Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.ના સાંનિધ્યે તપસ્વી પારણા અવસર સંપન્ન

પરમ ગુરુદેવની પ્રેરણાથી દેશ-વિદેશના ૭૫૦ થી વધુ ભાવિકોની તપ આરાધના

રાજકોટઃ તા.૧૩: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે દેશ-વિદેશના લાખો ભાવિકોની દાન, શીલ, તપ અને ભાવની સુંદર સાધના આરાધના સાથે દીપી ઉઠેલા ગ્લોબલ પર્વાધિરાજ મહાપર્વની સાર્થક સંપન્નતા બાદ તપસ્વી ભાવિકોનો પારણા અવસર આયોજિત કરવામાં આવ્યો હતો.

પરમ ગુરુદેવની પ્રેરણાથી પર્વાધિરાજ પર્વને વધાવતા દેશ-વિદેશના ૭૫૦થી વધુ ભાવિકોએ કરેલી સિદ્ધિતપ, ધર્મચક્ર તપ, ૨૧ માસક્ષમણ તપ, ૫૨ ઉપવાસ,રત્નરાશિ તપ, ૧૬, ૧૧, ૯ ઉપવાસ અને અઠ્ઠાઈ તપની ઉગ્ર આરાધના તેમજ ૫૫૦ બાળકોએ કરેલી દ્રવ્ય તપની આરાધના પરિપૂર્ણ થતાં તપસ્વી પારણા અવસર યોજાયો હતો. જેમાં પ્રત્યક્ષ અને લાઈવના માધ્યમે સહુ તપસ્વી ભાવિકો પારણા કરવા જોડાઈ ગયા હતા.

પોતાના આત્માને સિદ્ધિતપની ઉગ્ર આરાધના દ્વારા ભાવિત કરનારા ૬૯ વર્ષીય પૂજ્ય શ્રી પરમ વિરકતાજી મહાસતીજી તેમજ પૂજ્ય શ્રી પરમ અર્પિતાજી મહાસતીજી એવમ ધર્મચક્ર તપથી પોતાના આત્માને ભાવિત કરનારા પરમ સમાધિજી મહાસતીજી અને પરમ ગરિમાજી મહાસતીજીના પુરુષાર્થની અનુમોદના કરતા આ અવસરે પરમ ગુરુદેવે ઉપસ્થિત સહુને તપસ્વી આત્માઓના દર્શને તપશ્ચર્યાની આરાધનાનો સંકલ્પ કરવા સાથે આત્મશુદ્ધિ કરી લેવાની પાવન પ્રેરણા આપી હતી.

પરમધામમાં પધારેલા દરેક તપસ્વી ભાવિકોના પારણાની અનુમોદનાનો અનન્ય લાભ ઘાટકોપરના છેડા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. ગુરુભકત પ્રફુલભાઈ શાહ પરિવાર, રાજકોટના હિતેનભાઈ મહેતા પરિવાર, તેમજ પરમધામ કમિટી તપસ્વી ભાવિકોની અનુમોદના કરી ધન્ય બન્યા હતા. માસક્ષમણના તપસ્વી ભાવિકોને આ અવસરે ગોલ્ડ કોઇન, તેમજ અન્ય તપસ્વીઓને સિલ્વર કોઈન અર્પણ કરીને અનુમોદના કરવામાં આવી હતી.

(3:52 pm IST)