Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

યાજ્ઞિક રોડ પર બિલ્ડરની ઓફિસમાંથી રિવોલ્વર કારટીસ સાથેની તિજોરીની ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલ્યો: મૂળ ખોડાપીપરના કૌશલ પીપળીયાની કાર સાથે ધરપકડ

8મીએ ચોરી કરવા નીકળ્યો ત્યારે શ્રોફ રોડના મકાનની બારીમાંથી કારની ચાવી મળેલી, કારમાંથી ઓફિસની ચાવી મળતા પાછી મૂકી દીધી: બીજી રાતે ફરી બારીમાંથી ચાવી લઈ કાર ખોલી તેમાંથી ઓફિસની ચાવી કાઢી ચોરી કરી'તી : પીઆઇ વી. જે. ચાવડા તથા ટીમની કામગીરી: કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી તથા પો.કોન્સ. જયપાલભાઈ બરાળીયાની બાતમી

રાજકોટ: શહેરના યાજ્ઞિક રોડ પર વિરલ કોમ્પ્લેક્સમાં આવેલી બિલ્ડર ભાવિન ભલોડિયાની ઓફિસમાંથી પરવાનાવાળી રિવોલ્વર અને છ કારટીસ સાથેની ડિજીટલ તિજોરીની ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી કૌશલ રમેશભાઈ પીપળીયા- પટેલ (ઉવ.૨૩ ઘંઘો. અભ્યાસ રહે. કોઠારીયા મેઈન રોડ દેવપરા વિવેકાનંદ નગર શેરી નં. ૨ વિશાખા એપાર્ટમેન્ટ ફલેટ નંબર ૨૦૧ રાજકોટ મુળ રહે. ખોડાપીપર ગામ તા.પડધરી જી.રાજકોટ)ને કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી તથા પો.કોન્સ. જયપાલભાઈ બરાળીયાને મળેલ સંયુકત બાતમી આધારે રાજકોટ-ભાવનગર હાઈવે રોડ પર ઢાંઢણી ગામના પાટીયા પાસેથી પકડી લેવાયો છે. 

આ શખ્સ એસેન્ટ કાર નંબર GJ-06-DG-4514માં રિવોલ્વર કારટીસ સાથે નીકળ્યો હોઈ કાર પણ કબ્જે કરવામાં આવી છે.

કૌશલ પીપળીયાએ પૂછતાછમાં જણાવ્યું હતું કે તા. ૦૮/૦૮/૨૦૨૧ના રોજ રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ પોતે ચોરી કરવા નીકળેલ હતો અને અક્ષર માર્ગ પાસે એક મકાનમાં જતા બારી ખુલી હોય જેથી બારીમાં જોતા ક્રેટા ફોરવ્હીલ કારની ચાવી પડેલ હોઇ જેથી પોતે વીચારેલ કે મોટુ જોખમ નથી લેવુ અને ગાડીમાંથી જે મળે તે લઈને નીકળી જાવ. તેમ નકકી કરી પોતે ફોરવ્હીલ કાર ક્રેટા ગાડીનો દરવાજો ખોલી જોતા તેમાં બીજી ત્રણ ચાર ચાવીઓ પડેલ હોય જેમાં અલગ અલગ નામ લખેલ હોય અને ઓફીસની ચાવીઓ હોય તેવુ લાગતા પોતે વિચારેલ કે ઓફીસમાંથી રાત્રી દરમ્યાન જઈ અને ઓફીસમાંથી કોઈ મોટી વસ્તુ મળે તેની ચોરી કરી લઈશ.

આવો વિચાર કરી ગાડીની ચાવી બારી પાસે મુકી જતો રહેલ અને બીજા દિવસે ઉપરોકત ક્રેટા ગાડીના માલીક પોતાના ઘરેથી નીકળતા તેની પાછળ પાછળ ગયેલ અને આ ક્રેટા ગાડીના માલીક યાજ્ઞીક રોડ ખાતે આવેલ વિરલ બીલ્ડીંગમાં ત્રીજા માળે વીરલ ડેવલપર્સ નામની ઓફીસમાં ગયેલ હોઇ જેથી પોતે ફરી વખત તા. ૦૯/૦૯/૨૦૨૧ના રોજ રાત્રી ત્રણેક વાગ્યાની આસપાસ ઉપરોકત મકાનમાં ગયેલ અને ફરી વખત તે મકાનની બારી ખુલી હોઇ અને બારી પાસે ક્રેટા ગાડીની ચાવી પડેલ હોઇ જેથી ક્રેટા ગાડીની ચાવી લઈ ગાડીનો દરવાજો ખોલેલ અને તેમાં ઉપરોકત ચાવીઓ પડેલ તે ચાવીઓ લઈ લીધેલ અને પોતે અગાઉથી ઉપરોકત ગાડી માલીકની ઓફીસની રેકી કરેલ હોઇ જેથી યાજ્ઞીક રોડ ખાતે વિરલ બીલ્ડીંગમાં વિરલ ડવલપર્સ નામની ઓફીસમાં ગયેલ અને ઓફીસમાં રહેલ તીજોરીની ચોરી કરી લીધેલ. ત્યારબાદ તેને તોડી જોતા તેમાં એક રીવોલ્વર તથા છ જીવતા કાર્ટીસ પડેલ હોઇ તેની ચોરી કરીને ત્યાંથી નીકળી ગયેલ હોવાની કબૂલાત આપી હતી. આમ એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ગુનાનો ભેદ ખુલ્યો હતો.

પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવીણ કુમાર મીણા તથા મદદનીશ પોલીસ કમીશનર પુર્વ વિભાગ એચ એલ. રાઠોડની સૂચના મુજબ આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી. જે. ચાવડા તથા પો.સબ. ઈન્સ. એમ.ડી.વાળા તથા એ.એસ.આઈ. યશવંતભાઈ ભગત તથા પો.હેડ.કોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા શૈલેષભાઈ ગઢવી તથા જયપાલભાઈ બરાળીયા તથા ઉમેદભાઈ ગઢવીએ કરી છે.

(9:43 pm IST)