભાઇ ભલસોડ પોતાના ઘરે આવી ગયા હતા અને આ બંને મહિલાઓએ પોતાને કહેલ કે ‘તમારા દીકરા મનીષને અમે રૂા.૩૦,૦૦,૦૦૦ આપેલ છે જે રૂપિયા અમારા પાછા આપો જે અમો લઇનેજ જશુ' તેમ કહી મકાનના પાર્કિંગમાં લસણના સુંડલા તોડી નાખી લસણ ઢોળી નાખેલ અને લોટના ડબ્‍બામાંથી લોટ ઢોળી નાખી તેમજ પાણીની નળી પણ જેમ તેમ ફગાવી નાખી હતી.
 અને કહેલ કે ‘જો રૂપિયા નહી આપો તો ૧૦૦ માણસોને લઇ સાંજના સમયે પાછા આવીશું અને તમને માર મારીશું' તેમ કહેલ આ દરમ્‍યાન શેરીમાં માણસો  ભેગા થઇ જતા બંને મહિલાઓ એક જી.જે.૩ જે.બી.૬૬૧૧ નંબરના સ્‍કુટરમાં નાશી ગયા હતા. બાદ પોતે થોરાળા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બંને મહિલાઓ વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરી પી.એસ.આઇ. એન.બી. ડાંગરે તપાસ હાથ ધરી છે.

 

(4:10 pm IST)