Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભાજપે સુકાની બદલાવાના લીધેલા નિર્ણયથી સૌરાષ્‍ટ્રમાં આઘાતની લાગણીઃ વિજયભાઇના રૂપાણી નેતૃત્‍વમાં પાંચ વર્ષમાં સૌરાષ્‍ટ્ર માટે વિકાસના દ્વાર ખુલ્‍યા

પાંચ વર્ષમાં તેમણે ગરીબો, પીડિતો, શોષિતો, ગામડાઓ, ખેડૂતો, પશુપાલકો માટે અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા : સૌરાષ્‍ટ્રનું પાટનગર રાજકોટ તેમનું કાયમી ઋણી રહેશે : એઇમ્‍સ, રાજકોટ-અમદાવાદ સીકસ લેન હાઇવે, અન્‍ડરબ્રીજ - ઓવરબ્રીજ, ટ્રાફિકની સમસ્‍યા, પાણીની સમસ્‍યા, ટી.પી. સ્‍કીમો, ઇન્‍ટરનેશનલ એરપોર્ટ સહિતના મહત્‍વના નિર્ણય પણ લીધા


નવી દિલ્‍હી તા. ૧૩ : સંવેદનશીલ સરકાર તરીકે છેલ્લા પાંચ વર્ષમાં અનેક સંવેદનશીલ નિર્ણયો ગરીબો, પીડીતો, શોષિતો માટે ગામડાઓ માટે ખેડૂતો માટે, પશુપાલકો માટે લેનાર તથા સૌરાષ્‍ટ્રના ચોમુખી વિકાસના દ્વાર ખોલનાર વિજયભાઇ રૂપાણીએ ઓચિંતુ રાજીનામુ આપી દેતા સમગ્ર સૌરાષ્‍ટ્રમાં આઘાતની લાગણી પ્રસરી હોવાનું જણાય છે.
સૌરાષ્‍ટ્ર કાયમ પછાત રહ્યું છે અને વિકાસ માત્ર ગુજરાતનો થયો છે ત્‍યારે સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટના વતની એવા વિજયભાઇ રૂપાણીએ પાંચ વર્ષ પહેલા ગુજરાતનું સુકાન સંભાળ્‍યું ત્‍યારથી આજ સુધી તેમણે સમગ્ર ગુજરાતની સાથે સાથે સૌરાષ્‍ટ્રની પણ ચિંતા કરી સૌરાષ્‍ટ્રને અનેક વિકાસકાર્યોની ભેટ આપી હતી. સૌરાષ્‍ટ્રમાં એઇમ્‍સ લાવવી હોય કે રાજકોટ - અમદાવાદ હાઇવે સીકસ લેનનો કરવો હોય કે પછી સૌની યોજના થકી લોકોને પીવાના પાણીની અગવડ ન પડે તે માટે સતત ચિંતા કરી હતી. સૌરાષ્‍ટ્રના દરેક વ્‍યકિતને સ્‍પર્શતા અનેક વિકાસ કામોને તેમણે પ્રધાન્‍ય પણ આપ્‍યું હતું.
રાજકોટની વાત કરી એ તો તેમણે પોતાના માદરે વતનને ઇન્‍ટરનેશનલ એરપોર્ટ, એઇમ્‍સ, આઠ અંડર કે ઓવર બ્રીજ, નવા રીંગ રોડ, સૌની યોજનાથી આજી ડેમની છલોછલ ભરવા જેવા કાર્યો કરી રાજકોટની સાથે સમગ્ર સૌરાષ્‍ટ્રવાસીઓનું દિલ પણ જીતી લીધું હતું. રાજકોટની કોઇ સમસ્‍યા હોય કે સૌરાષ્‍ટ્રની સમસ્‍યા હોય તેઓ તેનો ઉકેલ આણવા સતત જાગૃત રહેતા હતા.
પક્ષ અને પ્રજા એમ બંનેના નેતા તરીકેની છાપ ઉભી કરનાર વિજયભાઇ રૂપાણી પોતાના વિનમ્ર સ્‍વભાવના કારણે સૌરાષ્‍ટ્રભરમાં અપાર લોકચાહના ધરાવતા હતા. સૌરાષ્‍ટ્રને વધુમાં વધુ વિકાસકાર્યોની ભેટ મળે તે માટે તેઓ ત્‍વરીત નિર્ણય પણ લેતા હતા. એટલું જ નહિ વિકાસકાર્યો મૂર્તિમંત બને તે માટે પણ તેઓ સતત નિરીક્ષણ કરતા રહેતા હતા. આપણી સમગ્ર જુનાગઢના ગીરનાર ખાતેના રોપ-વેનો દાખલો પણ છે. તેમના સતત પ્રયાસોને કારણે જ આ પ્રોજેકટ વહેલો સાકાર થવા પામ્‍યો છે.
