Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાધાઅષ્ટમીનું શાસ્ત્રોકત મહાત્મ્ય

એક લાખ એકાદશીનું ફળ આપનારૂ વ્રત

શ્રી ભગવાને ધર્મ-ધર્મ માટે ભગવદ ગીતા અધ્યાય-૧૬ શ્લોક ર૩ અને ર૪માં સ્પષ્ટ આજ્ઞા આપી છે. તેથી રાધાઅષ્ટમીના વ્રત વિશે શાસ્ત્રની આજ્ઞા જણવી જોઇએ. પદ્મપુરાણમાં રાધાઅષ્ટમીના વ્રત અને તેના ફળ વિશે માહિતી આપવામાં આવી છે. અહીં તેમાંથી સાવ થોડીક માહિતી અમારી અલ્પ સમજણ મુજબ ભગવદ ભકતો તેમજ શ્રધ્ધાળુઓને ઉપયોગી થાય ફકત તે હેતુથી જ આપી છે.

શાસ્ત્રમાં પ્રમાણ

પદ્મપુરાણ ચોથો બ્રહ્મખંડ અધ્યાય ૭ મો વકતા શ્રી બ્રહ્મા અને સૂતજી મહારાજ શ્રોતા-શ્રી નારદ અને શૌનકાદિ ઋષિઓ કુલ શ્લોક સંખ્યા ૪૪.

રાધાઅષ્ટમીનું વ્રત

ભાદરવા સુદ આઠમ તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૧ ને મંગળવારના દિવસે રાધાઅષ્ટમીનું વ્રત આવે છે આ તિથી દુર્ગાષ્ટમીની તિથી તરીકે પણ ઓળખાય છે.

રાધાઅષ્ટમીના વ્રતનો સમય

ભાદરવા મહિનાની સુદિ આઠમે રાધાઅષ્ટમીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે રાધાજીનું ધરતી પર પ્રાકટય હતું તેથી આને રાધાજીની જન્માષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાધાઅષ્ટમીનું વ્રત

વ્રતના દિવસે ઉપવાસ કરવો, વ્રત કરનારે ચંદન, પુષ્પો, ધૂત, દિપકો, વસ્ત્રો અનેક ફળ વગેરેથી શ્રી રાધાજીની મૂર્તિનું ખુબ ભકિતથી પૂજન કરવુ઼. શ્રી રાધાની સમક્ષ વાંસળી, ઢોલ વગેરે વાજીંત્રો વગાડી ખુબ ભાવથી તેમનું સંકિર્તન કરવુ શ્રી રાધા-કૃષ્ણ ભગવાનના સ્ત્રોત ગાવાશ્રી રાધાની સમક્ષ ભાવપૂર્વક નૃત્યો કરવા એમ શ્રધ્ધા અને શકિત અનુસાર ખુબ ભકિતથી શ્રી રાધાજીની પૂજા અર્ચના કરવી.

રાધાઅષ્ટમીના વ્રતનું ફળ

એક લાખ એકાદશીના પૂણ્યનું ફળ પ્રાપ્ત થાય છે. કરોડો જન્મોથી અકઠું કરેલું બ્રહ્મત્યાદિ પાપ તરત નાશ પામે છે. એક હજાર કન્યાદાનનું ફળ મળે છે. ગંગા વગેરે તિર્થોમાં સ્નાનનું ફળ મળે છે.

આ ઉપરાંત શ્રી બ્રહ્મા નારદજીને કહે છે કે, રાધાઅષ્ટમીના વ્રત અને તેના ફળનું સંપૂર્ણ પુણ્યફળ કહેવાને શ્રી હરિ વિના બીજો કોણ શકિતમાન થાય છે ?

વળી ૧૦૦૦ કન્યાઓનું દાન કરવાથી મનુષ્ટ જે ફળ પ્રાપ્ત કરે છે, તે જ પુણ્ય રાધાષ્ટમીના વ્રતથી મેળવે છે, આ દિવસે ગંગા આદિ તીર્થોમાં સ્નાન કરવાથી જે પૂણ્ય મળે છે. તે જ પૂણ્ય રાધાષ્ટમીના વ્રત કરવાથી મનુષ્ય મેળવે છે.

સંકલન : શ્રી નિશીથભાઇ ઉપાધ્યાય

સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર

મો. નં. ૭૮૭૪ર ૯પ૦૭૪

(3:33 pm IST)