Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

૧૭મી સુધી રાજયભરમાં મેઘરાજાનો સાર્વત્રીક રાઉન્ડ જારી રહેશે

આવતા શુક્રવાર સુધી ૨ ઇંચથી માંડી ૮ ઇંચને પણ વટાવી જાયઃ જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ આ રાઉન્ડમાં પુરી થઇ જશેઃ વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી

રાજકોટઃ તા.૧૩, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સચરાચર વરસાદ ખાબકયો છે. ત્યારે વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે આગામી ૧૭મી સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજયમાં મેઘરાજાનો સાર્વત્રીક રાઉન્ડ ચાલુ રહેશે તેમ જણાવ્યુ છે.

તેઓએ  જણાવેલ કે ગત તા.૬ સપ્ટેેમ્બરના રોજ આપવામાં આવેલી આગાહી મુજબ તા.૭થી ૧૩ સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર - કચ્છ ગુજરાતમાં ૫૦થી ૧૦૦ મીમી અને તીવ્ર વરસાદવાળા સેન્ટરોમાં ૨૦૦ મીમીથી વધુ વરસાદ પડશે તેમ જણાવેલ પરંતુ આ વરસાદ તેનાથી પણ વધુ  વરસી ગયો કહેવાય.

બંગાળની ખાડીમાં બે દિવસ પહેલા લો પ્રેસર થયુ હતુ જે ડિપ્રેશન બાદ ડિપડિપ્રેશનમાં પરીવર્તીત થયુ હતુ. આજે સવારે નોર્થ- ઓડીશા ઉપર હતુ આ સીસ્ટમ્સ મધ્યપ્રદેશ તરફ ગતિ કરે છે એટલે નોર્થ છત્તીસગઢ ઉપર ૪૮ કલાક રહેશે.

આ સિસ્ટમ્સ ૨૪ કલાકમાં નબળી પડી ડિપ્રેશનમાં પરીવર્તીત થઇ જશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જે લો પ્રેસર હતુ જે હાલ નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને લાગુ દક્ષિણ ગુજરાત ઉપર છે. તેના અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન પ.૮ કિલોમીટરના લેવલ સુધી છે. વધતી ઉંચાઇએ તેનુ સેન્ટર દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે.

ચોમાસુ ધરી નલીલા, લોપ્રેસરનું સેન્ટર અને ત્યાંથી ખંડવા, રાયપુર, સમલપુર અને ત્યાંથી નોર્થ ઓડીસ્સાના ડિપડિપ્રેશન સુધી ફેલાયેલ છે. તે સિવાય ગુજરાત પરના લો-અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન તેમજ ડિપડિપ્રેશનના અપરએર સાયકલોનીક સરકયુલેશન સુધી એક ટ્રફ ૧.૫ કિલોમીટરથી ૫.૮ કિલોમીટરના લેવલમાં છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૧૩થી ૧૭ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં મોટા વિસ્તારમાં વરસાદનો સાર્વત્રીક રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં જે વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળે છે તે પણ પુરાઇ જશે. આગાહીના સમયગાળા દરમિયાન ૫૦ મીમીથી ૧૦૦મીમી તેમજ અતિભારે વરસાદ વાળા સેન્ટરોમાં ૨૦૦ મીમીને પણ વટાવી જશે.

અતિભારે વરસાદ પડયો હોય અને હજુ વધુ વરસાદ પડવાનો હોય હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

(3:25 pm IST)