Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મેઘરાજાએ બાનમાં લીધુ રાજકોટ : ૩ હજારથી વધુનું સ્થળાંતર : તંત્ર ઉંધા માથે

લલ્લુડી વોકડી - હાથીખાના - ભવાનીનગર - જંગલેશ્વર - એકતા કોલોની સહિતના વિસ્તારોમાં ફાયરબ્રિગેડનું રાહત બચાવકાર્ય શરૂ : હાથીખાનામાં કોંગ્રેસના રણજીત મુંધવાએ અનેક લોકોનું સ્થળાંતર તંત્રના સહયોગથી કરાવ્યું

રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં આજે સવારે પાણી ભરાતા ૩ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું તે વખતની તસ્વીરમાં લલ્લુડી વોંકળીમાંથી લોકોને ઘરવખરી સાથે સલામત સ્થળે લઇ જવાયેલ તે દર્શાય છે. નીચેની તસ્વીરમાં કોંગ્રેસના અગ્રણી રણજીત મુંધવા સહિતના કાર્યકરોએ હાથીખાનામાંથી અનેક લોકોનું સ્થળાંતર કરાવેલ તે દર્શાય છે. શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા પણ લોકોની મદદે દોડી ગયેલ તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩ : શહેરમાં મેઘરાજા સતત અનરાધાર વરસી રહ્યા છે ત્યારે ચોતરફ જળસામ્રાજ્ય સર્જાયું છે. આ સ્થિતિમાં મ.ન.પા.ના તંત્રવાહકો ઉંધામાથે બચાવ કાર્યમાં લાગી ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાંથી ૩ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરી તેઓના રહેવા - જમવાની વ્યવસ્થા કરાવી હતી.

મ.ન.પા.ની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ શહેરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફિલ્ડમાં ફરજ બજાવી રહયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ ૧૦૯૦ જેટલા લોકોને સલામત સ્થળે શિફટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્થળાંતરીત લોકો માટે શ્રી બોલબાલા ટ્રસ્ટનાં સાથસહકાર સાથે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા રહી આવશ્યક કામગીરી માટે સંબંધિત ઈજનેરો અને વહીવટી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. કમિશનરશ્રીએ લલુડી વોંકળીના નીચાણવાળાં વિસ્તારો, ભગવતીપરા, રામનાથપરા જૂની જેલ પાસેના વિસ્તારો, ચુનારાવાડ, જંગલેશ્વર વગેરે વિસ્તારોમાં રાઉન્ડ લઈ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી હતી.

આજે બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં શહેરના ઈસ્ટ ઝોનમાં ભગવતીપરા, માલધારી સોસાયટી, સાગરનગર સોસાયટી, એકતા કોલોની અને કોઠારિયા ચોકડી પાસેના વિસ્તારમાંથી કુલ ૭૮૦ જેટલા લોકોનું અનુક્રમે ભગવતીપરામાં શાળા નં. ૪૩, પ્રદ્યુમન પાર્ક પાસે શાળા નં. ૯૭, જંગલેશ્વરમાં શાળા નં. ૭૦ અને તિરૂપતિ પ્રા. શાળા, કોઠારિયા ગામ રોડ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

જયારે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર ૧૪ના લલુડી વોંકળીના નીચાણવાળાં વિસ્તારો, રામનાથપરાના વિસ્તારોમાંથી આશરે ૩૭૫ લોકોનું સુથાર લોહાર કોમ્યુનિટી હોલ, આંગણવાડી સેન્ટર નંબર ૬૦ અને ૬૧ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં બીજા રિંગ રોડ પર કટારીયા ચોકડી પાસે લક્ષ્મીના ઢોરા આંબેડકરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ૧૦૦ લોકોનું નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરાયું છે.

ઉપરાંત જંગલેશ્વરની એકતા કોલોનીના ૨૦૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું.

શહેરનાં લલુડી વોકળીનો આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. મકાનોમાં ૫-૫ ફૂટ સુધી પાણી ભરાતા લોકો ઘરમાં જ ફસાયા છે. ત્યારે ફાયર અને પોલીસ વિભાગ દ્વારા રસ્તા પર માથાડૂબ પાણીમાં દોરડા વડે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

આજી નદી ગાંડીતૂર બનતા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા

રાજકોટ શહેરમાં ગઇકાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે જે બંધ થવાનું નામ જ લેતો નથી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની હાલત બહુ જ કફોડી બની છે. તેમજ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ફાયર અને પોલીસ વિભાગે રેસ્કયૂ ઓપરેશન તેમજ સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરી કેવડાવાડી નજીક લલુડી વોકળી વિસ્તારમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા દોરડા બાંધી ૨૫ લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે. આજી નદીના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે. આજી નદી ગાંડીતૂર બનતા રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા.

ગાયત્રીનગરમાં પાણી પાણી

અધિકારીઓ દ્વારા જવાબદારીની ફેંકાફેકી થતા બેદરકારીની અને પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના આગેવાને એક પણ પલનો વિચાર કર્યા વિના અને અધિકારીઓની રાહ જોયા વિના અનેક લોકોને બચાવ્યા છે. હજુ પોલિસ સિવાય કોરર્પોરેનનો એક પણ અધિકારી ફરકયા નથી. રાજકોટ વોડ નં.૧૪માં આવેલા હાથીખાના વોકળામાં અધિકારીઓની બેદરકારીને કારણે અનેક લોકો પાણીમાં ફસાયા છે. હાલ ૫૦થી વધારે લોકોને વોકળાના પૂરમાથી કાઢી રેસ્કયૂ કરતા કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા સહિતના લોકો અને પોલીસ સ્ટાફ સાથે રેસ્કયૂ કર્યું હતું.

કેવડિયાવાડી વિસ્તારમાં પાણી ભરાયા

ભકિતનગર પોલીસ લોકોની વહારેરાજકોટમાં સૌથી વધુ નીચાણવાળો વિસ્તાર કોઠારિયા અને સોરઠિયાવાડી વિસ્તાર છે. અહીં માથાડૂબ પાણી ભરાયા છે. આથી ભકિતનગર પોલીસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા લોકોની વહારે આવી હતી. આજી નદી બની ગાંડીતૂર બનતા શહેરનો થોરાળાનો જૂનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નવો પુલ ચાલુ અને જૂના થોરાળા વિસ્તારના પુલ પરપાણી ફરી વળ્યા છે. પુલની ગ્રિલ પણ તૂટી ગઇ હતી.

વેલનાથપરામાં પાણી ભરાયા

રસ્તા પર ૪થી ૫ ફૂટ પાણી ભરાતા અસંખ્ય બાઇક અને રિક્ષાઓ બંધ પડતા લોકો પરેશાન બન્યા છે. રાજકોટની ખોખળદળ નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. ખોખળદડ નદીમાં પૂર આવતા પૂરના પાણી ઘરમાં ઘૂસ્યા છે.વેલનાથપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ખોખળદડ નદીમાં પૂર આવતા લોકોના ઘરમાં ૪ ફૂટ સુધી પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે રસ્તા પર ૩થી ૪ ફૂટ પાણી ભરાયા હતા.

(4:48 pm IST)