Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રેકોર્ડ તુટયો

રાજકોટ મેરેથોનમાં ૬૮,ર૭૦ દોડશેઃ ૪ કેટેગરીના અલગ રૂટઃ ર૧,૦૦૦ કીટ અપાઇ

ફુલ મેરેથોન (૪ર કિ.મી.)માં ૧૬૦, હાફ મેરેથોન (ર૧ કિ.મી.)માં ર૩૦૦, ૧૦ કિ.મી. દોડમાં ૪પ૦૦ અને પ કિ.મી.ની ફન રનમાં સૌથી વધુ ૬૦,૦૦૦ વ્યકિતઓ દોડશેઃ ૧૩૦૦ દિવ્યાંગો પણ જોશભેર જોડાયા

રાજકોટ તા.૧૪ : મ્યુ.કોર્પોરેશન અને શહેર પોલીસના સંયુકત ઉપક્રમે આગામી તા.૧૮ને રવિવારે યોજાનાર મેરેથોન દોડમાં આજે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે ત્યારે મેરેથોનમાં ભાગ લેવા માટે બપોર સુધીમાં રેકોર્ડબ્રેક ૬૮,ર૦૦ વ્યકિતઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે તેમ મ્યુ.કમિશ્નર બંછાનીધિ પાનીએ જાહેર કર્યુ છે.

કમિશ્નરશ્રી બંછાનીધિ પાનીએ રજીસ્ટ્રેશનની વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે ગત વર્ષે મેરેથોનમાં ૬૭૦૦૦નું રજીસ્ટ્રેશન થયેલ તેની સામે આ વખતે ૬૮,ર૦૦ લોકોએ ઉત્સાહભેર મેરેથોન દોડવા રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આમ ગત વર્ષનો રેકોર્ડ તુટયો છે.

જેમાં ૪ર કિ.મી.ની ફુલ મેરેથોનમાં ૧૬૦, ર૧ કિ.મી. હાફ મેરેથોનમાં ર૩૦૦ અને ૧૦ કિ.મી. દોડમાં ૪પ૦૦ લોકોએ ત્થા ૫ કિ.મી. ફનરનમાં સૌથી વધુ ૬૦ હજાર વ્યકિતઓના રજીસ્ટ્રેશન થયા છે. એટલુ જ નહી ૧૩૦૦ દિવ્યાંગો પણ જુસ્સાભેર આ મેરેથોનમાં જોડાયા છે.

કમિશ્નરશ્રીએ જણાવેલ કે રજીસ્ટ્રેશન કરાવનાર દરેક વ્યકિતને ટી-શર્ટ, ટોપી નંબર સહિતની કીટ મળી જાય તે માટે આયોજનબધ્ધ રીતે કીટનું વિતરણ થઇ રહ્યુ છે અને ૨૧૦૦૦ લોકોને કીટનું વિતરણ થઇ ગયુ છે.

૯૧ સ્થળોએ ચિયરીંગ પોઇન્ટ

મેરેથોનના દોડવીરોનો જુસ્સો વધારવા માટે સ્કુલના બાળકો ત્થા વિવિધ સંસ્થાઓના સહયોગથી મેરેથોન રૂટ ઉપર ૯૧ જેટલા ચિયરીંગ પોઇન્ટ ઉભા કરાશે.

જેમાં ફુલ મેરેથોનમાં ૬૧ ત્થા પ કિ.મી.ની દોડમાં ૩૦ ચિયરીંગ સ્ટેશન રાખવામાં આવશે તેમ કમિશ્નરશ્રીએ જણાવેલ.

રૈયા ચોકડીથી ત્રણ કેટેગરીના રૂટ અલગ પડી જશે

રાજકોટઃ મેરેથોન દોડની ચાર કેટેગરીના રૂટ અલગ-અલગ રહેશે. જેમાં ૧૦, ર૧, ૪ર કી.મી.ની દોડમાં રૂટ રૈયા ચોકડીથી ફરી જશે. રૂટની વિગતો આ મુજબ છે.

૧૦ કી.મી. રૂટ

રૈયા ચોકડીથી સ્ટર્લીંગ હોસ્પીટલ, શિતલ પાર્કથી જામનગર રોડ સાંઢીયા પુલ પરથી પોલીસ કમિશનર બંગલો થઇને ઇન્દોર સ્ટેડીયમ સમાપન થશે. જેનો વેલેડીટી ટાઇમ ૧.પ૦  કલાકનો રહેશે.

ર૧ કી.મી.નો રૂટ

રૈયા ચોકડીથી નાના મૌવા સર્કલ, આંબેડકરનગરથી પરત શાસ્ત્રીનગર થઇને ૧પ૦ ફુટ રીંગ રોડ પર ઓવરબ્રીજ પર થઇને શિતલ પાર્કમાંથી જામનગર રોડ, સાંઢીયા પુલ થઇને રૂડા કચેરી , પોલીસ કમિશ્નર બંગલો થઇને એથ્લેટીક ગ્રાઉન્ડમાં પુર્ણ થશે.

૪ર કી.મી. નો રૂટ

 રૈયા ચોકડીથી ભીલ ચોક, (આંબેડકરનગર) થી અંબિકા ટાઉનશીપથી સ્પીડવેલ પાર્ટી પ્લોટથી મવડી પોલીસ હેડ કવાર્ટર પાસેથી બીજા રીંગ રોડ ઉપર અને ત્યાંથી મવડી, કણકોટ રોડ, એન્જીનીયરીંગ કોલેજથી કોસ્મોપ્લેકસ ચોકડીથી જામનગર હાઇવે ઘંટેશ્વર થઇને રૂડા કચેરીથી પોલીસ કમિશ્નર બંગલાથી એથ્લેટીક ગ્રાઉન્ડમાં આ દોડ પુર્ણ થશે. આ દોડનો વેલીડીટી ટાઇમ-૬ કલાકનો રહેશે.

