Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

લેખક-કોલમીસ્ટ જય વસાવડાના નામે ભાજપના નેતાઓ વિશે એલફેલ લખાયેલો લેખ વાયરલ કરાયોઃ ગુનો નોંધાયો

ભાજપને ૫૦થી પણ ઓછી સીટો મળશે તેવો પણ ઉલ્લેખઃ મુળ અમદાવાદના પત્રકારે ફેસબૂક પર મુકેલા લેખમાં જય વસાવડાનું નામ જોડી વ્હોટ્સએપના ગ્રુપમાં વહેતો કરાયોઃ માલવીયાનગર પોલીસે ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી : લેખક ૨૨ વર્ષથી કોલમ લખે છેઃ ૧૫ પુસ્કતો લખ્યા છે અને ૨૨ દેશમાં ૨૦૦૦થી વધુ પ્રવચનો કર્યા છેઃ વાચક વર્ગ, જનતામાં ગેરસમજ પેદા થાય તેવુ કૃત્ય કરાયાની ફરિયાદ

રાજકોટ તા. ૧૩: જાણીતા કોલમીસ્ટ, લેખક અને વકતા જય વસાવડાના નામે કોઇએ વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ભાજપના અગ્રણી નેતાઓ વિશે એલફેલ લખેલો વ્હોટ્સએપ પર વહેતો કરી દેતાં આ મામલે પોલીસે ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

માલવીયાનગર પોલીસે અમીન માર્ગ નાલંદા પાર્ક સોસાયટી શેરી નં. ૪ ગુજરાત ફલેટ નં. ૩૦૨માં રહેતાં જય લલીતભાઇ વસાવડા (ઉ.૪૪)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ તથા તપાસમાં ખુલે તેની સામે ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ સને ૨૦૦૮ની કલમ ૬૬ (સી) (ડી) મુજબ ગુનો નોંધ્યો છે.

જય વસાવડાએ એફઆઇઆરમાં લખાવ્યું છે કે હું બાવીસ વર્ષથી ગુજરાત સમાચારમાં કોલમ લખવાનું કામ કરુ છું. તેમજ લેખક તરીકે ૧૫ પુસ્તકો અને ૨૨ દેશોમાં ૨૦૦૦થી વધુ પ્રવચનો કર્યા છે. ગત ૬-૧૨-૧૭ના મને મારા ઓળખીતા મુંબઇના દિલીપભાઇ પટેલે ફોનથી જણાવેલ કે જય તમારા નામનો ઉપયોગ કરીને વ્હોટ્સ એપ ઉપર એક લેખ ફરતો કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના અગ્રણી નેતાઓ નરેન્દ્રભાઇ મોદી, અમિત શાહ, વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલ, જીતુભાઇ વાઘાણી સહિતનાઓ વિશે એલફેલ લખેલુ છે. તેમજ ભાજપ પક્ષની ટીકાઓ કરેલી છે. ભાજપને ૫૦થી પણ ઓછી સીટો મળશે તેવી આગામી પણ કરવામાં આવી છે. આ લેખ દિલીપભાઇએ મને મારા વ્હોટ્સએપમાં ખરાઇ કરવા માટે મોકલતાં મેં વાંચ્યો હતો. આ લખાણ વાંચ્યા પછી આ લેખ કોણે લખેલ છે તે બાબતે મારી રીતે તપાસ કરતાં જાણવા મળેલ કે અમદાવાદના કોઇ પત્રકાર દિલીપ પટેલે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર તે પોસ્ટ કરેલ હતો.

એ લેખમાં  લખનાર તરીકે કપટ પૂર્વક રીતે મારું નામ લખી મારી લેખક-વકતા તરીકેને આગવી ઓળખનો ઉપયોગ કરી મારા વાચક વર્ગ તથા આમ જનતામાં ગેરસમજ પેદા થાય તે હેતુથી કોઇ અજાણ્યા ઇસમે ફેસબૂક પરથી લેખ ઉઠાવી વ્હોટ્સએપ પર આ લેખ મારા દ્વારા લખાયો ન હોવા છતાં મારી ઓળખનો ઉપયોગ કરી વાયરલ કરી બહોળા પ્રમાણમાં વિવિધ ગ્રુપોમાં ફેલાવી છેતરપીંડી કરી છે. 

માલવીયાનગરના પી.આઇ. એમ. ડી. ચંદ્રાવાડીયા, રાઇટર પરેશભાઇ જારીયા, જાવેદભાઇ રિઝવી, અરૂણભાઇ સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:35 am IST)