સૌરાષ્‍ટ્રની વિજળીની સમસ્‍યા હોય, પાણીની સમસ્‍યા હોય કે પછી રોડ-રસ્‍તાની સમસ્‍યા હોય તેઓ સતત ચિંતીત રહેતા હતા. સૌરાષ્‍ટ્રવાસીઓ તેમનું યોગદાન કદી ભૂલી શકે તેમ નથી. રાજકીય ઘટનાક્રમ અનુસાર તેમનો ઓચિંતો ભોગ લેવાતા સૌરાષ્‍ટ્રના લોકો સ્‍તબ્‍ધ બની ગયા છે. અંદરખાને લોકોમાં નારાજગી પણ હોવાનું જણાય રહ્યું છે.
રાજકોટ તેમનું સતત ઋણી રહેશે કારણ કે તેમણે રાજકોટની બે મોટી સમસ્‍યાઓ પાણી અને ટ્રાફિકની ઉકેલી હતી. તેમણે આઠ ઓવરબ્રીજ અને અંડરપાસ વહેલામાં વહેલી તકે બની જાય તે માટે નિર્ણયો લીધા અને નાણા પણ ફાળવ્‍યા હતા. રાજકોટને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે તેમણે સૌની યોજના થકી નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવી ભર ઉનાળે આજી ડેમ છલોછલ કરી દીધો હતો. તેઓ સતત કહેતા રાજકોટવાસીઓને પાણીની તકલીફ પડવી ન જોઇએ. કોર્પોરેશનના વર્તુળો જણાવે છે કે, અમે જ્‍યારે પણ પાણી માટેની દરખાસ્‍ત કરીએ અમોને ત્‍વરીત મંજુરી મળી જતી હતી.
સૌરાષ્‍ટ્રના ઉદ્યોગ અને વેપારીજગતની વાત કરીએ તો તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા તેઓ સતત જાગૃત રહેતા ચેમ્‍બર ઓફ કોમર્સનું પ્રતિનિધિ મંડળ જ્‍યારે પણ મળવા જાય તેઓના પ્રશ્નોનો નિવેડો લાવવા તેઓ ધડાધડ આદેશો આપતા હતા. એટલું જ નહિ ઉદ્યોગોનો વિકાસ કેવી રીતે થાય, રોજગારીનું સર્જન કેવી રીતે થાય તે માટેની દરખાસ્‍ત પણ લાવવા તેઓ પ્રતિનિધિ મંડળને જણાવતા હતા. તેમણે ઓચિંતુ પદ છોડતા આ સમુદાય પણ અંદરખાને નારાજ જણાય રહ્યું છે. કોઇ ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય કોઇ પ્રોફેશ્‍નલ હોય કે કોઇ ભાજપનો કાર્યકર હોય વિજયભાઇ સૌ કોઇને એક સરખુ માન આપી સૌના પ્રશ્નો અને કામકાજનો નિવેડો લાવતા.
રાજકોટની ટી.પી. સ્‍કીમો તેઓ ધડાધડ મંજુર કરતા. આરએમસી હોય કે પછી રૂડા હોય તેઓ માત્ર ૨૪ કલાકમાં ફાઇલો કિલયર કરી દેતા હતા. રાજકોટ કોર્પોરેશન અને રૂડાની ૧૯૯૫થી પેન્‍ડીંગ ફાઇલો પણ તેઓ ઝડપથી કિલયર કરવા લાગ્‍યા હતા. ટી.પી. સ્‍કીમોનો બેકલોગ પણ તેઓએ દુર કર્યો હતો.  કોવિડની મહામારી દરમિયાન પણ તેઓએ ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરી હતી. ઓક્‍સિજનની અછત હોય કે પછી વેક્‍સિનની અછત હોય તેઓએ સતત દેખરેખ રાખી લોકોને મુશ્‍કેલી ન પડે તેની કાળજી રાખી હતી. મહામારીના બે વર્ષમાં તેઓએ અનેકવિધ લોકનિર્ણયો લીધા જેના કારણે અન્‍ય રાજ્‍યો કરતા ગુજરાતમાં ઓછી અસર જોવા મળી હતી.
આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપના હાઇકમાન્‍ડે નેતૃત્‍વ પરિવર્તનનો નિર્ણય લેતા હસ્‍તા મુખે તે સ્‍વીકારી અને ભાજપના એક શિસ્‍તબધ્‍ધ કાર્યકર અને સૈનિક હોવાનું છાપ પણ તેમણે ઉભી કરી છે. તેઓએ ખેલદિલી દાખવી ખભ્‍ભા સાથે ખભ્‍ભા મીલાવી તેઓએ કામ કરવાનો કોલ પણ આપ્‍યો છે.

 

(12:07 pm IST)