આ ત્રણેય દોડનાં સ્પર્ધકો માટે સવારે  રેસકોર્ષથી મેયર બંગલે થઇને કિશાનપરા ચોક હનુમાન મઢીથી  રૈયા ચોક સુધી એકજ  રહેશે ત્યાંથી રૂટ ફરશે.

પ કી.મી. ફન રન

રેસકોર્ષ ગ્રાઉન્ડથી પોલીસ હેડ કવાટર્સ, રોટરી સર્કલ, અકિલા ચોક (જીલ્લા પંચાયત) ટાગોર રોડ ફરી અકિલા ચોક ખાતે થઇ ફન વર્લ્ડના ગ્રાઉન્ડમાં પુર્ણ થશે.

પ્રારંભનો સમય

૪ર કિ.મી. સવારે પ.૧પ, ર૧ કિ.મી. પ-૩૦, ૧૦ કિ.મી. પ.૪૦, પ કિ.મી. પ.પ૦ આ સમય મુજબ તમામ દોડનો પ્રારંભ થશે.

મેરેથોનમાં શું કરવુ, શું ન કરવુઃ માર્ગદર્શન જાહેર

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તથા સ્ટલિઁગ હોસ્પિટલ દ્વારા વિસ્તૃત માહિતી અપાઇ

રાજકોટઃ મેરેથોન માટે મહત્વપૂર્ણ બાબતોને સાંકળી લેતી એક ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા મેડીકલ પાર્ટનર સ્ટર્લિગ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે.

જેમાં શંુ કરવુ,શું ન કરવુ તેની વિસ્તૃત માહિતી આપવામાં જણાવેલ છે. જે નીચે મુજબ છે

આટલું અચુક કરો.

 અગાઉથી યોગ્ય પ્રેકટીસ કરવી જોઇએ તથા દરરોજ અડધો કલાક દોડવાનું રાખવું જોઇએ.

 દોડવાની શરૂઆત કરતા પહેલા વોર્મઅપ માટેની કસરતો તથા નિયમિત શ્વાસો શ્વાસની ક્રિયા ખાસ કરીને નાક દ્વારા શ્વાસ લઇને મોઢા દ્વારા બહાર કાઢવાની ક્રિયા કરવી જોઇએ.

 દોડવાનું પુરૂ કર્યા બાદ યોગ્ય કસરતો કરવી જોઇએ.

 શરીરના વિવિધ ભાગો પર વેસેલીન લગાડવું જેથી દોડતી વખતે શરીરના ભાગો વચ્ચે થતા ઘર્ષણના લીધે થતી નાની-મોટી  

    ઇજાઓ ટાળી શકાય. (પગની આંગળીઓ વચ્ચે પણ વેસેલીન લગાવી શકાય.)

 જયારે દોડ શરૂ કરો ત્યારે દોડના પ્રથમ ચરણમાં ધીમા અને સમતોલ પગલા ભરો પરંતુ બીજા ચરણમાં તમારી અનુકુળતા

    મુજબ તમારી ઝડપ વધારી શકો છો.

 દોડની તૈયારીના ભાગ રૂપે છેલ્લા અઠવાડીયામાં હાઇ પ્રોટીન-હાઇ કેલેરીવાળો ખોરાક (કઠોળ, દૂધની આઇટમો,શીંગ,ગોળ વગેરે)વધારે પ્રમાણમાં લેવો.

 દોડના આગલા દિવસે પ્રવાહી ખોરાક વધારે લેવો.

 દોડની કલાક પહેલા આશરે ૩૦૦-૪૦૦ એમ.એલ.પાણી પીવુ જોઇએ.

 દોડતી વખતે પોચા/ગાદીવાળા બુટ પહેરવા ઇચ્છનીય છે.

 જો કોઇ વ્યકિત હૃદયરોગ, ડાયાબીટીસ, આર્થરાઇટીસ, ફેફસા-છાતી કે અન્ય કોઇ ગંભીર બિમારીથી પીડિત હોય અથવા ઓપરેશન કરાવેલ હોય તેઓએ દોડમાં ભાગ લેવા પહેલા પોતાના ફેમેલી ડોકટરની સલાહ લઇને જ મેરેથોનમાં ભાગ લેવો જોઇએ.

અકળામણ, બેચેની, છાતીમાં દુઃખાવો, વધુ પડતો શ્વાસ ચડવો વગેરે જેવી કોઇ પણ તકલીફ જણાયતો તરત જ દોડવાનું બંધ કરી, બેસી જવુ તથા આરોગ્ય ટીમની સલાહ પ્રમાણે કરવું.

 આટલું અચુક ટાળો

 દોડતી વખતે પહેલા પગની પેની ન માંડો.

 ઝડપથી દોડવાની બદલે એક સરખી ગતિથી દોડવાનું રાખો.

 દોડતા પહેલા કે દોડ દરમિયાન ખુબ જ વધારે પ્રમાણમાં પાણી પીવાનું ટાળો.

 વધારે પડતા થાકી જવાય એ રીતે દોડવાનું ટાળો.

 કોઇપણ પ્રકારના માદક પીણા કે પછી ધુમ્રપાન કરવાનું ટાળવું.

(8:10 pm IST)